સુરતની જનતાને મળશે વિવિધ સમસ્યાઓથી છૂટકારો, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સુરતની સૂરત બદલવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને અમુક સૂચનો કર્યા છે, જેના પછી ગૃહમંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

image source

સુરતની જનતાને ટ્રાફિક સિગ્નલ ઉપર ભિક્ષુકો તરફથી થતી કનડગત દૂર કરવા, રખડતા ઢોરને ડબ્બે પુરવા સાથે જ તીર્થધામો ઉપર થતા દબાણોને દૂર કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ એસઆરપીની એક બટાલિયન સુરત શહેર માટે ફાળવવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતનું પ્રમુખ સિટી સુરત હવે એક સ્માર્ટ સીટી બની રહ્યું છે ત્યારે શહેરની જનતાને ટ્રાફિક સિગ્નલો પર ભિક્ષુકો પરેશાન ન કરે, તેમના દ્વારા વાહન ચાલકો સાથે કરવામાં આવતી કનડગતને ડામી શકાય, તેમજ રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોના બનાવોને ઘટાડી શકાય તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર કરાતા ગેર કાયદેસરો દબાણોના પગલે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા સાથે વારંવાર થતી ઘર્ષણની પરિસ્થિતિને ટાળી સુનિયોજિત રીતે આ વિવાદોનો નિકાલ લાવવા માટે તેમજ આખી પરિસ્થિતિને સુપરે થાળે પાડવા માટે સાંસદ અને રાજ્ય ભાજપ એકમના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચન બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા માટે એસઆરપીની એક પ્લાટુન (50 કુમક)ને ફાળવવાનો નિર્ણય લઈ લીધો છે. આગામી થોડા દિવસોમાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય તીર્થધામોમાં પણ થતા દબાણોને દૂર કરવા માટે અલગથી પોલીસના રિઝર્વ દળ એવા એસઆરપી જવાનોની ફાળવણી કરવામાં આવશે એવી નવી સરકારની યોજના હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં આવેલા તમામ ટ્રાફિક જંક્શનો ઉપર કાર્યવાહી કરવામાં આવશે

image source

સુરત શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં ટ્રાફિક સિગ્નલો જેવા કે મજુરા ગેટ, અઠવા ગેટ, ઉધના દરવાજા, ચોક ચાર રસ્તા સહિતના ટ્રાફિક જંકશનો ઉપર જેવું સિગ્નલની લાઈટ લાલનું નિશાન દર્શાવે એટલે કે રેડ થાય તે દરમિયાન વાહન ચાલકો સાથે ભિક્ષુકો દ્વારા પૈસાની માગણીને લઈને હેરાન પરેશાની કરવામાં આવતી હોવાની બાતમી સામે આવી છે. આ હકીકત રાજ્યના તમામ મોટા શહેરોમાં જોવા મળતી હોય છે. વર્ષોથી શહેરી જીવનમાં વણાઈ ગયેલી આ સમસ્યાના નિદાન માટે સુરત મહાનગરપાલિકા તંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવતો હતો. પરંતુ સ્ટાફ ઓછો હોવાના કારણે તેમના પ્રયત્નોમાં કોઈ ખાસ સફળતા મળતી ન હતી. જોકે હવે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લઈને એસઆરપીની 50 કુમક ફાળવવાનો આદેશ જાહેર કરવામાં આવતા શહેરના માર્ગોમાં આવતા ભિક્ષુકોને દૂર કરવાની કાર્યવાહી કરવી તંત્ર માટે ઘણી સરળ બની જશે.

આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવશે

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભિક્ષુકોને હટાવીને શેલ્ટર હોમમાં મુકવાની યોજના છે. તદુપરાંત તેમને સારા કપડા અને ખોરાક પણ આપી સાફ સુથરા કરવા માં આવશે. જે કામગીરી માટે પણ અલગ અલગ એનજીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી છે. ગુજરાત સરકાર તરફથી આ ભિક્ષુકોને જમવાનું પણ મળી રહે તે માટેની પણ યોગ્ય અને સારી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટની કામગીરી સુરતમાં , પછી રાજ્યભરમાં મોડેલને લાગૂ કરવામાં આવશે

image source

હાલ નવસારીના લોકસભા સીટિંગ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં આ પ્રકારનો આ એક પ્રથમ પ્રયોગ માત્ર છે કે જે કરવામાં આવ્યો છે. ગુજરાતના સમગ્ર રાજ્યને દબાણમુક્ત કરવાનું રાજ્ય સરકારે બીડું ઝડપ્યું છે. અને આગામી દિવસોમાં રાજ્યની જનતાને શહેરોના ટ્રાફિક સિગ્નલ ઉપર ભિક્ષુકોની પરેશાનીમાંથી પણ રાહત અને છૂટકારો મળશે . આની ઉપરાંત રાજ્યના અન્ય મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી શરુ કરવામાં આવશે, તેવી યોજના છે. જેના ઉપરાંત રખડતા ઢોરના પગલે અકસ્માતોની પણ ઘટનાઓ બનતી હોય છે. જેને ડામવી પણ ઘણી જરુરી છે, કારણ કે આ પ્રકારની ઘણી ઘટનાઓમાં લોકો મોતને પણ ભેટે છે. તેમજ દ્વારકા, અંબાજી, પાવાગઢ, સોમનાથ સહિતના તીર્થધામો ઉપર મોટા પ્રમાણમાં ગેર કાયદેસર દબાણો કરવામાં આવેલા છે જેને દૂર કરવા અત્યંત જરુરી છે. તે દૂર કરવા માટે પણ ગુજરાત સરકાર તરફથી આગામી અમુક દિવસોમાં મોટા પાયે કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે.

રખડતા ઢોરના કારણે એક્સિડન્ટની તકલીફ

image source

સુરતમાં રખડતા ઢોરની પણ સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ઘણીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી દરમિયાન સ્ટાફ ઉપર પશુઓ દ્વારા હુમલો કરી દેવાયાના પણ બનાવો બનતા હોય છે. ત્યારે એસઆરપીના જવાનોની ઉપસ્થિતમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આ સમસ્યામાંથી સુરતના લોકોને મોટી રાહત મળી જશે અને તેઓ જલ્દી આ પ્રકારની સમસ્યાઓથી બહાર આવી શકશે. રખડતા ઢોરના કારણે ઘણીવાર ટુ વ્હીલર ચાલકો એક્સિડન્ટમાં મોતને પણ ભેટે છે. ત્યારે સ્માર્ટ સીટી બનવા તરફ જઈ રહેલા સુરતને દબાણમુક્ત શહેર બનાવવા લેવામાં આવેલો નિર્ણય કેટલો યોગ્ય ઠરે છે તે આગામી દિવસોમાં જોવા મળશે. આ માટે રાજ્ય સરકાર કેટલી ત્વરિત કામગીરી કરી શકે છે, અને સુરત મનપા તેમજ રાજ્યની જનતા પણ તેને લાગૂ કરાવવામાં કેટલી સહાયભૂત નીવડે છે તે પણ જોવાનું રહેશે.