બ્રિટિશ સરકારની શોષણકારી નીતિ વિરુદ્ધ શરુ થયેલા દૂધ કલેકશન ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરનાર કંપની બની

ભારતને સ્વતંત્રતા મળી તેના એક વર્ષ પહેલા 1946માં ખેડા જિલ્લાના ખેડૂતો બ્રિટિશ સરકારની શોષણકારી નીતિ વિરુદ્ધ હડતાલ પર ઉતર્યા હતા. વર્ષ 1946માં બે નાનકડા ગામમાંથી રોજ 250 લીટર દૂધ એકત્ર કરી અમૂલ સહકારી સંરચનાની શરુઆત થઈ હતી અને હવે આ અમૂલ ફેડરેશન ટોચ પર પહોંચ્યું છે. અમૂલ ફેડરેશન ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરનાર સંસ્થા તરીકે પણ ઓળખાય છે.

અમૂલ ફેડરેશન તેની સ્થાપનાનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં અંદાજે 100 કરોડ લોકો અમૂલના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એવો થયો કે દર 3માંથી 2 વક્તિ અમૂલની પ્રોડક્ટ વાપરે છે.

અમૂલ એક બ્રાંડ બની ચુક્યું છે અને હવે કંપની નોનડેરી ઉત્પાદનો પણ બનાવે છે. હવે કંપની મીઠાઈ તરફ આગળ વધી રહી છે. આજે અમૂલ સાથે લાખો પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે. અમૂલ સાથે ગુજરાતના 27 લાખ અને ગુજરાત બહાર 7 લાખ પશુપાલકો કામ કરી રહ્યા છે. અમૂલનું દૈનિક દૂધ કલેકશન 2.50 કરોડ લીટર છે.

આ જ કારણ છે કે અમૂલ કંપની રિલાયન્સ, અદાણી, ટાટા સહિતના ગૃપ કરતાં પણ રોજગારી આપવાની વાતમાં આગળ છે. અમૂલના 1 લાખ લીટર દૂધના કલેકશનથી લઈ પ્રોડક્ટ બને ત્યાં સુધીની પ્રોસેસના કારણે 6000 લોકોને રોજગારી મળે છે. એટલે કે અમૂલના કારણે 15 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે.

છેલ્લા 25 વર્ષના અમૂલ કંપનીના આર્થિક ગ્રોથ પર નજર કરીએ તો કંપનીનું ટર્નઓવર વર્ષ 1994-95માં કંપનીનું ટર્નઓવર 1,114 કરોડ હતું, જે 2020-21માં 39,248 કરોડ છે. આ સિવાય કંપનીનું વર્ષ 2021-22માં ટર્નઓવર 63,000 કરોડ થશે તેવું અનુમાન છે.

અમૂલ ડેરીના પ્રોડક્ટની વાત કરીએ તો આ કંપનીના આઈસક્રીમ, ચોકલેટ, બેકરી આઈટમ અને કેટલીક નોન-ડેરી પ્રોડક્ટ દેશભરમાં મળે છે. આ તમામ પ્રોડક્ટના ઉત્પાદન માટે કંપનીના ભારતમાં 87 જેટલા પ્લાન્ટ કાર્યરત છે અને તેમાંથી 30 પ્લાન્ટ ગુજરાતમાં ચાલે છે. અમૂલનો સૌથી મોટો પ્લાન્ટ ગાંધીનગર જિલ્લાના ભાટ ગામમાં આવેલો છે.

image soucre

અમૂલ કંપની હવે લોટ, સ્નેક્સ, ફ્રોઝન ફૂડ, મધ જેવી પ્રોડક્ટ પણ માર્કેટમાં લોન્ચ કરી ચુકી છે જેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમૂલ કંપનીની પ્રોડક્ટ વેંચતા પાર્લરની સંખ્યા પણ રાજ્યમાં વધી રહી છે. હાલ દેશભરમાં 10 હજારથી વધુ અમૂલ પાર્લર છે. કંપનીનો લક્ષ્ય છે કે દર 200 મીટરના અંતરે એક અમૂલ પાર્લર હોય. અમૂલ કંપની હવે દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ પોતાના યુનિટ શરુ કરશે જેના માટે તૈયારી શરુ કરવામાં આવી છે.