ફ્લાઈટની ટિકિટ મોંઘીદાટ હોવાથી ગુજરાતના જ ફરવાના સ્થળો બન્યા દિવાળી માટે હોટ ફેવરિટ

દિવાળીનો તહેવાર આવે એટલે મોટાભાગના લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી લેતા હોય છે. દિવાળી પર નોકરી કરતાં લોકોને રજાઓ પણ હોય છે અને બાળકોને પણ વેકેશન હોય છે. વળી આ સમયે વાતાવરણ પણ એવું હોય છે કે કેટલાક ફરવાના સ્થળે સ્વર્ગનો અનુભવ થતો હોય છે. તેથી દિવાળીની રજાઓ લોકો માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ફરવા માટે બેસ્ટ ઓપ્શન બની જાય છે. વર્ષ આખું લોકો દિવાળીની રજાઓની રાહ જોતા હોય છે.

તેમાં પણ આ વખતે તો કોરોનાનું નડતર પણ નથી. બે વર્ષથી તો દિવાળી કોરોનાના ડરના કારણે ઘરમાં પસાર થઈ હતી પરંતુ આ વર્ષે તો દિવાળી પર કોરોના કાબૂમાં છે અને વળી ફરવાના સ્થળો પણ નિયંત્રણો હળવા થયા છે તેથી લોકોએ સામાન પેક કરી લીધો હતો કે આ દિવાળીઓ તો ફરવા નીકળવું જ છે… પરંતુ આ વર્ષે દિવાળી પર ફરવા જવાના આયોજન પર કોરોનાએ નહીં પણ ફ્લાઈટની મોંઘી ટિકિટોએ પાણી ફેરવી દીધું છે.

જી હાં દિવાળી સમયે આ વર્ષે સ્થિતિ એવી છે કે લોકોને ટૂર પેકેજ કરતાં તો વધારે ફ્લાઈટની ટિકિટના પૈસા ચુકવવા પડે એમ છે. ટ્રેનમાં જવા માટે ટિકિટો વેઈટિંગમાં છે અને બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડા વધારે હોવાથી લોકો મુંજવણમાં મુકાયા છે.

દિવાળીની રજાઓમાં હોટ ફેવરિટ ગણાતા સ્થળ જેવા કે જમ્મુ-કાશ્મીર, અંદામાન-નિકોબાર, દાર્જીલિંગ, હિમાચલ સહિતના સ્થળોએ ફરવા જવા માટે લોકોને સસ્તા ભાવે ટૂર પેકેજ તો મળી રહ્યા છે. આ જગ્યાઓએ 20થી 30 હજારમાં જ ફરવા જઈ શકાય એવા પેકેજ ઉપલબ્ધ છે પરંતુ અહીં જવાની ફ્લાઈટની ટિકિટ 25 હજારથી લઈ 40 હજાર સુધીની હોવાથી ફરવાના શોખીનોની ચિંતા વધી છે.

ફ્લાઈટની ટિકિટોના ભાવ સાંભળી લોકો પરિવાર સાથે અન્ય રાજ્યમાં ફરવા જવાનું ટાળી રહ્યા છે અને આ કારણે ગુજરાતના જ ફરવા લાયક સ્થળો માટે બુકીંગ વધ્યું છે. મોટાભાગના લોકો રાજ્યમાં જ આવેલા ફરવા લાયક સ્થળોમાં માટે 2, 3 દિવસના પ્રવાસનું આયોજન કરવા લાગ્યા છે.

image socure

નવભારત હોલિડેના સંચાલકોનું કહેવું છે કે આ વર્ષે દિવાળીમાં સારો બિઝનેસ થશે તેવી આશા હતી પરંતુ ફ્લાઈટના ભાડા વધુ હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે કારણ કે લોકોનું બજેટ પહેલાથી જ કોરોનાના કારણે ખોરવાયેલું છે તેવામાં મોંઘી ટિકિટ ખરીદી લોકો ફરવા જવાનું ટાળે છે. હાલની સ્થિતિ એવી છે કે જેટલા રૂપિયામાં 7 દિવસનું ટૂરનું પેકેજ મળે છે એના કરતાં પણ ફ્લાઈટની ટિકિટ મોંઘી પડે એમ છે. તેની સામે આંતરરાષ્ટ્રિય ફ્લાઈટની ટિકિટના ભાવ ઓછા છે પરંતુ તેની સામે પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી છે.