પેટ્રોલ પંપ પરથી વસૂલાય છે હકીકતમાં તેટલું મોંઘુ નથી પેટ્રોલ – ડીઝલ, તો પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે..?

હાલ દેશભરમાં સૌથી મોટો મુદ્દો છે મોંઘવારી, અને તેના પાયામાં છે પેટ્રોલિયમ પેદાશના આકાશે આંબી રહેલા ભાવ.. રોજ બરોજ સતત વધી રહેલા પેટ્રોલ – ડીઝલના ભાવ લોકોને હવે દઝાડી નથી રહ્યા પરંતુ બાળી રહ્યા છે.. જો કે આપણે આપણાં વાહનમાં જે પેટ્રોલ – ડીઝલ પુરાવીએ છીએ તેટલું મોંઘુ પણ નથી..

image soucre

લોકોને સૌથી વધુ પીડા આપતી સમસ્યા મોંઘવારી છે અને મોંઘવારીમાં પણ જેનો ભોગ ગરીબ-તવંગર દરેક બને છે તે પેટ્રોલ ડીઝલના ભાવ છે ત્યારે આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ ડીઝલ આંતરરાષ્ટ્રીય બજારમાં જ મોંઘા થયા એટલે લોકોને તે મોંઘુદાટ નથી મળતું પરંતુ પ્રતિ લિટર રૂ।.45ના ભાવે દેશમાં પડતર થતા પેટ્રોલ ઉપર રૂ।.57નો જંગી ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસુલતી હોવાથી તે મોંઘુ થયાનું જાણવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ હાલ ચાલે છે તે મૂજબ ભારતની ઓઈલ કંપનીઓને પેટ્રોલ રૂ।.46 અને ડીઝલ રૂ।.46 આસપાસ પડતર થાય છે. તેના પર બેઝીક એક્સાઈઝ ડયુટી તો માત્ર દોઢ-બે રૂ।. જ હોય છે. પેટ્રોલ વેચતા ડીલરોને કમિશન પેટ્રોલમાં રૂ।.3.30 હોય છે.

100ને પાર કેમ પહોંચ્યુ પેટ્રોલ

image soucre

આ મૂજબ પેટ્રોલ-ડીઝલ રૂ।.50માં પડતર થાય અને તેમાં બેઝીક ડયુટી,કમિશન પણ આવી જાય! છતાં તેના ભાવ રૂ।.100ને પાર કેમ થયા? કારણ કે કેન્દ્ર સરકારે તેના પર વધારાની એક્સાઈઝ ડયુટી, સેસ તો રાજ્ય સરકારોએ વેટ સહિતના વેરા ઝીંકી દીધા છે જે મૂળ કિંમત કરતા 100 ટકાથી પણ વધુ છે.

મહત્તમ જી.એસ.ટી.28 ટકા હોય પણ અહીં તો 100 ટકાથી વધુ ટેક્સ છે અને તે કારણે જ ઈંધણને જી.એસ.ટી.માં સમાવાતું નથી. અગાઉ ક્રૂડના ભાવ સાવ તળિયે ગયા ત્યારે તો આ વધારાની ડયુટી લોકોએ સહી લીધી પરંતુ, હવે ક્રૂડના ભાવ પણ વધવા છતાં સરકારોને લોકોની જાણે કે દયા જ આવતી નથી અને વધારાયેલી એક્સાઈઝ ડયુટીથી અબજો રૂ।.કમાઈ લીધા પછી પણ હાલ ડયુટી પરત ખેંચાતી નથી.

કોરોનાના આરંભે હતો 67 રૂપિયાનો ભાવ

image soucre

જૂન-2020માં કે જ્યારે કોરોનાનો આરંભ કાળ હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ રૂ।.67, ડીઝલ રૂ।.65 પ્રતિ લિટર હતું. આજે પેટ્રોલ રૂ।.102ને પાર થયું છે અને ડીઝલ પર તેની સમાંતર છે. 16 માસમાં રૂ।.35નો તોતિંગ વધારો તેના પર કોરોના કાળમાં પણ પ્રતિ લિટર રૂ।.10 લેખે વધારાયેલી એક્સાઈઝ ડયુટીના કારણે છે.

image soucre

ગત મે માસથી આજ સુધીમાં જ પેટ્રોલઅને ડીઝલ બન્નેમાં રૂ।.14થી વધુ વધારો કરી દેવાયો છે. માત્ર રાજકોટવાસીઓ સરકારને પેટ્રોલ ડીઝલ પર રોજના આશરે રૂ।.અઢી કરોડનો ટેક્સ ચૂકવે છે. દેશભરમાં જ્યાં સુધી આ ટેક્સના દર નહીં ઘટે તો મોંઘવારી વધુ ભીષણ બનવાના એંધાણ વર્તાય છે.

image soucre

ક્રૂડના ભાવ તળિયે હતા ત્યારે કરબોજ સહી લેવાયો, હવે અસહ્ય થઇ રહ્યો છે ભાવ.. રોજ પૈસામાં વધારો કરી ધીમે ધીમે મોટો ડામ સાબિત થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટરે 6 માસમાં 14નો, 16 માસમાં રૂા.35નો તોતિંગ વધારો થયો છે.