8 પરિવાર ઘરને તાળાં મારી સંયમની વાટ પકડશે, તમામ ભૌતિક સુવિધાઓ છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી બતાવી

વર્તમાન સમયમાં સૌ કોઇ ભૌતિક સુખ પાછળ દોડે છે.. અને તેમાં જ પોતાના મનની શાંતિ પણ હણાઇ જાય છે.. ત્યારે એક સાથે 74 મુમુક્ષ રત્નો સામૂહિક દીક્ષા ગ્રહણ કરવા જઇ રહ્યા છે.. જેમાં અમદાવાદની ભાઇ-બહેનની જોડી પણ સંગાથે દીક્ષા લેશે.. 8 પરિવાર તો એવા છે કે સંયમની વાટ પકડવા માટે પોતાના ઘરને તાળાં મારી દેશે.. દીક્ષાર્થીઓમાં મોટાભાગે સૌ કોઇ સાધન સંપન્ન છે.. પરંતુ હવે તમામ ભૌતિક સુવિધાઓ છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી બતાવી છે.

image socure

સૂરીશાન્તિના ચરમ પટ્ટધર, જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત સિંહસત્ત્વોત્સવ સુરતની સામૂહિક દીક્ષા મહા મહોત્સવના, પૂ.મોટા સાહેબજીને અંજલિરૂપે સૌપ્રથમ 59 અને ત્યાર બાદ અત્યારસુધીમાં 74 મુમુક્ષુરત્નને દીક્ષાના મુહૂર્ત અપાયા છે, જેમાં અમદાવાદની ભાઇ-બહેનની જોડી પણ સંગાથે દીક્ષા લેશે. આ 74 મુમુક્ષુમાં 8 પરિવાર ઘરને તાળાં મારી સંયમની વાટ પકડવાના છે.

ભોરોલતીર્થના ગુણવંતભાઈ અને મીનાબેન 4 દીકરીને અગાઉ દીક્ષા આપી હવે 17 વર્ષના એકના એક દીકરા વિમલ સાથે સંસારત્યાગ કરશે. સુરતના વિપુલભાઈ બે દીકરા તથા ધર્મપત્ની સાથે દીક્ષા લેશે. સુરતના જ જેતડાવાળા અશોકભાઇ સજોડે એકના એક દીકરા પરમ સાથે તો ઘોઘારી સમાજના મુંબઇના વિરેન્દ્રભાઇ સજોડે અગાઉ બે નાની દીકરીઓને દીક્ષા આપીને તથા પાલડીના ભરતભાઇ પોતાનાં 4 સંતાનને પૂર્વે દીક્ષા આપી હવે સજોડે સંયમ માર્ગે નીકળી રહ્યા છે.

image socure

મુંબઇના લલિતભાઇ સજોડે દીકરા માનવ અને બે દીકરી સંગ પાંચ પરિવારજન સંયમ લેશે. તો પાર્શ્વ શાંતિધામ તીર્થના સ્થાપક સાચોરના ધનાઢ્ય પરિવારનાં 4 પરિવારજનો મુકેશભાઈ, તેમનાં ધર્મપત્ની તથા દીકરા યુગ તથા દીકરી સાથે તો કરાડના માત્ર 33 વરસના દંપતી અંકિતભાઇ સજોડે દીક્ષા લેશે. અમદાવાદના વિશ્વાકુમારી ભાવેશભાઇ ભંડારી અને ભાઇ ભવ્યકુમાર ભંડારી પણ સંગાથે સંયમ માર્ગે જશે. સંઘવી ગિરીશભાઈ અમૃતલાલ ભંડારી પરિવારે છ’રિ પાલિત સંઘ, 99 યાત્રા, ઉપધાન તપ, છ ગાઉ યાત્રા, 12 ગાઉ યાત્રા જેવા ઘણા ધાર્મિક અનુષ્ઠાનો કરાવ્યા છે. આ પરિવારના સંતાનો આર્થિક અતિસંપન્ન હોવા છતાં તમામ ભૌતિક સુવિધાઓ છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી બતાવી છે.

દીક્ષા લેવાનો વિચાર અને તે પંથે આગળ ધપવું એ બંન્ને કપરાં નિર્ણયો છે.. અને આ 74 મુમુક્ષ રત્નોએ તે કપરાં નિર્ણયો કરી લીધા છે.