ફરવા જવાનો શોખ હોય તો એક વખત આંટો મારી આવો ભારતના આ રાજ્યમાં

કર્ણાટક ભારતના સૌથી સુંદર રાજ્યો પૈકી એક રાજ્ય છે. ઉત્તરથી લઈને દક્ષિણ ઔધી આ રાજ્યમાં ફરવા માટે ભરપૂર આકર્ષક નજારાઓ છે. આ રાજ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. અહીં નંદથી લઈને મૌર્ય અને સાતવાહન નામક રાજાઓનું શાસન રહ્યું હતું. આ કારણે એવું પણ કહેવાય છે કે લાંબા ઇતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્યના લીધે આ રાજ્ય પર્યટનના આભૂષણોથી પરિપૂર્ણ છે. આ રાજ્યમાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. જો તમે પણ ક્યારેક કર્ણાટક બાજુ ફરવા જવાનો પ્લાન બનાવો તો ત્યારે ત્યાં કઈ કઈ જગ્યાઓ ફરવા લાયક છે તેના વિશે પહેલાથી માહિતગાર થવું જરૂરી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને કર્ણાટકના અમુક વિશેષ પર્યટન વિસ્તારો વિશે માહિતી પીરસી રહ્યા છીએ. જે તમને ક્યારેક કર્ણાટક જવાનું થાય ત્યારે ઉપયોગી બની શકશે. તો કર્ણાટકના એ કયા કયા સ્થાનો છે જ્યાં ફરવા માટે જવું એક યાદગાર અનુભવ બની રહે છે તે જોઈએ.

કુર્ગ

image soucre

આ કર્ણાટકના લોકપ્રિય પર્યટન સ્થળો પૈકી એક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા ખાસ ફરવા લાયક છે. અહીંના ખુબસુરત અને લીલાછમ હરિયાળીથી ભરપૂર પહાડો અને અહીં શીતળ વહેતી નદીઓ નિહાળવાનો એક અલગ જ આનંદ છે. કોફીના ઉત્પાદન માટે પ્રસિદ્ધ એવા કુર્ગને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. એબી ફોલ્સ, ઇરુપ્પુ ફોલ્સ અને હોનનામના કેર તળાવ વગેરે કુર્ગમાં જોવાલાયક સ્થાનો છે.

ગોકર્ણ

image soucre

આ કર્ણાટકના પ્રમુખ પર્યટન ક્ષેત્ર પૈકી એક છે જે સમુદ્ર તટ પ્રેમીઓ માટે એક લાજવાબ જગ્યા છે. જો તમે રજાઓ ગાળવાનો પૂરો આનંદ લેવા ઇચ્છતા હોય તો અને પાણીમાં નહાવાનો આનંદ લેવા ઇચ્છતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. સૌથી ખાસ વાત એ કે અહીં બહુ ભીડ નથી હોતી જેથી અહીં પર્યટકોને ફરવાનો પૂરો આનંદ મળે છે.

હમ્પી

image soucre

કર્ણાટકની તૂંગભદ્રા નદીના કિનારે સ્થિત હમ્પી એક પ્રાચીન ગામ છે જે તેના પ્રાચીન ખંડેરો માટે પ્રસિદ્ધ છે. આ ખંડેરોને કારણે જ હમ્પીને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેઝ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પહાડો અને ઘાટીઓની ઊંડાઈમાં સ્થિત હમ્પીને કર્ણાટકના પ્રમુખ પર્યટન ક્ષેત્રો પૈકી એક ગણવામાં આવે છે.

નંદી હિલ્સ

image soucre

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં સ્થિત નંદી હિલ્સની ગણના ભારતના સૌથી સારા પર્યટન ક્ષેત્રોમાં કરવામાં આવે છે. અહીંની લીલોતરી અને સુંદર કુદરતી દ્રશ્યો મન મોહી લે છે. અહીં ઘણા બધી પ્રાચીન ઇમારતો પણ આવેલી છે. એ સિવાય અહીં પહાડો પર આવેલ નંદી કિલ્લો પણ જોવાલાયક છે જે ટીપુ સુલતાને બનાવ્યો હતો.