દહીંવડા બનાવવા ઘરે જ ખીરું તૈયાર કરો અને બનાવો પરફેક્ટ દહીંવડા…

દહીંવડા એ ખૂબ જ પોપ્યુલર સ્નેક્સ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે. નૉર્થ ઇન્ડિયા ની પોપ્યુલર ડીશ માં ની એક પણ દહીંવડા છે. આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ની દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે એની રેસિપી લાવી છું.

દહીંવડા માટે ની સામગ્રી:-

વડા માટે :-

1 કપ અડદ ની દાળ

1 કપ મગ ની મોગરદાળ

2 લીલા મરચાં

1 કટકો આદુ

1 ચમચી જીરુ

મીઠું સ્વાદ અનુસાર

વડા પલાળવા માટે

1 કપ મીડિયમ ઘટ્ટ છાશ

1 કપ ગરમ પાણી

દહીં બનાવા માટે

500 ગ્રામ ઠંડુ દહીં

2 ચમચી મીઠું

ચપટી મીઠું કે સ્વાદાનુસાર

દહીંવડા સર્વ કરવા માટે

શેકેલા જીરા નો ભૂકો

લાલ મરચું

કોથમીર મરચાં ની લીલી ચટણી

ખજૂર આમલી ની ચટણી

દાડમ ના દાણા

કોથમીર સમારેલી

સૌ પ્રથમ અડદ ની દાળ અને મગ ની દાળ 2-3 વાર પાણી થી ધોઇ લો. હવે બીજું પાણી ઉમેરી ને આખી રાત માટે કે 5-6 કલાક પલાળી લો. પછી પલાળેલું પાણી નીકાળી દો. અને એકવાર ચોખ્ખા પાણી થી ધોઈ લો.

ત્યારબાદ બેઉ દાળ ને નિતારી ને એક મિક્સર બાઉલ માં લો.

હવે દાળ માં જીરું, લીલા મરચાં, મીઠું, આદુ ઉમેરો અને 1 ચમચા જેટલું પાણી ઉમેરી ઝીણું ક્રશ કરી લો. ખીરું તૈયાર છે.

હવે ખીરા ને એક તપેલા માં નીકાળી લો અને ખીરા ને ચમચા થી તેને ઉપર નીચે કરી ને બરાબર ફેંટી લો. એવું કરવાથી વડા એકદમ સોફ્ટ બનશે.


એક કડાઈ માં વડા તળવા માટે તેલ મુકો. તેલ ગરમ થાય એટલે હાથે થી થોડું ખીરું લઇ ને નાના વડા તેલ માં મુકો. હવે ગેસ ધીરો કરી દો. અને જ્યારે વડા ગુલાબી રંગ ના થતા દેખાય પછી જ જારા ની મદદ થી વડા ને પલટો. અને બીજી બાજુ પણ આછા ગુલાબી રંગ ના થાય સુધી તળી લો . હવે તેલ માંથી બહાર નીકાળી લો અને એક પેપર નેપકિન પર મુકો એટલે વધારા નું તેલ નીતરી જાય.

હવે એક બાઉલ માં 1 વાડકો છાશ લો તેમાં એક વાડકો ગરમ પાણી ઉમેરો. અને મિક્સ કરી લો. હવે આ છાશ અને પાણી ના મિશ્રણ માં 3-5 મિનીટ માટે વડા ને મુકો એટલે વડા પોચા થાય જાય. ત્યારબાદ વડા ને બંને હથેળી માં વચ્ચે દબાવી ને ગોળ ચપટો આકાર બનાવો.


એક બાઉલ માં 500 ગ્રામ દહીં લો. અને એમાં મીઠું અને ખાંડ ઉમેરી ને વલોવી લો.

પલાળી ને તૈયાર કરેલા વડા ને પ્લેટ માં ગોઠવો. ઉપર વલોવેલું દહીં ઉમેરો.તેની ઉપર લીલી ચટણી, આંબલી ની ચટણી ઉમેરો. ઉપર થી શેકેલા જીરા નો ભૂકો , લાલ મરચું, દાડમ ના દાણા, અને કોથમીર ઉમેરી ને સર્વ કરો.

નોંધ:-

વડા નું ખીરું જો ચમચા થી બરાબર નહીં ફેંટો તો વડા અંદર થી સોફ્ટ નહીં થાય.

વડા ગરમ તેલ માં નાખો ત્યારબાદ તુરંત જ જ ગેસ ધીમો કરો નહીં તો વડા અંદર થઈ કાચા રહેશે.

વડા ને તેલ માં નાખ્યા બાદ બીજી સાઈડ ફેરવવા માટે ઉતાવળ ન કરો જ્યારે નીચે ગુલાબી રંગ દેખાય પછી જ ફેરવો.

તમે ઇચ્છો તો વડા ના ખીરા માં કાજુ- કિશમીસ પણ ઉમેરી શકો છો.

વડા એકલા પાણી માં પણ પલાળી શકાય છે પરંતુ એના કરતાં છાશ વાળા પાણી માં પલાળેલા વધુ સ્વાદિષ્ટ લાગશે.

આપણે ગરમ પાણી એટલે ઉમેર્યું કે વડા સરસ સોફ્ટ થાય છે.

દહીં માં મીઠું કે ખાંડ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો.

કોથમીર-મરચાં ની ચટણી થોડી તીખી બનાવો તો વધુ સારી લાગશે.

તમે ઇચ્છો તો દહીંવડા બનાવી ને ફ્રીઝ માં પણ મૂકી શકો છે અને પછી ઠંડા સર્વ કરી શકાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.