દિલ્હી અને પાટિલ પાસે રહેશે રિમોટ કંટ્રોલ, નવી સરકારને લઈ કોંગ્રેસના નેતાનો ટોણો

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી પદે પ્રમાણમાં ઓછો રાજકીય અનુભવ ધરાવતા ભૂપેન્દ્ર પટેલને જવાબદારી સોંપાતા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ખાસ તો કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો આ નિમણૂંકને લઈ ભાજપ નેતાગીરી પર પ્રહારો કરી રહ્યા છે.

image source

ગુજરાત કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાન અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એવા અર્જુન મોઢવાડિયાએ હાલની નવા સીએમની નિમણૂંકને લઈને ભાજપની નીતિઓ પર નિશાન સાધ્યું છે, રાજ્યના મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ તેમની આ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે નવા સીએમને ધારાસભ્ય પદ પર પણ હજુ પાંચ વર્ષ પૂરા નથી થયા, અને તેમને કોર્પોરેશનમાં મેયર પદની કામગીરીનો પણ અનુભવ નથી, ત્યારે અનુભવ વગર આ મોટી જવાબદારી સોંપી દેવાઈ છે, જેનાથી પુરવાર થાય છે કે આ સરકાર પણ રિમોટ કંટ્રોલથી ચાલવાની છે.

image source

આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારનું કંટ્રોલ સીઆર પાટિલ અને દિલ્હીના હાથમાં રહેવાનું છે, ગુજરાતની જનતાનું દુર્ભાગ્ય કે વધુ એકવાર રિમોટ કંટ્રોલ પર ચાલનાર સરકાર આવી છે, જેની પાસેથી આશા રાખવી જ નિરર્થક છે.

અગાઉની રુપાણી સરકારની નીતિઓને આડેહાથ લેતા તેમણે કહ્યું કે પાંચ વર્ષથી રુપાણી સરકાર હતી, અને ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. જેના લીધે તે નિષ્ફળ નીવડી હતી. કોરોનાના લીધે લાખો લોકો ગુજરાતમાં મૃત્યુ પામ્યા, લાખોએ આજીવિકા ગુમાવી, ધંધા રોજગાર નિષ્ફળ થઈ ગયા. લાખો યુવાનો રોજગારી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે વિજયભાઈ રુપાણીને રાજીનામું અપાવીને કોઈ સક્ષમ નેતાને ગુજરાતનું સુકાન સોંપવાની જરુર હતી.

image source

જે પાટા પરથી ઉતરી ગયેલી સરકારી કામગીરીને ફરીથી પાટે ચડાવે અને ગુજરાતમાં શાંતિ સ્થાપીને ગુંડાગીરીને નાબૂદ કરે. ડબલ રિમોટની સરકારની પીડાઓને દૂર કરી જનતાના જખમ પર મલમ લગાડે પણ તેની જગ્યાએ વધુ એકવાર રિમોટ કંટ્રોલથી જ ચાલતા નેતાની મુખ્યમંત્રી પદે વરણી કરવામાં આવી છે. આમ કહી તેમણે ભાજપને ટોણો માર્યો હતો, જો કે મહત્વનું છે કે આ અગાઉ આપ અને કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા પણ નવા સીએમની નિયુક્તિને લઈને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.