150 વર્ષ જૂના પીપળાનાં ઝાડ સાથે બનેલું છે ઘર, બનાવટ જોઈને કહેશો-કુદરતનો ખ્યાલ તો તમે જ રાખ્યો હો…

વૃક્ષોનું જતન કરવું તે આપણી નૈતિક ફરજ છે. પરંતુ આજનો માનવી પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષો કાપી રહ્યો છે અને જંગલો નષ્ટ કરી રહ્યો છે. આ પછી હવે કોરોના મહામારીમાં કુદરતે લોકોને સમજાવી દીધું છે કે પ્રકૃતિ કેટલી જરૂરી છે. બીજી લહેરમાં લોકો ઓક્સિજન સિલિન્ડર પાછળ દોડ મૂકી રહ્યાં હતાં. જેથી હવે વૃક્ષોનું મહત્ત્વ સમજ્યાં છે. આજે અહી ઍક એવા પરિવાર વિશે વાત કરવામાં આવી રહી છે જે જોઈને તમે પણ કહેશો કે ખરેખર આને કહેવાય વૃક્ષોનું સાચું જતન કર્યુ. આ પરિવારે પોતાના ઘરમાં ઝાડ અને ફૂલછોડ એટલા બધા રાખ્યા છે કે તમને થશે અહી ઘરની અંદર ઝાડ છે કે પછી ઝાડની અંદર ઘર છે.

image source

આ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશના જબલપુરમાંથી. અહી રહેતા કેશરવાની પરિવારના ઘર જેવું કોઈ ઘર તમે આ અગાઉ ન તો ક્યારેય જોયું હશે કે ન તો સાંભળ્યું હશે. આજે આ ઘર માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ફેમસ બન્યું છે અને લોકો તેને વખાણી રહ્યાં છે. આ ઘર યોગેશ નામનાં વ્યક્તિનું છે અને તેમની પત્નીનું નામ નીલું છે. તે બંને કહે છે કે આ ઘર તેમના સ્વ. સસરા ડૉ. મોતીલાલે બનાવ્યું હતું. દાદાજીના સમયમાં અહીં માત્ર કાચું ઘર હતું. તે સમયે જ અહી પીપળાનું ઝાડ હતું. આ મુજબ કહી શકાય કે આ ઝાડ અંદાજે 150 વર્ષ જૂનું છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો 1990માં યોગેશના પિતાએ નવેસરથી વારસામાં મળેલું આ ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. હવે સમસ્યાએ હતી કે ઘરની બરાબર વચ્ચે જ પીપળાનું ઝાડ હતું. જ્યારે ઘર બનાવાની વાત ચાલી ત્યારે દરેક એમ જ કહેતા હતાં કે ઝાડને કાપીને સુંદર ઘર બનાવી દેવું જોઈએ. પરંતુ મોતીલાલ પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી હતાં. તેમણે લોકોની વાતો માની નહીં અને એક સિવિલ એન્જિનિયરને આમાંથી વચ્ચેનો રસ્તો શોધવા કહ્યું અને પછી તૈયાર થયું હતું આ અનોખું ઘર.

image source

જાણવા મળ્યું છે કે હવે તો આ સિવિલ એન્જિનિયર દુનિયામાં નથી. પરંતુ તેની આ રચના જોઈને સૌ આજે પણ તેને વખાણી રહ્યાં છે જેનું કારણ છે કે તેણે આ ઘરને એ રીતે ડિઝાઈન કર્યું હતું કે ઘરના તમામ રૂમમાંથી ઝાડની ડાળીઓ લટકતી જોઈ શકાય. આ ઘર વિશે વાત કરીએ તો આ ઘર ચાર માળનું છે અને અહી રહેનાર કેશરવાની પરિવાર માટે આ પૂરતું છે. મોતીલાલનાં દીકરા યોગેશે કહ્યું હતું કે ઘરનું નિર્માણ ઝાડ કેટલું આગળનાં સમયમાં ઉગશે તે ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે પીપળાનું ઝાડે કેટલું પહોળું થાય છે. આથી પહેલેથી જ પીપળાની ડાળીઓ દીવાલમાંથી બહાર નીકળી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

આખી રચના એ મુજબ હતી કે ભવિષ્યમાં જો ડાળીઓ મોટી થાય તો પણ ઘર કે ઝાડને કોઈ પણ નુકસાન થાય નહીં. આ વિશે વાત કરતા યોગેશની પત્ની નીલુએ કહ્યું હતું કે મે લગ્ન પહેલાં જ આ ઘરની ચર્ચા ઘણી સાંભળી હતી અને મને નવાઈ લાગતી કે ઝાડની ઉપર કેવી રીતે ઘર હોય શકે. આ પછી જ્યારે હું પરણીને ઘરે આવી ત્યારે તે આ બધુ જોઈને દંગ રહી ગઈ હતી. આ ઘરમાં રહેતા રહેતા હવે તેને પણ આ પીપળાના ઝાડ પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. આ વચ્ચે ઘણાં લોકો એવા પણ હતાં જે મોતીલાલને ડરાવતા રહેતાં હતાં. લોકો કહેતા કે માન્યતાઓ મુજબ ઘરમાં પીપળાનું ઝાડ શુભ નથી. આવું કરવાથી તમારા જીવનમાં અનેક મુશ્કેલી આવશે. પરંતુ પ્રકૃતિ પ્રેમી મોતીલાલ એકના બે ના થયા અને ઘર બનાવીને જ રહ્યા હતા.

image source

તેણે આ ઘર વિશે વધારે માહિતી આપતા કહ્યું હતું કે પીપળાનું ઝાડ એક એવું ઝાડ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. આ સાથે જ ચારેબાજુ ફેલાય છે અને તેનો છાંયડો આપે તે અલગ અને વાતાવરણને પણ શુદ્ધ તથા ઠંડુ રાખે છે. આ જ કારણે ઘરનું તાપમાન ભરગરમીમાં પણ ચારથી પાંચ ડિગ્રી ઓછું હોય છે. તેણે કહ્યું હતું કે આમ તો ઘરમાં એસીની સુવિધા છે પરંતુ એસી ચલાવવું પડતું નથી. આ 1993માં ઘર બનીને સંપૂર્ણ તૈયાર થયું હતું. આ પછી ધીમે ધીમે લોકોમાં આ ઘર વિશે ચર્ચાઓ થવા લાગી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અનેક સિવિલ એન્જિનિયર આ ઘરની મુલાકાતે આવી ચૂક્યા છે અને માત્ર દેશના લોકો જ નહીં ઘણાં વિદેશી લોકો પણ આ ઘર જોવા માટે અહી આવે છે.

image source

ઘણાં લોકો લગ્નના વીડિયોમાં આ ઘરની ક્લિપ એડ કરાવે છે અને કેશરવાની પરિવાર પણ અહી આવતા દરેકનું દિલથી સ્વાગત કરે છે. પહેલેથી જ ઘરમાં પીપળાનું ઝાડ હોવાથી યોગેશ તથા નીલુ પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યાં છે. આથી તેઓ વ્યવસાયની સાથે સાથે જૈવિક ખેતી સાથે પણ જોડાયેલા છે. તેઓ ઘરની જરૂરિયાત માટેના શાકભાજી તથા ફ્રૂટ્સ પોતાનાં બગીચામાં જ ઉગાડે છે. હાલમાં તેમના બગીચામાં 50-60 ઝાડ છે જેમાં જાબું, પપૈયું તથા આંબો સામેલ છે.

જાણવા મળ્યું છે કે આ તમામ ઝાડ યોગેશના પિતા મોતીલાલે ઉગાડ્યા હતા અને આજે આ ઝાડ સુંદર ફળો આપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. આ સાથે આ બગીચામાં એક નાનકડી નર્સરી પણ છે.

image source

આ નર્સરીમાં વાવેલા રોપીને તેઓ કોઈને પણ ઘરમાં કે અન્ય જગ્યાએ વૃક્ષારોપણ કરવું હોય તો મફતમાં આપી રહ્યાં છે. તે કહે છે કે હિંદુ પુરાણોમાં તો એવી માન્યતા છે કે પીપળાના ઝાડમાં ભગવાનનો વાસ છે અને તેઓ ઘરમાં ઘણાં ખુશ પણ છે. આ સાથે તેઓએ પ્રગતિ પણ કરી છે જેથી જે લોકો પીપળાનાં વૃક્ષને અશુભ માને છે તેમનાં માટે આ કિસ્સો ઉદાહરણ પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવશે તો એક પ્રકૃતિ સાચવાશે. જો તમે પણ ભવિષ્યમાં ક્યારેક જબલપુર જાવ છો તો આ ઘરની મુલાકાત જરૂર લેજો. આ જમાનામાં તમને માનવી અને પ્રકૃતિ ઍક જ ઘરમાં રહી રહ્યાં છે તેનું દ્રશ્ય જોવા મળશે.