છીંકણીયા ભગત – એ બંને વચ્ચે બહુ સંપ હતો બંને મિત્રો સાથે જ માતાની બાધા કરવા જતા અને અચાનક…

વઢિયારનું દૂર દુરનું એક ગામ. રણકાંઠાનું ગામ એટલે રણની ઊડતી રેત અને ગરમ ગરમ લૂ ફૂંકતા વંટોળીયા સાથે ગામની વસ્તીને નાતો. આ વિસ્તારના ગામડાઓને શહેરનો રંગ હજુ લાગેલો નહીં. લોકો પણ એવાં સંતોષી કે જે મળ્યું એમાંથી ચલાવી લે બહુ ઝાઝો મોહ નહીં. ચારે બાજુ અભાવ. પીવાના પાણીથી માંડી દરેક વસ્તુનો અભાવ પણ લોકો અભાવમાંથી ભાવ પેદા કરી લે. અઢારે વૈણના લોકો એકબીજાની સાથે પ્રેમથી રહે.

ગામના કોઈ છોકરાએ ભણવામાં ખાસ કોઈ કાઠું કાઢેલું નહીં પણ ધાના કુંભારનો એક છોકરો ને વિજા વાળંદનો એક છોકરો સાથે રહીને બાજુના શહેરમાં ભણે. બંને ભણવામાં ખૂબ હોંશિયાર ને ફર્સ્ટ કલાસ કેરિયર. તેમના માબાપે તેમને પેટે પાટા બાંધી ભણવા મૂકેલા તે તેમના ધ્યાન પર એટલે બેય ખૂબ મહેનતુ ને ખંતિલા.

હરજી નામે એક દરજી. આ હરજી મેરાઈ ગામના લોકોનાં કપડાં સીવે. એવું નહીં કે એ માત્ર પુરુષોનાં કપડાં જ સીવે એતો ઓલ ઇન વન બાળકોનાં અને સ્ત્રીઓનાં કપડાં પણ સીવે. ગ્રાહક દુકાનના ઓટલે ઊભું ઊભું કપડાનો ઘા કરે, હરજી ગ્રાહકને જોઈ લે એટલે પત્યું. ગ્રહકના શરીરનું આખું માપ હરજીની મેમરીમાં ફિટ થઈ જાય. એ ગ્રાહકને પૂછી લે કે ભઈ કાપડમાંથી શું સિવવાનું છે. પહેરણ સિવવાનું છે કે લેંઘો. ચોઈણી સિવવાની છે કે કેડિયું. ના માપની કોઈ નોંધણી કે બીલની ઝંઝટ બધું રામ ભરોંસે ! જો ચોઈણી માપથી બે આંગળ મોટી સિવાય જાય તો હરજી ગ્રાહકને કહે, ” તું એક વખત ઇ ચોઈણી ધોઇશ એટલે કાપડ બે આંગળવા ચડી જશે એટલે માપની થઈ જશે.”

આમ હરજીએ કીધું એટલે કાપડને ચડવુંજ પડે. ને જો લેંઘો સિવ્યો હોય ને બે આંગળ ટૂંકો થયો હોય તો ધોયા પછી એ લેંઘાના કાપડને બે આંગળવા નીચું આવવું જ પડે. હરજીની લાજમલાજો જાળવતી ગામની વહુવારુંઓ નાં કપડાં સિવવાનાં હોય તો હરજી એમની પાસેથી જૂનું સિવેલું કપડું મંગાવેને એ માપ પરથી બીજા નવુ કપડું સીવી આપે. આમ ને આમ એણે કાંઈક વહુવારું ને બેન દીકરીઓના કમખે મોરલા ટેહુકતા કરેલા. આવી રીતે વિપરીત પરિસ્થિતિને પણ એની અનુકૂળતા મુજબ ફિટ બેસાડે તેવો ગામનો હાજરા હજુર હરજી મેરાઈ.

ગામના વિજો વાળંદ અને ધનો કુંભાર પણ હરજી જેવાજ નિપુણ ને કામના પારંગત. ફરક એટલો કે ધના કુંભારે બાપદાદાના માટલાં ઘડવાના ધંધાને તિલાંજલિ આપી કડીયા કામનો ધંધો અજમાવેલો. આમતો ગામમાં મોટા ભાગે માટીનાં ઘર પણ કેટલાક સુખી લોકો ઈંટ પથ્થરનાં પાકાં મકાન પણ બનાવતા આથી ધનાનો કડીયા કામનો ધંધો પણ ઠીક ઠીક પ્રમાણમાં ચાલતો અને એનું ગાડું રળે જતું. લાલો લુહાર ને શામજી સુથાર પણ ગામના માણસો પ્રમાણે પોતપોતાના ધંધામાં ભારે કોડાફાળ. કોઈની સામે કોઈને ફરિયાદ નહીં કે કોઈ ટંટોફીસાદ નહીં ભૂલચૂક લેવીદેવીની નીતિથી સૌ ધંધો કરે જાય ને પોતપોતાનું પેટિયું રળે જાય.

વિજો વાળંદ કોઈની દાઢી કરે ત્યારે ભૂલેચૂકે કે ઉતાવળમાં ચહેરા પર એકાદ બે તણખલા વાળ રહી પણ જાય. એમાં વિજાનો વાંક નહીં પણ અસ્ત્રો એવો હોય એટલે વિજો બીજું કરી પણ શું શકે ! ક્યારેક ગ્રાહક ચહેરા હાથ ફેરવતાં ફેરવતાં પૂછે, “વજાભઇ આ દાઢી પર એકાદ બે વાળ રહી ગયા શે ને? ” તો વિજો તરત જવાબ આપે, ” ભલે કે ઊભા, તારે ભૂંડા ચયાં એમને પાણી પીવડાવવા જવાનું શે? બીજી વખતે તું આવીશ એટલે આપણે એમને પહેલા ઝપટમાં લઈશું બસ. તું તારે જા ને માર ધોસળા.” આમ વિજો ગ્રાહકને સંતોષ થાય એવો જવાબ આપી ને ચાલતો કરે. ગ્રાહક પણ શહેરના ગ્રાહકની જેમ ફેશનને ઓળખતો ના હોય કે અપ ટૂ ડેટ રહેવામાં સમજતો ના હોય એટલે હસતો હસતો ચાલતી પકડે.

વિજા વાળંદને ધના કુંભારને બેયને ભારે ગોઠીપણાં. બેય ને એકબીજા વગર ઘડી ના ચાલે. સાંજ પડેને બંને ગામથી દૂર આવેલ પારવાળી માતાજીના મંદિરે દર્શન કરવા જાય. બેય જણ પાંચ ફોટા છીંકણી સૂંઘવાના ભારે શોખીન. ચાલતા જાયને છીંકણીના સટાકા મારતા જાય. રસ્તામાં ગામથી થોડે દુર એક પાણીની પરબ આવે. એક વડના ઝાડ નીચે પાણીનાં માટલાં ભરેલાં પડયાં હોય. જતાં આવતાં લોકો બે ઘડી વિસામો લે ને ઠંડુ પાણી પીવે.

થોડા સમયથી ત્યાં એક ડોશી રહેવા આવેલી તેને કોઈએ ઝુંપડી બનાવી આપેલી તેમાં તે રહે ને પાણી પીવડાવવાનું કામ કરે. વિજો ને ધનો નીકળે એટલે ડોશી ક્યારેક એમની પાસેથી છીંકણી માગે. આમને આમ જ્યારે આ બેય ભાઈબંધો આ રસ્તે નીકળે ત્યારે ડોશીની ઝુંપડીએ ઘડીક બેસી પાણી પીવે ને છીંકણી સુંઘે. ડોશીને પણ છીંકણીના છટાકા લેવડાવે. ક્યારેક ડોશી માટે લોટ કે ઘી ગોળ પણ લેતા આવે. ડોશી જો ઝુંપડીમાં હાજર ના હોય તોય વિજો ડોશીને બોલાવીને છીંકણીની પડકી આપે ને ડોશી આશિષ બોલે, ” ભલું થાજો બેટા તમારું !”

એક વખત એવું બન્યું કે વિજો હજામત કરવાની કોથળી લઈ એના ભાઈબંધના ઘેર ગયો. ધનાની ઘરવાળી કંકુએ બેય ભાઈબંધો માટે ચા બનાવા ચૂલો સળગાવ્યો ને ચ્હા મૂકી. બંને જણ ગામગપાટા પર ચડી ગયા થોડી વારે ચ્હા આવી. ચ્હા પીધા પછી તેમણે છીંકણી સૂંઘવાની લિજ્જત માણી ને ધનો કુંભાર વિજા પાસે માથામાં ટકો કરાવવા બેઠો. વિજાની સામે પલાંઠી વાળીને ધનો બેઠેલો. વાતોના તડાકા ચાલુ હતા. માથામાં બોડું કરવાનું કામ પૂરું થવામાં હતું ને વિજો ફાઇનલ ટચ આપી રહ્યો હતો. તેવામાં વિજાને છીંકણી તાળવે ચડી ગઈ કે કેમ ?

તેથી તેને અચાનક જોરથી છીંક આવી ને એનો અસ્ત્રો ધનાના માથામાં સહેજ અડી ગયો ને એક રૂપિયાની છાપ જેવડું સડદું માથા પરથી ઊખડી ગયું. અસ્ત્રો લાલ લાલ ! ધનાના માથા પરથી લોહીનો રેલો ઉતર્યો પછી તો વિજાએ ધનાની ઘરવાળી કંકુ પાસેથી તાત્કાલિક રૂ મંગાવ્યું ને તેને બાળી ને બળેલું રૂ ઘામાં દબાવી દીધું આથી લોહી નીકળતું બંધ થઈ ગયું. હજુ આજેય વિજાના અસ્ત્રાનું નિશાન તમને ધના કુંભરના માથામાં જોવા મળે એવું વાગેલું પણ અજાણતાં વાગેલું આથી ધનાને તેનો કોઈ વસવસો નહીં. હજુએ બેય જણા જ્યારે ભેગા થાય ત્યારે છીંકણીની ડબ્બી અડધી કરી નાખે પછી જ જુદા પડે. ગામના બધા બેયને છીંકણીયા ભગત તરીકે ઓળખે.

આ બે મિત્રોનો બીજો એક જાણીતો કિસ્સો પણ સાંભળવા જેવો ખરો. ચોમાસુ નજીક હતું ને વિજો પોતાનું ઘર સમુનમુ કરાવતો હતો. થોડી ઈંટો પડેલી તેની ભીંત ચણવાની હતી. વિજો ગ્રાહકનાં વતાં(હજામત) ગામમાં ગયેલો ને ધનો કુંભાર એક મજૂરને સાથે રાખી એકલો ઘણી હોંશથી તેના ભાઈબંધના ઘરની ભીંત ચણી રહ્યો હતો. રોટલા ટાણું થયું એટલે ધનો બોલ્યો,” મંગુભાભી લ્યો ત્યારે અમે રોટલા ખાઈ આવીએ બપોર નમેથી ફરી કામ ચાલુ કરશું.” ” ભલે ધનાભઇ જઇ આવો, નિરાંતે બપોર નમે આવજો ત્યાં સુધી તમારા ભઇ પણ ઘરે આવી જશે.” મંગુબોલી. બે દિવસથી કામ ચાલતું હતું એટલે ભીંત ખાસી ઊંચી આવી ગયેલી. હવે થોડુજ કામ બાકી હતું.

વિજાને ગામમાંથી આવતાં થોડી વાર થઈ. મંગુ ઘરમાં આડુંઅવળું કામ કરતી હતી તેવામાં તરતની ચણેલી ભીંત પડી. ભીંત પડતી જોઈ મંગુ દોડીને બચવા ગઈ પણ તેના પગ પર ભીંતનો કેટલોક ભાગ પડ્યો. આડોશીપાડોશી દોડી આવ્યા ને મંગુને ઊભી કરી. વિજાને ખબર પડી એ પણ દોડતો ઘરે આવ્યો. મંગુનો એક પગ ભાગી ગયેલો. તે ટહાકા કરી રહી હતી ને ધનો કુંભાર પણ હાંફળો હાંફળો આવ્યો ને બોલ્યો, ” વિજા થોડી ભૂલ થઇ ગઇ આ ભીંત તો મેં ચણી પણ ઓળંબો કરવાનો રહી ગયેલો એથી એ પડી ને મંગુભાભી ને વાગ્યું.” ” હા પણ ભઇ ધના ઓળંબો તારે કરવાનો હતો કે મારે?” વિજાએ પૂછ્યું ” વિજા તું તો સાવ ભોળો રહ્યો ! ભીંત હું ચણતો એટલે ઓળંબો તો મારે જ કરવાનો હોય ને. લે ઊભો થા આ મંગુભાભીને હવે પગે પાટો બંધાવવા આપણે એમને શેરમાં લઈ જવાં પડશે.” આવા અમારા ગામડાના કોડાફાળ કારીગરો પણ કામ કોઈનું ઊભું ના રહે. એય ને સડસડાટ ચાલ્યું જાય.

*** *** ***

સમય વીતતો ગયો. ધના અને વિજાના છોકરાઓ સારા માર્કસથી પોસ્ટ ગ્રેજ્યુએટ બની ગયા ને વર્ગ-એક બેના ઓફિસર બનવા માટેની નોકરી માટે તૈયારીઓ કરવા લાગ્યા. એક સવારે ધનો ને વિજો હાથમાં અગરબત્તી ને નારિયેર લઈ પારવાળી માતાએ દીવો કરવા નિકળયા. વચમાં પરબે બેઠા. પાણી પીધું ને છીંકણીની મજા માણવા લાગ્યા. છીંકણીની સુગંધ ફેલાવાથી ડોશી ઝુંપડીમાંથી બહાર આવ્યાં. ” શું આજે કોઈ પરસંગ શે કે ચમ તે બેય ભાઈબંધ આ નવા કપડામાં?” માજીએ બેયને ખુશ જોઈને પૂછ્યું. ” તે બારગામ જવાનો છો કે ચમ?”

“હા માજી અમારા દીકરાને આજે મોટા સાયેબની નોકરીની પરીક્ષા આપવાની શે તે અમે શેરમાં તેમને મળવા જઈએ સિયે એ પહેલા માતાજીનાં દર્શન કરી લઈએ.” ધનાએ જવાબ આપ્યો. ” હારુ…હારુ બેટા !” એટલું બોલી માજી ઝુંપડીમાં ગયાં ને એક ડબ્બી લઈ બહાર આવ્યાં ને બોલ્યાં, ” લો તમારા દીકરા નોકરીની પરીક્ષા આપવા નીકળે ત્યારે આ ભસમનો ચાંલ્લો કરીને પસી પરીક્ષા દેવા મોકલજો. માતાજી સહાય કરશે!” માજી તેમને ડબ્બી આપતાં બોલ્યાં.

સમય સમયનું કામ કરે જતો હોય છે. વાતને વર્ષો વીતી ગયાં. આજે તો ત્યાં એ પરબવાળી ડોશી નથી પણ પરબ છે ને પારવાળી માતાનું મંદિર છે. દર માસની પૂનમે અહીં પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત હોય છે ને લોકોની ભીડ પણ. કારણ દર પૂનમે જિલ્લા કલેકટર પ્રજાપતિ સાહેબ અને પડખેના જિલ્લાના પોલીસ વડા લીંબાચિયા સાહેબ અહીં દર્શન કરવા અચૂક આવે. ગામના બે છોકરા મોટા ઓફિસર બની ગયા આથી ગામવાળા પણ ગૌરવ અનુભવે છે. પૂનમના દિવસે નોકરી વાંચ્છુ યુવકોનો પણ જમેલો જામ્યો પડ્યો હોય છે. તેઓ આ સ્થળે છીંકણીની ડબ્બીઓ ચડાવવાની માનતા રાખવા ઉમટી પડે છે.

* * *

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત