મોહનથાળ – ખૂબજ સ્વાદિષ્ટ એવી આ મિઠાઈઓ હાલના પ્રસંગોએ ઓછી બનતી હોવા છતાં હજુ પણ લોકોની એટલીજ હોટ ફેવરીટ છે.

મોહનથાળ :

વર્ષો જૂની – ગુજરાત અને રાજસ્થાનની પરંપરાગત મીઠાઇની વાનગીઓમાં મોહનથાળ અને બુંદીના લાડું પ્રથમ હરોળમાં માનવામાં આવે છે. સગાઈ, લગ્ન કે કોઇપણ પ્રસંગ હોય કે દીવાળી જેવો મોટો ઉત્સવ હોય આ મીઠાઈઓ તો જ હોય.

ખૂબજ સ્વાદિષ્ટ એવી આ મિઠાઈઓ હાલના પ્રસંગોએ ઓછી બનતી હોવા છતાં હજુ પણ લોકોની એટલીજ હોટ ફેવરીટ છે.

અહીં હું સ્વાદિષ્ટ તેમજ થોડો ક્રંચી અને સોફ્ટ એવા મોહનથાળની રેસિપિ આપી રહી છું. આ મોહનથાળ, બેસનને ઘીમાં શેકીને ત્યારબાદ થોડી સ્ટ્રોંગ ચાસણી બનાવીને, ચાસણીમાં મિક્ષ ન કરતા, ચાસણીનો ક્રંચ કરીને તેમાં સાથે મિક્ષ કરવામાં આવ્યુ છે. તેમ કરવાથી મોહનથાળ કડક કે ઢીલો થવાનો પ્રોબ્લેમ રહેશે નહી. તેમજ લાંબો સમય સુધી બગડશે નહી.

તો હવે તમે પણ મારી આ નવી રીતની રેસિપથી મોહનથાળ બનાવજો. ખૂબજ સ્વાદિષ્ટ, ક્રંચી છતા પણ સોફ્ટ એવો આ માઉથ મેલ્ટીંગ મોહનથાળ બધાને ખૂબજ ભાવશે.

મોહનથાળ બનાવવા માટેની સામગ્રી :

  • 250 ગ્રામ બેસન કે ચણાનો લોટ – કરકરો લેવાની જરુર નથી.
  • 1 કપ ઘી – લોટ શેકવા માટે
  • 1 કપ ખાંડ
  • ¾ કપ પાણી
  • 3 ટેબલ સ્પુન ગરમ દૂધ
  • 3 ટેબલ સ્પુન ગરમ ઘી
  • દોઢ ટી સ્પુન એલચી પાવડર
  • 2 ટેબલ સ્પુન ચારોલી
  • ¼ કપ કાજુ, બદામ, પિસ્તા બારીક કાપેલા
  • 8-10 કેશરના તાંતણા
  • 1 મોટો ચમચો દૂધની મલાઇ

મોહનથાળ બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ 250 ગ્રામ રેડી બેસન કે ચણાનો લોટ લઈ તેને ચાળી લ્યો.

હવે 3 ટેબલ સ્પુન ગરમ ઘી અને 3 ટેબલ સ્પુન ગરમ દૂધ એક નાના બાઉલમાં મિક્ષ કરી લ્યો.

હવે એ મિશ્રણને ચાળેલા લોટમાં ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

થોડું ક્રમ્બલી મિશ્રણ બનશે. બનેલા મિશ્રણને ½ કલાક એજ બાઉલમાં થોડું દબાવીને રાખી મૂકો.

ત્યારબાદ આ મિશ્રણને ગ્રાઈંડર જારમાં ઉમેરી કરકરું ગ્રાઇંડ કરી લ્યો.

હવે ચાસણી માટે એક પેનમાં 1 કપ ખાંડ ઉમેરો.

ચાસણીમાંથી ક્રમ્બલ બનાવવા માટે :

તેમાં ¾ કપ અથવા ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ઘટ્ટ ચાસણી બનાવો.

એક નાના બાઊલમાં ચાસણી ચેક કરવા માટે પાણી ભરો.

બની રહેલી ચાસણીમાંથી બાઉલના પાણીમાં એક-બે ટીપા પાડો. જો પાડેલા ટીપા પાણીમાં પડતાની સાથે જામવા લાગે તો ચાસણી બરાબર છે.

હવે ફ્લૈમ બંધ કરીને પેનમાં જ ચાસણી ઠરીને જામી જવા દ્યો. ઠરે એટલે ચમચા વડે ચાસણી ઉખેડી લ્યો.

જામેલી ચાસણીને ચમચાથી ઉખેડવાથી ક્રંચ દેખાશે (પીકચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે ચાસણીના આ ક્રમ્બલને ગ્રાઇંડર જારમાં ભરીને ગ્રાઇંડ કરી લ્યો.

મોહનથાળ બનાવવાની રીત :

કેશરમાં 1 ટેબલ સ્પુન દૂધ ઉમેરી મિક્સ કરી લ્યો.

હવે એક મોટું લોયું લઈ તેમાં કરકરો ગ્રાઇંડ કરેલો લોટ ઉમેરો. તેમાં 1 કપ ઘી ઉમેરી મિડિયમ સ્લો ફ્લૈમ પર સતત હલાવતા રહીને શેકી લ્યો.

લોટ શેકાઇને થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાંસુધી શેકો.

શેકાઈ જવા આવે એટલે તેમાં મલાઈ અને કેશરવાળું દુધ ઉમેરી દ્યો.

તરત જ ફ્લૈમ બંધ કરીને બધું મિક્ષ કરી લ્યો.

મલાઇ ફુટીને સરસ મિક્ષ થઈ જાય ત્યાં સુધી તવેથાથી બરાબર હલાવીને મિક્ષ કરો.

હવે શેકેલા લોટના આ મિશ્રણને બરાબર રુમટેમ્પરેચર આવવા દ્યો.

બરાબર ઠરે પછીજ તેમાં એલચી અને ગ્રાઇંડ કરેલી ચાસણીનું ક્રમ્બલ ઉમેરો.

2-3 મિનિટ હલાવીને સરસથી એકરસ થાય ત્યાં સુધી મિક્ષ કરો.

ઘીથી ગ્રીસ કરેલી એક નાની થાળીમાં અથવા કેકના ચોરસ મોલ્ડને ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ ઇવન્લી પાથરીને લેવલ કરી લ્યો.

તેના પર થોડી ચારોલી સ્પ્રીંકલ કરો.

હવે તેમાં ઉપરથી બારીક કરેલા કાજુ, બદામ, પિસ્તા ઓલઓવર સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરો. ડ્રાય ફ્રુટ તવેથાથી જરા પ્રેસ કરી લ્યો, જેથી તેમાં સરસ બેસી જાય.

જરા ઠરે અને થોડું જામવા લાગે એટલે તેમાં ચપ્પુ વડે આડા – ઉભા કાપા પાડીને સ્ક્વેર કટ કરી લ્યો.

2-3 કલાક બાદ મોહનથાળ જામીને બરાબર સેટ થઈ જાય એટલે ક્રીસ્પી મોહનથાળના સ્ક્વેર કાઢીને કન્ટેઈનરમાં ભરી સ્ટોર કરી લ્યો. 1 મહિના સુધી આ મોહનથાળ રુમટેમ્પરેચર પર જ સ્ટોર કરી શકાય છે. કેમેકે તેમાં ચાસણીનું પાણી રહેતું નથી.

આ ક્રીસ્પી મોહનથાળ મોમાં મુકવાની સાથે મેલ્ટ થઇ જાય તેવો સોફ્ટ પણ છે. તો તમે પણ ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને ક્રીસ્પી મોહનથાળ ચોક્કસથી બનાવજો.

  • • આ મોહનથાળ બનાવવા માટે જામેલું ઘી જ વાપરવાથી સારું રીઝલ્ટ આવશે.
  • • ચાસણીમાં ખાંડ ડૂબે તેટલું જ પાણી ઉમેરવું.
  • • ચાસણીનું ટીપું પાણીમાં તરતજ જામી જાય તે ચેક કરીને ચાસણી બનાવવી, ચાસણી બનાવવામાં ઉતાવળ કરવી નહી, તો જ ચાસણી ઠરીને જામશે અને ચમચાથી તેના ક્રમ્બલ ઉખડશે.
  • • ચાસણી ઢીલી રહેશે તો આ પ્રોસીઝર નહી થાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.