અમદાવાદ કલેક્ટરનો સંવેદનશીલ અભિગમ, 11 વર્ષની બાળકીને બનાવી ક્લેકટર

અમદાવાદ શહેરમાં એક અનોખી ઘટના બનવા પામી હતી, અહીં 11 વર્ષની બ્રેઈન ટ્યુમર પીડિત એક ફ્લોરા નામની છોકરીને એક દિવસ માટે અમદાવાદ જિલ્લાની કલેક્ટર બનાવવામાં આવી હતી. આ તેની ઈચ્છા હતી, જેને મેક અ વિશ ફાઉન્ડેશન નામની એક સંસ્થા દ્વારા પૂરી કરવામાં આવી હતી.

આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા ફ્લોરાના માતા સોનલબેન આસોડિયાએ જણાવ્યું કે મારી દીકરી હાલ ઘોરણ 7માં અભ્યાસ કરે છે અનેતેનું સ્વપ્ન ભણી ગણીને કલેક્ટર બનવાનું છે. જો કે તે છેલ્લા અમુક સમયથી બીમાર છે, અને તે બ્રેઈન ટ્યુમરથી પીડિત છે. જેના કારણે એક માતાપિતા તરીકે અમને તેની ખૂબ જ ચિંતા થાય છે. ખાસ, તો અમારી દીકરીનું સપનું પૂરૂં થાય તેને લઈને પણ અમારી ચિંતા છે. શું મારી દીકરી તેનું ભવિષ્ય બનાવી શકશે? જો કે આજે અમારી દીકરી ફલોરા એક દિવસ માટે કલેકટર બની તેનાથી અમારો પરિવાર અત્યંત ખુશ છે.

અમદાવાદ જિલ્લા ક્લેકટર સંદીપ સાગલે ને જ્યારે આ બાળકી તેની હાલત અને તેની ઈચ્છા વિશે જાણ થઈ ત્યારે એક પણ ક્ષણના વિલંબ વિના તેમને આ માગ સ્વીકારી લીધી. પૂરી સંવેદનશીલતા દાખવી ફ્લોરાની આ માગને પૂરી કરવા માટેની તૈયારી કરવામાં આવી અને ફ્લોરા અને તેમના પરિવાર સાથે જિલ્લા ક્લેક્ટર કચેરીએ પહોંચી હતી અને તેના પરિવારે તેમના આ સપનાને સાકાર થતાં જોયું હતું.

ફ્લોરા તેના પરિવારની સાથે ગાંધીનગર નજીક સરગાસણ ખાતે રહે છે. તેને લેવા માટે જિલ્લા કલેક્ટર અમદાવાદની ગાડીઓ પહોંચી હતી, તેને તે ગાડીમાં જિલ્લા કલેક્ટરની કચેરીએ લાવવામાં આવી, જ્યાં તેને દરવાજે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, ત્યાંથી તેને સીધા જ ક્લેક્ટરની ચેમ્બરમાં લઈ જવામાં આવી હતી. જ્યાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે પોતે તેને તેમની ચેર પર બેસાડી નાની ફ્લોરાની ઈચ્છાપૂર્તિ કરી હતી.

જિલ્લા કલેકટરે આ સ્થિતિ અંગે વાત કરતા કહ્યું કે આ દીકરી છેલ્લા 7 માસથી ટ્યુમરથી પીડાય છે, તેની ઈચ્છા વિશે મને મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા જાણ થઈ, તેથી મેં અધિકારીઓને તેના ઘરે મોકલીને તેની ઈચ્છા પૂરી કરવાની તૈયારી દર્શાવી. તેનો પરિવાર કદાચ મને તેમની દીકરીની ઈચ્છાની રજૂઆત કરવામાં સંકોચ અનુભવતો હતો, પણ મેં તેમને કહ્યું કે આખું જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, નાજુક તબિયત ધરાવતી ફ્લોરાને લઈ માતા પિતા ચિંતિત હતા, જો કે આખરે તે તૈયાર થયા અને ફલોરાની ઈચ્છા પૂરી કરવામાં આવી. આમ આ દીકરીની ઈચ્છા પૂરી કરવાનું સૌભાગ્ય મને મળ્યું તે એક જિલ્લાના વડા તરીકે મારા માટે સૌભાગ્યની વાત છે.

મહત્વનું છે કે ફ્લોરાને જિલ્લા તંત્ર તરફથી એક ટેબલેટ અને બાર્બી ડોલ પણ આપવામાં આવી,અને ફ્લોરાના જન્મદિવસની ઉજવણીને નિમિત્ત બનાવી લઈ ચેમ્બરમાં જે તેનો કેક પણ કાપવામાં આવ્યો હતો

ફ્લોરાના પિતા અપૂર્વભાઈ ઓસડીયાએ કહ્યું કે અમારી દીકરી ભણવામાં હોંશિયાર હતી અને કાયમ કહેતી કે હું કઈંક કરીને બતાવીશ, જો કે તેને બ્રેઈન ટ્યુમરની બીમારીનું નિદાન થતાં અમે નાસીપાસ થઈ ગયા, જો કે મેક અ વિશ ફાઉન્ડેશન અને જિલ્લા કલેક્ટરે એક ક્ષણના પણ વિલંબ વિના અમારી દીકરીની ઈચ્છા પૂરી કરી, એક જિલ્લા વડાના આવા સંવેદનશીલ અભિગમને ક્યારેય નહીં ભૂલી શકીએ. ફ્લોરા પાસેથી વ્હાલી દીકરી યોજના અને વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ પણ વિતરિત કરવામાં આવ્યા