રાજકોટમાં પથારીવશ દીકરાનું સગી જનેતાએ કાઢ્યું કાસળ, પોલીસ સમક્ષ કરી મોક્ષ આપ્યાની આ વાત

હાલ રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં ગુનાખોરીના બનાવો બનતા અટક્યા છે. પરંતુ તાજેતરમાં રાજ્યના રાજકોટ શહેરમાંથી એવી ઘટના સામે આવી છે કે જેના વિશે સાંભળી લોકોના મન પણ દ્રવી ઉઠે છે. આ ઘટના છે હત્યાની અને હત્યા થઈ છે એક દીકરાની જે કરી છે ખુદ તેની જનેતાએ…

રાજકોટના રણછોડવાડી વિસ્તારમાં 4 એપ્રિલના રોજ 17 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું. મોતનું કારણ એવું જણાવાયું હતું કે નાનપણથી બીમારીથી પીડિત પ્રીન્સ ડાંગરીયા બેડ પરથી પડ્યો અને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું છે. પરંતુ જ્યારે પ્રીન્સનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે સત્ય બહાર આવ્યું કે કોઈએ તેની હત્યા કરી છે.

 

image source

આ રિપોર્ટ બાદ પોલીસએ કરેલી પુછપરછમાં અંતે માતા ભાંગી પડી અને તેણે વર્ણવી પ્રીન્સની હત્યા કરવાની યોજના જેને સાંભળી પોલીસ પણ હચમચી ઊઠી હતી. દક્ષાબેન અને કિશોરભાઈ ડાંગરીયાનો પુત્ર પ્રીન્સ નાનપણમાં બીમાર પડ્યો હતો અને તેના કારણે તે 17 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી પથારીવશ હતો. તેની હાલત એવી હતી કે તેની સતત સેવા ચાકરી કરવી પડતી હતી.

શરુઆતમાં તો બધું બરાબર ચાલ્યું પછી માતા પોતાના દિકરાની સેવા કરી કંટાળી ગઈ અને તેણે હત્યા કરવા જેવું નિષ્ઠુર પગલું ભર્યું. દક્ષાએ 4 તારીખએ સવારે ભર ઊંઘમાં સુતા દીકરાને બેડ પરથી નીચે પછાડ્યો અને પછી નિર્દયતાથી દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ દીકરો પથારીમાંથી પડ્યો અને મોત થયું જાહેર કરી તે રાજકોટ નજીક આવેલા તેના ગામ દિકરાની અંતિમ વિધિ કરવા પહોંચી ગઈ. ત્યાં સુધીમાં અહીં પ્રીન્સની પોસમોર્ટમ રિપોર્ટ આવી ગઈ હતી અને તેમાં હત્યાનો ભેદ ખુલી ચુક્યો હતો. પોલીસએ દક્ષાની ધરપકડ રાજકોટ પહોંચ્યાની સાથે જ કરી લીધી અને સમગ્ર ઘટના વિશે કડકાઈથી પુછપરછ કરી.

પોલીસ સમક્ષ દક્ષાએ કબૂલ પણ કર્યું કે તે દીકરાની સેવાથી કંટાળી ગઈ હતી. જો કે તેણે એમ પણ કહ્યું કે તેણે બીમાર દીકરાને સારા ચોઘડીયામાં મારી તેને મોક્ષ આપી દીધો છે.