કોરોના થયો હોય એવા બાળકોના માતાપિતા રહે સતર્ક, જો નાકમાં આ લક્ષણ દેખાય તો તરત જ…

એક તરફ કોરોના વાયરસની બીજી લહેર અને બીજી તરફ મ્યુકર્માઇકોસિસ એટલે બ્લેક ફંગસ દેશમાં લોકોને ચિંતામાં મુકી રહ્યો છે. કોરોનાએ આપેલા ઝટકાથી લોકો બહાર આવ્યા નથી ત્યાં બ્લેક ફંગસની બીમારી પગ પેસારો કરવા લાગી છે. કોરોના બાદ બ્લેક ફંગસના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. અત્યાર સુધી એવું સામે આવ્યું છે કે કોરોનાથી સંક્રમિત થયા હોય અને રિકવર થયેલા દર્દીઓને આ ફંગસ થતી હતી. પરંતુ ગુજરાતમાં એવો કેસ સામે આવ્યો છે જેણે ડોક્ટરોને પણ ચિંતામાં મુકી દીધા છે.

image source

રાજ્યમાં હવે બાળકોમાં પણ મ્યુકર્માઇકોસિસ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક 14 વર્ષના બાળકને મ્યુકર્માઇકોસિસ થયું હતું જો કે તેની સફળ સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યું છે જેથી તેનો જીવ બચી ગયો છે. પરંતુ ડોકટરોએ કોરોના થયો હોય તેવા બાળકોના માતાપિતાને ખાસ તકેદારી રાખવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. રાજ્યના ડો રાકેશ જોશીનું આ બાબતે જણાવવું છે કે જે બાળકોને કોરોના થયો હોય અને બાળક અન્ય કોઈ બીમારીથી પીડિત હોય એટલે કે તે કોમોર્બીડ હોય તો તેવા બાળકોના માતાપિતા ખાસ સતર્ક રહે.

image source

ડોક્ટરોના જણાવ્યાનુસાર બાળકો જેમને કોરોનાની સારવાર દરમિયાન વધારે સમય માટે ઓક્સીજન આપવું પડ્યું હોય, તેમને આઈસીયુમાં રાખવા પડ્યા હોય તેમને આ ફંગસ થઈ શકે છે. આ પ્રકારની તકલીફ હોય તેવા બાળકોના માતાપિતાએ તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જો તેમના બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે, નાકમાંથી કોઈપણ પ્રકારનું ડિસ્ચાર્જ થાય તો ચેતી જવું અને તુરંત મ્યુકર્માઇકોસિસની તપાસ કરાવી લેવી.

image source

આ સિવાય બાળકને સતત માથું દુખાવાની ફરિયાદ રહેતી હોય, આંખોમાં ફેરફાર જણાય તો પણ સમય બગાડ્યા વિના મ્યુકર્માઇકોસિસની તપાસ કરાવી જરૂરી સારવાર શરુ કરી દેવી જોઈએ. જો શરુઆતના તબક્કામાં આ ફંગસને ઓળખી અને તેને દૂર કરી દેવામાં આવે તો બાળકનો જીવ સામાન્ય ઓપરેશનથી પણ બચી શકે છે.

image source

કોરોનાની બીજી લહેરમાં કેસ તો ઘટી રહ્યા છે પરંતુ કોરોનાની સારવારમાં આપવામાં આવેલા સ્ટીરોઈડના કારણે હવે ગુજરાત સહિત દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકર્માઇકોસિસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિ એવી છે કે રાજ્યમાં અમદાવાદ સહિત દરેક મોટા શહેરમાં મ્યુકર્માઇકોસિસ માટે ખાસ વોર્ડ અને ઓપરેશન થિયેટર ધમધમતા કરવા પડ્યા છે. જો કે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ એ છે કે હવે મ્યુકર્માઇકોસિસના દર્દી માટે જરૂરી એવા ઈન્જેકશનની રાજ્યમાં અછત વર્તાવા લાગી છે. આવા સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મ્યુકર્માઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.