ગોઠવણ – નાતના એ પ્રમુખ હતા અને તેમણે જ એ ડાહી દીકરી સાથે આવું કર્યું, નાતના દરેક ઘરમાં…

*”એને બદનામી કહે છે આ જગતના લોકો,*

*ચાલને, આપણે મશહુર થઇ ચાલ્યા કરીએ…*

સવારના આઠ વાગ્યે ઇશ્ર્વરલાલ ઘરના ફળિયામાં હીંચકા પર તેમની પત્ની નયનાબેન સાથે ચા પીતા પીતા, ફળિયામાં રહેલા ઝાડ પરના પક્ષીના કલરવનો આનંદ લેતા હતા. આ તે બન્નેનો નિયમ હતો. સવારના 30 મિનિટ ફળિયામાં બેસી કુદરતની નજદીકીનો અહેસાસ કરવો. તેમનો એકનોએક દીકરો સૌમ્ય ભણવા માટે અમેરિકા ગયો હતો અને ત્રણ વર્ષ પછી આવવાનો હતો. ઘરમાં બીજું કોઇ ન હતું. ઇશ્ર્વરભાઇ રિટાયર્ડ થઇ ગયા હતા અને નાતનું પ્રમુખપદ સંભાળતા હતા. નાતમાં તેમની વાત બઘા માનતા. નાના-મોટા કાર્ય માટે તેમની સલાહ લેતા.

આજે પણ બન્ને બેઠાબેઠા દીકરાના ભવિષ્યની વાતો કરતા હતાં, ત્યાં ડેલી ખખડી, નયનાબેને ખોલીને જોયું તો નાતના ગોવિંદભાઇ આવ્યા હતા. તેમના ચહેરા પર ખુશીની રેખા જોઇને નયનાબેને બારણાંમાં જ પુછયું, “કેમ આટલા ખૂશ છો ? કોઇ સારા સમાચાર આપવા આવ્યા છો ..?”

ગોવિંદભાઇએ અંદર આવીને હિંચકે બેસતા કહ્યું, “હા..હા.. આજે ખૂશખબર આપવા જ આવ્યો છું. મારા દીકરાનું નકકી કર્યુ છે. કાલે રાત્રે જ વાત પાકકી કરી. સૌથી પહેલા તમને જ કહેવા આવ્યો છું. તમારા ઘરની પાછળ રહે છે તે જગદીશભાઇની દીકરી તન્વી સાથે મારા દીકરાની વાત પાકકી કરી છે. તમે તો સારી રીતે ઓળખતા જ હશો ને..? તન્વી દેખાવમાં – સંસ્કારમાં – ભણતરમાં સારી છોકરી છે.”

ઇશ્ર્વરભાઇએ એક ક્ષણ નયનાબેન સામે જોયું. બન્નેની આંખોએ કંઇક વાત કરી, પછી ઇશ્ર્વરભાઇએ ગોવિંદભાઇને કહ્યું, “તમારી વાત સાચી, તન્વી દેખાવમાં ખૂબસુરત છે, ભણતર પણ ઘણું છે, પણ સંસ્કાર નથી. તેને રૂપનું અને ભણતરનું અભિમાન છે, ઘરનું કોઇ કામ તેને આવડતું નથી. આખો દિવસ તૈયાર થઇને મોબાઇલ કે ટીવી લઇને બેઠી રહે છે. તમારા ઘર માટે તે યોગ્ય નથી પછી પસ્તાવવાનો વારો ન આવે તે જો જો… આ તો તમે ઘરના છો એટલે કહેવાય, બાકી બીજાને કહ્યું હોય તો એમ જ થાય કે મને અદેખાય આવે છે..”

ગોવિંદભાઇ જરા ચમકી ગયા. પછી કહ્યું, “તમે બાજુમાં રહો છો એટલે તમને વધારે ખબર હોય, આ તો ખાલી વાત પાકકી જ કરી છે, બઘાને કહ્યું પણ નથી, હવે ના પાડી દઇશ. ગોવિંદભાઇ ગયા. ઘરે જઇને બઘા સાથે વાત કરીને જગદીશભાઇના ઘરે ગયા.

તન્વી હજી સોનેરી સપનાં ગુંથે તે પહેલા જ ના પાડી આવ્યા. જગદીશભાઇ કંઇ સમજી ન શકયા. થોડાદિવસ પછી તન્વીની વાત પાછી પાકકી થઇ, ઇશ્ર્વરભાઇએ ત્યાં પણ કહ્યું કે, તન્વી ‘રખડું’ છોકરી છે. આખો દિવસ બહાર રખડતી હોય છે. આ તો તમે ઘરના છો એટલે… એમ કહીને ના પડાવી દીઘી. આમને આમ ચાર જગ્યાએ વાત નકકી થઇ અને ઇશ્ર્વરભાઇએ ના પડાવી દીઘી.

image source

જગદીશભાઇને સમજાતું ન હતું કે પોતાની આટલી રૂપાળી, ભણેલી, ડાહી છોકરી સાથે આવું કેમ થાય છે..? પછી તો આખીનાતમાં વાત ફેલાઇ ગઇ કે તન્વી સારી છોકરી નથી. આમ પણ વખાણ કરતા, કોઇ વિશેની ખરાબ વાત વધુ ઝડપથી ફેલાય છે. તન્વી બદનામ થઇ ગઇ. તેના માટે માંગા આવવાના જ બંઘ થઇ ગયા. જગદીશભાઇએ ઘણા પ્રયત્ન કર્યા પણ તન્વી માટે કોઇ હા પાડતું ન હતું.

અને એક દિવસની સવાર જગદીશભાઇ અને તન્વી માટે ખુશી સમાચાર લઇને આવી. નાતના પ્રમુખ ઇશ્ર્વરભાઇ જાતે તેમના ઘરે આવ્યા અને પોતાના અમેરિકા ભણીને પરત આવેલા દીકરા સૌમ્ય માટે તન્વીનો હાથ માંગ્યો. સૌમ્ય ભણ્યા પછી ત્રણ મહિના માટે જ ઘરે આવ્યો હતો. અને લગ્ન કરીને પાછો અમેરિકા જવાનો હતો. ત્યાં તેની જોબ નકકી થઇ ગઇ હતી. જગદીશભાઇએ તો વિચારવાનો સમય માંગ્યા વગર જ હા પાડી દીઘી. તન્વી પણ ખુશ થઇ ગઇ. બીજે દિવસે સગાઇ કરી લીઘો અને પંદર દિવસમાં લગ્ન થઇ ગયા. બન્ને ખુશ હતા. એકબીજામાં મસ્ત જયારે ગામમાં નીકળતા ત્યારે બઘા જોતા રહેતા.

image source

નાતમાં જે જે ઘરમાં તન્વીનું નકકી થયું હતું અને ઇશ્ર્વરભાઇએ ના પડાવી હતી તે લોકોને સમજાયું નહીં કે આ શું થયું ?? લગ્ન પછી સૌમ્ય અને તન્વી બહારગામ ગયા ત્યારે નાતના લોકો ઇશ્ર્વરભાઇના ઘરે આવ્યા. ઇશ્ર્વરભાઇએ તેમને હસીને આવકારતા કહ્યું, “મને ખબર જ હતી કે તમે બઘા આવશો જ… તમારા મનમાં ઊઠતા સવાલોની મને ખબર જ છે. તમને બઘાને સવાલ હશે કે જે તન્વી માટે મેં ખરાબ વાતો કરી હતી, તેને મારા ઘરની વહુ કેમ બનાવી ? તમે બઘા જવાબ માટે આતુર હશો જ… તો સાંભળો…”

“તન્વી ખૂબ જ ડાહી, ઠરેલ, હોંશિયાર અને ઘર સંભાળે તેવી છોકરી છે. મને ખબર હતી કે તે જે ઘરમાં જશે તે ઘરને સ્વર્ગ બનાવશે. તે તો હીરા જેવી છે. નસીબદાર હોય તેને જ આવી વહુ મળે… મારો દીકરો અમેરિકા ગયો ત્યારે કહેતો ગયો હતો કે તેને તન્વી પસંદ છે, અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

પણ જયાં સુઘી તેનું ભણવાનું પૂરૂં ન થાય અને નોકરી ન મળે ત્યાં સુઘી મારાથી તન્વીનો હાથ કેમ માંગી શકાય ? આવી સુંદર-ડાહી છોકરી મારા દીકરાની ખુશી છે તે જાણીને મેં તેના માટે ખરાબ વાત ફેલાવી હતી. હું તેને મારા ઘરની વહું બનાવવા માંગતો હતો.આવો હિરો બીજાના ઘરનું અજવાળું બને અને મારા દીકરાનું દિલ તૂટી જાય એ મારાથી કેમ સહન થાય ?

image source

આથી મેં તેના વિશે બઘાને ખોટું કહ્યું. બસ મારા દીકરાની ખુશી માટે મેં આ ગોઠવણ કરી હતી. તમે બઘા પણ વાતમાં આવી ગયા, પણ હવે તન્વી મારા ઘરની વહુ છે, હવે તેના વિશે કયારેય આડુંઅવળું ના બોલતા, નહી.. તો…. હવે મીઠાઇ ખાવ…” બઘા મોઢું ખુલ્લું રાખીને સાંભળી રહ્યાં. અને ઇશ્ર્વરભાઇએ હસતા હસતા બઘાના ખુલ્લા મોઢામાં મીઠાઇ મૂકી દીઘી.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત