ગુજરાતીઓને ઢોકળા વગર ન ચાલે તો પછી ફરાળ પણ ઢોકળાની કેમ ન કરવી ! ચાલો બનાવીએ ફરાળી ઢોકળા

અઠવાડિયાનો એક દિવસ ઉપવાસ હોય તો સમજાય કે કોઈ પણ ફરાળથી કામ ચાલી જાય પણ જ્યારે વાત શ્રાવણ મહિનાના ઉપવાસની હોય તો રોજ એકની એક ફરાળથી કંટાળો આવી જતો હોય છે. તો કંટાળવાની કોઈ જરૂર નથી પણ આજની ફરાળમાં ફરાળી ઢોકળા બનાવવા આ રેસિપિ નોંધી લો.

ફરાળી ઢોકળા બનાવવા માટેની સામગ્રી

1 કપ મોરૈયો

3 ટેબલ સ્પૂન સાબુદાણા

સ્વાદ પ્રમાણે મીઠુ

1 ટેબલમ સ્પૂન આદુ મરચાની પેસ્ટ

¼ ચમચી ખાવાનો સોડા અથવા ઇનો

½ લીંબુનો રસ (સોડાને એક્ટિવેટ કરવા માટે)

વઘાર માટે તેલ, જીરુ, તલ અને મીઠો લીંમડો

ફરાળી ઢોકળા બનાવવા માટેની રીત

હવે સૌ પ્રથમ 1 કપ મોરૈયો લેવો અને ત્રણ ચમચી સાબુદાણા લેવા. કારણ કે તેમાંથી ઢોકળાનું ખીરુ બનાવવા માટે ફરાળી લોટ તૈયાર કરવામાં આવશે.

હવે ઢોકળા માટે ફરાળી લોટ તૈયાર કરવા આ બન્ને સામગ્રીને એક સાથે મિક્સરના જારમાં ઉમેરી દેવી અને તેને વાટી લેવું.

મિક્સરમાં આ બન્ને વસ્તુ સાવ જ પાવડર જેવી નહીં વટાય પણ તેની ચિંતા ન કરવી. તે તેવું જ વટાશે. બને તેટલો પાવડર બનાવાનો પ્રયાસ કરવો. હવે લોટ દળાઈ ગયા બાદ તેને એક બોલમાં કાઢી લેવો. આ લોટને તમે અઠવાડિયા સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો છો અને આમાંથી તમે ફરાળી મેંદુવડા પણ બનાવી શકો છો.

આટલા લોટની કોન્ટીટીમાંથી બે જણ માટે ફરાળી ઢોકળા બનશે. માટે એ પ્રમાણે તમારે લોટ લેવો. હવે આ લોટનું ખીરુ બનાવવા માટે તેમાં એક કપ છાશ ધીમ ધીમે ઉમેરવી. ખીરાની કન્સીસ્ટન્સી થોડી જાડી રાખવી. લોટ પલળે તેટલું જ પાણી રાખવું. ખીરુ પલળીને તૈયાર થાય ત્યાર બાદ જરૂર જણાય પાણી રેડવામાં આવશે.

હવે આ તૈયાર થયેલા ખીરાને એક કલાક માટે ઢાંકીને મુકી દેવું. છાશની જગ્યાએ તમે મીડીયમ ખટાશવાળુ દહીં પણ લઈ શકો છો અને બાકીનુ પાણી ઉમેરી શકો છો.

હવે એક કલાક બાદ ખીરુ ખોલીને જોઈ લેવું. તમારી પાસે સમય હોય તેટલીવાર સુધી તમે ખીરુ પલાળી શકો છો એટલે કે ખીરાને પલળવા માટે અરધો કલાક પણ પુરતો રહે છે અહીં ખીરાને અરધો કલાક જ પલાળવામાં આવ્યું હતું.

હવે તમે જોશો તો ખીરુ પહેલાં કરતાં વધારે જાડુ થઈ ગયું હશે કારણ કે સાબુદાણા અને મોરૈયાના લોટે તેમાંની છાશ શોષી લીધી હશે.

આ સમયે તમારે ઇડલીના અને ઢોકળાના ખીરામાં જે કન્સીસ્ટન્સી જોઈએ તે પ્રમાણે તેમાં છાશ કે પાણી ઉમેરીને ઢોકળા પડાય તેવું બનાવી લેવું.

હવે ખીરામાં મસાલો ઉમેરતા પહેલાં ગેસ પર ઢોકળિયામાં પાણી ઉમેરી તેને ગરમ થવા મુકી દેવું.

હવે ખીરામાં મસાલો કરી લેવો. મસાલામાં તમારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરવું, સાથે એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરવી. હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી.

હવે ઢોકળા પાડવા માટે એક થાળી લેવી તેને તેલથી ગ્રીસ કરી લેવી. સામાન્ય રીતે તમે ઢોકળા માટે થાળી ગ્રીસ કરતી વખતે તેલ લો તેના કરતાં થોડું વધારે તેલ લેવું કારણ કે આ ઢોકળા થાળીને ચોંટી જાય છે. હવે થાળી બાજુ પર મુકી દેવી.

હવે ¼ ચમચી ખાવાનો સોડા ઉમેરી દેવો. આ સોડાને તમે ઉપવાસમાં ખાઈ શકો છો. ખાવાનો સોડા ઘરમાં ન હોય તો તેની જગ્યાએ તમે ઇનોનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે તેના પર અરધા લીંબુનો રસ ઉમેરી દેવો. હવે તેને એક જ દીશામાં હલાવીને મિક્સ કરી દેવું.

હવે તરત જ ખીરાને ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દેવું. સોડા નાખ્યા બાદ તરત જ ઢોકળા બનાવી લેવા નહીંતર તેમાંથી સોડાની અસર ઓછી થઈ જશે અને ઢોકળા ફુલશે નહીં.

હવે તેને તરત જ ઢોકળિયામાં ચડવા માટે મુકી દેવા. અને ઢોકળિયુ ઢાંકી દેવું. ઢોકળાને 15-20 મીનીટ ચડતા લાગે છે.

હવે 15-20 મિનિટ બાદ ઢોકળિયાનું ઢાકણું ખોલીને તેમાં છરી ભરાવીને ચડ્યા છે કે નહીં તે ચેક કરી લેવું. ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દેવો અને તેને તેમ જ ઢાંકીને પાંચેક મિનિટ પડ્યું રહેવા દેવું.

ત્યાર બાદ થાળીને ઢોકળિયામાંથી બહાર કાઢી લેવી અને થોડીવાર ઠંડી થવા દેવી.

હવે થાળીની કિનારીએ છરી ભરાવીને બાજુઓ પરથી ઢોકળાને છુટ્ટા કરી દેવા. હવે એક પ્લેટ પર થાળી ઉંધી કરીને પાછળથી હળવા હાથે ઠપકારશો એટલે ઢોકળા તેમાંથી છુટ્ટા પડી જશે. માટે જ થાળીના તળિયે વધારે તેલ લગાવવું જેથી કરીને તે ઝડપથી છુટ્ટા પડી જાય. હવે તેના તમારે ગમે તે સાઇઝ પ્રમાણેના ચોસલા પાડી દેવા.

હવે ઢોકળાનો વઘાર કરવા માટે વઘારીયામાં ત્રણ ચમચી તેલ લેવું તેને બરાબર ગરમ કરી લેવું. હવે તેમાં 1 ચમચી જીરુ અને એક મોટચી ચમચી તલ ઉમેરી દેવા અને 5-6 મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા.

હવે તરત જ વઘારને ઢોકળા પર પાથરી દેવો. એક એક ઢોકળા પર વઘાર લાગે તેનું ધ્યાન રાખવું.

તો તૈયાર છે ફરાળી ઢોકળા. હવે તેને સુંદર મજાની પ્લેટમાં સર્વ કરી લો અને અનોખી ફરાળની મજા માણો.

રસોઈની રાણીઃ સીમાબેન

ફરાળી ઢોકાને બનાવવા માટે વિગતવાર વિડિયો.