સામાન્ય લોકોને નહીં મળે રાહત, નાણામંત્રીએ ચોખ્ખુ કહી દીધુ- પેટ્રોલના ભાવ નહીં ઘટે

છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલની નવી કિંમતમાં ઝડપથી વધારો થયો છે. જનતા સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહી છે, જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે તેમના હાથ બંધાયેલા છે. નાણામંત્રીએ સોમવારે અગાઉની યુપીએ સરકારોને તેલની કિંમતો માટે જવાબદાર ગણાવીને કહ્યું હતું કે યુપીએ સરકારે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ ઇશ્યુ કરીને ઇંધણની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તેમણે કહ્યું કે, હું અગાઉની યુપીએ સરકાર દ્વારા ભજવવામાં આવેલા ખેલને અપનાવી શકતી નથી.

image soucre

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર ઓઇલ બોન્ડના કારણે બોજામાં આવી ગઇ છે અને તેથી જ અમે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં સક્ષમ નથી. લોકોને ચિંતા થવાનો અધિકાર છે. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો કોઈ રસ્તો ન શોધે ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી. તેમણે કહ્યું કે, એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરીને ભાવના ઓછા કરવાને લઈને તેમણે કહ્યું મારા હાથ બંધાયેલા છે.

image soucre

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હાલમાં ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. યુપીએ સરકાર દ્વારા જારી કરાયેલા ઓઇલ બોન્ડ્સ માટે વ્યાજની ચૂકવણીના કારણે સરકારના ખજાના પરનો બોજ વધ્યો છે. સરકારે છેલ્લા 5 વર્ષમાં ઓઇલ બોન્ડ પર 70,195.72 કરોડથી વધુ વ્યાજ ચૂકવ્યું છે.

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે સરકારે હજુ પણ 2026 સુધીમાં 37,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજની ચુકવણી છતાં, 1.30 લાખ કરોડથી વધુની મુખ્ય રકમ હજુ બાકી છે. તેમણે કહ્યું કે, જો સરકાર પર ઓઈલ બોન્ડનો બોજ ન હોત તો એક્સાઈઝ ડ્યૂટી સરકાર ઘટાડી શકત.

નોંધનીય છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા સહિતના મોટાભાગના શહેરોમાં એક લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે. છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. 17 જુલાઈના રોજ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે પહેલા ઘણા દિવસો સુધી દૈનિક ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો. તેના કારણે કેન્દ્ર સરકારને સામાન્ય લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, ઘણી વખત સરકારના પ્રધાનોએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવા પાછળ કોરોના મહામારીને જવાબદાર ગણાવી છે.

કયા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે?

image soucre

છેલ્લા એક મહિનાથી તેલના ભાવમાં વધારો ન થવાને કારણે જનતાને થોડી રાહત મળી છે, પરંતુ તેમ છતાં ભાવ ખૂબ ઉંચા છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયામાં ઉપલબ્ધ છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની વાત કરીએ તો તે અહીં 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાય છે. શહેરમાં પેટ્રોલ 101.49 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 94.39 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જોકે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પેટ્રોલની કિંમત ચોક્કસપણે 100 રૂપિયાથી ઓછી છે, પરંતુ તેમ છતાં પેટ્રોલની કિંમત 98.92 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.