ગુજરાતીઓની મદદ માટે આગળ આવી સરકાર, હેલ્પલાઇન માટે જાહેર કર્યો નંબર, તમામ સુરક્ષિત હોવાનો સરકારનો દાવો

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હવે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મદદની ખાતરી આપી છે.

મોટા ભાગના ગુજરાતી યાત્રિકો ઉત્તરકાશીમાં ફસાયા છે.. અને ગંગોત્રી પાસે હજાર વાહન અટકાવી દેવાયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. ગુજરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાઈ ગયા છે

મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવાનો વખત આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું હતું કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક જ યાત્રા થઈ છે.

રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા

રાજકોટથી ચારધામની યાત્રાએ ગયેલા 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામી અને તેમના પુત્ર પણ ચારધામની યાત્રાએ ગયા છે. તેમણે કહ્યું કે, અહીં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હાલ પણ ભારે વરસાદ ચાલુ છે.

યાત્રા અટકાવવાનો વારો આવી શકે છે

image socure

હું મારી પત્ની, દીકરો-દીકરી જમાઈ સાથે ચારધામની યાત્રા કરવા આવ્યાં છે. યમનોત્રીની યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે, પણ નેતાલમાં અટવાઈ ગયા છે. 10 દિવસના કાર્યક્રમ હતો. કેદારનાથનો કાર્યક્રમ હતો, પણ ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે નેતાલમાં મહિમા રિસોર્ટમાં ફસાઇ ગયા છે. ત્રણ દિવસ આગાહીને કારણે અમે આગળ જઇ શક્યા નથી. આગળનો પ્રોગ્રામ કેવો રહેશે એ કહેવું મુશ્કેલે છે. – અવિરોધ મેકવાન, મણિનગર.

મદદ માટે આવી આગળ સરકાર

કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયેલા ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકાર આગળ આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 07923251900 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.

ગુજરાતીઓ સલામત હોવાનો દાવો

રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં તમામ ગુજરાતીઓ સલામત છે. જે પણ ગુજરાતીઓ ત્યાં છે તેના રેસ્ક્યૂ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યનું સ્ટેટ કંટ્રોલ રૂમે ઉત્તરાખંડના તંત્ર સાથે પણ વાત કરી છે અને સતત તેના સંપર્કમાં છે.

હેલ્પલાઇન નંબર

જો તમારા કોઈ પરિવારજનો, સંબંધીઓ કે કોઈ મિત્રો ઉત્તરાખંડના પ્રવાસે હોય તો તમે તેની માહિતી રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમને આપી શકો છો. તે માટે તમે 07923251900 નંબર પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર ગુજરાતીઓને પરત લાવવા માટે સક્રિય થઈ છે.