ભગવાન સૂર્યને તેની પત્નીએ શા માટે આપ્યો હતો શ્રાપ ?

ઘરના નાના બાળકોથી લઈ મોટા વડિલો સુધી તમામને પ્રિય હોય તેવો તહેવાર ઉત્તરાયણ આવી ગયો છે. ખાવાપીવાના શોખીનોથી લઈ પતંગના પેચ લગાવવા આતુર લોકો વર્ષભર આ દિવસની રાહ જુએ છે. જો કે આ વર્ષે પણ કોરોનાના કારણે લોકોના ઉત્સાહ પર સંક્રમણનો ભય જોવા મળે છે. પરંતુ તેમ છતાં ઘર-પરિવારના લોકો સાથે આ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકાશે. મકરસંક્રાંતિની ઉજવણી આમ તો લોકો ખાવાપીવાની મજા સાથે અને પતંગ ચગાવીને કરતા હોય છે. પરંતુ આ તહેવારનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે.

image soucre

મકરસંક્રાંતિ પર સૂર્ય ધન રાશિ છોડીને તેના પુત્ર શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની યાત્રા શરૂ કરે છે. તેથી મકરસંક્રાંતિ પર દાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે તલનું દાન પણ કરવામાં આવે છે. તેનાથી શનિદેવ અને ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે.

image soucre

જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર દાનને લઈને એક કથા પ્રચલિત છે. જે અનુસાર ભગવાન સૂર્યને બે પત્નીઓ હતી જેમાં એકનું નામ છાયા અને બીજાનું નામ સંજ્ઞા હતું. શનિદેવ સૂર્યદેવની પ્રથમ પત્ની છાયાના પુત્ર હતા. શનિદેવની ચાલ બરાબર ન હતી જેના કારણે સૂર્યદેવ ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ સૂર્યદેવે શનિદેવને છાયા સાથે એક ઘર આપ્યું જેનું નામ કુંભ હતું. રાશિ ચક્રના સિદ્ધાંત અનુસાર આ 11મી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિના રૂપમાં શનિદેવને ઘર આપીને સૂર્ય ભગવાન તેનાથી અલગ થયા.

સૂર્યદેવના આ નિર્ણયથી શનિદેવ અને તેમની માતા છાયા સૂર્યદેવ પર ગુસ્સે થયા અને તેમણે શ્રાપ આપ્યો કે સૂર્યદેવને કુષ્ટ રોગ થાય. શ્રાપની અસરથી સૂર્ય ભગવાનને રોગ થયો. સૂર્ય ભગવાનને આ રોગની પીડામાં જોઈને તેમની બીજી પત્ની સંજ્ઞાએ ભગવાન યમરાજની પૂજા કરી. દેવી સંજ્ઞાની તપસ્યાથી પ્રસન્ન થઈને યમરાજે પ્રગટ થઈ અને સૂર્યદેવને શનિદેવ અને છાયાના શ્રાપમાંથી મુક્ત કરે છે.

image soucre

જ્યારે સૂર્ય ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા ત્યારે તેમની દ્રષ્ટિ કુંભ રાશિ પર કેન્દ્રિત થઈ જાય છે જેના કારણે કુંભ રાશિ અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. ત્યાર પછી છાયા અને શનિદેવ ઘર વગર ફરવા લાગે છે. ત્યારપછી સંજ્ઞા સૂર્યદેવને શનિ અને છાયાને માફ કરવા વિનંતી કરે છે. આ પછી સૂર્ય ભગવાન શનિને મળવા જાય છે. જ્યારે શનિદેવ તેમના પિતા સૂર્યદેવને આવતા જુએ છે, ત્યારે તેઓ તેમના બળેલા ઘર તરફ જુએ છે. તેઓ ઘરની અંદર જાય છે ત્યાં એક વાસણમાં કેટલાક તલ રાખેલા હતા. આ તલથી શનિદેવ તેમના પિતાનું સ્વાગત કરે છે. તેના કારણે ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવને બીજું ઘર આપે છે, જેનું નામ મકર છે. રાશિ ચક્રના સિદ્ધાંત મુજબ મકર દસમી રાશિ છે. આ પછી શનિદેવ મકર અને કુંભ રાશિના બે ઘર ગણાય છે. તેથી જ્યારે સૂર્ય ભગવાન તેમના પુત્ર એટલે કે મકર રાશિના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

એટલા માટે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન એવા ભક્તો પર પ્રસન્ન થાય છે જેઓ પૂજા, યજ્ઞ અને દાન ઉપરાંત તેમના ભોજનમાં તલનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર તલનું દાન કરવું અને તેનો ભોજનમાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.