સુરતના કડોદરા વિસ્તારમાં ભીષણ આગ, 2ના મોત 15થી વધુ ઘાયલ

સુરત શહેરમાં આગ લાગવાની ઘટના ફરી એકવાર બની છે. અનેકવાર શહેરમાં ભીષણ આગની ઘટના બની હતી ત્યારે આજે પણ ફરીવાર આવી ઘટના બની હતી. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં સવારના સમયે આગ ભભુકી ઊઠી હતી. જાણવા મળતી માહિતી અનુસાર આ આગ વિવા નામની પેકેજિંગ મીલનમાં લાગી હતી. વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે કિલોમીટર દૂર સુધી ધુમાળાના વાદળો છવાયેલા જોવા મળ્યા હતા.

image source

સુરતની જીઆઈડીસીમાં લાગેલી આગની આ ઘટનામાં મીલમાં કામ કરતાં 2 કર્મચારીઓના મોત થયા હતા. આગ લાગતા પોતાનો જીવ બચાવવા માટે કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જાણવા મળે છે કે આગ સવારે 4 કલાક આસપાસ લાગી હશે કારણ કે ફાયરની ટીમને 4.30 કલાકે કોલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે 108 પણ દોડી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે 10 ફાયર ફાઈટર કામે લાગ્યા હતા.

આ આગની ઘટનામાં 2 કર્મચારીઓના મોત થયા છે જ્યારે 15થી વધુ કર્મચારી દાઝી ગયા છે. આ સિવાય ઘણા કર્મચારી પાંચમા માળેથી જીવ બચાવી નીચે કુદી પડ્યા હતા આ રીતે 50થી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

image source

ફાયર ઓફિસરે જણાવ્યાનુસાર મીલમાં 300 જેટલા લોકો ફસાયેલા હતા. જેથી સુરતથી પણ 25થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે આવી હતી. આ ઘટનામાં ફાયરની ટીમ બચાવકાર્ય કરે તે પહેલા જ એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. અન્ય કોઈ વ્યક્તિ નીચે કુદી પડે તે પહેલા જ ફસાયેલા લોકોને હાઇડ્રોલિક ક્રેનની મદદથી બચાવી લેવાયા હતા.

image source

આગ એટલી ભીષણ હતી કે તે બપોર સુધીમાં કાબુમાં આવી શકી હતી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. જો કે મીલમાં આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી. જેમનો બચાવ થયો છે અને જેમણે આગના દ્રશ્યો જોયા છે તેમનું કહેવું છે કે તેમણે મોતને નજર સામે જોયું હતું પરંતુ સદનસીબે તેમના જીવ બચી ગયા.