પાંચ દીવડાની વાર્તા – દિવાળીના ઉત્સાહમાં અને દોડધામમાં બન્યું ના બનવાનું અને અચાનક…

આખા ઘરમાં ધમાલ ચાલતી હતી. જાણે જો ઘરને શરીર હોત તો પગ ઉપર અને તેનું માથું નીચે હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. રસોડાની ઘરવખરી બધી બહાર નીકળી જઈને રવેશમાં ખડકાઈ ગઈ હતી અને માળિયેથી એક એક કોથળીઓના ઢગલા બનીને નીચે ખડકાઈ જવા લાગ્યા હતા. એક કહેવત છે ને? ‘ઘરમાં ચાર વાસણો હોય તો ખખડેય ખરાં’ એજ નિયમ પ્રમાણે ઘરના ચારેય સભ્યો આજે તો એકબીજાને અથડાયાં કરતાં હતાં.

image source

મમ્મી – પપ્પા – બાબો – બેબી…આજે દિવાળીના દિવસો શરૂ થવા પહેલાંનો રવિવાર હતો. જાણે કે આખરી બાજી રમી લેવાની તક હતી. બધાં જ પોતપોતાના કામોમાં વ્યસ્ત હતાં અને વચ્ચે એકબીજાને મદદ પણ કરી લેતાં હતાં. બાબો હોસ્ટેલથી આવી ગયો હતો અને બેબીને આવતીકાલથી વેકેશન પડી જવાનું હતું. બધાં જ આ તહેવાર કઈરીતે ઉજવશે અને શું શું કરશે એ વિચારો સાથે પોતાનું કામ કર્યે જતાં હતાં. મમ્મીનું રસોડું હતું, પપ્પાને ડ્રોઈન્ગરૂમ સોંપાઈ ગયો હતો, બેબીને બંને ભાઈબહેનના ચોપડાનું ખાનું અને કબાટ અપાઈ ગયા હતા અને બાબાભાઈ સાહેબને ચડાવ્યા હતા માળિએ…

નજીક આવી રહેલા તહેવારોનો ઉત્સાહ આજથી આ ઘરમાંથી છેક શેરી સુધી પહોંચી રહ્યો હતો કેમ કે બેબીબેને તો તેમના કારવાંને ફૂલ વોલ્યુમ ઉપર રાખી દીધું હતું. થોડી થોડી વારે બધાંની ચોઈસના ગીતો એ પોતે જ દોડીને બદલાવી પણ આવતી અને વળી તેનો રૂમ ગોઠવવા બેસી જતી. માહોલ જોઈને તો એવું લાગતું હતું કે જાણે ઘરમાં કાલે લગન કેમ ન હોય!“મમ્મી, હું સ્વીગી કરી લઉં? મને તો ભૂખ લાગી ગઈ છે. બાકીનો કબાટ કાલે ગોઠવું તો?” બેબીએ પોતાના જ રૂમમાંથી રસોડાં સુધી મમ્મીને સંભલાય એમ બરાડા પાડ્યા.

image source

“ઓય, બેબલી પતાવ તારું કામ અત્યારે. જો તો ખરી હું તો આખો ભરાઈ ગ્યો છું. હું નહાયા વિના જમીશ જ નહીં.” માળિયેથી બાબાએ મમ્મી જવાબ આપે એ પહેલાં જ હુકમ કરી મૂક્યો અને ધડામ કરતો એક થેલો ફેંક્યો નીચે. પપ્પાએ આવીને એ થેલો એક તરફ કર્યો અને નીચે બેસીને પાના પકડના સાધનો અને સાફસફાઈનો સામાન લઈને ખોલવા લાગ્યા. મમ્મી તો હજુય એમની ટ્રોલીઓના ખાનાઓને સાફ કરવામાં જ વ્યસ્ત હતાં.

બેઝિનનો નળ વળી ખુલે અને બંધ થાય તેનો અવાજ માળિયામાંથી બાબાને આવ્યા કરતો હતો. એકવાર નળ બંધ થવાનો અવાજ આવ્યો હોવાનો અંદાજ કરતાં બાબાએ મમ્મીને હાકલ કરી… “મમ્મી જો તો ખરી, આટલા ભારી વાસણો હોય કંઈ? હું નીચે નથી લાવવાનો સાફ કરવા… મારી તો કેડ જ તોડી નાખશો તમે તો…” એ હજુ ઝૂકીને બોલે જ છે એવામાં પિત્તળની ભારી કોઠી માળિયેથી ખસેડવાનો એ પ્રયત્ન કરવા લાગ્યો અને એનો પગ લપસ્યો.લાકડાંનો ઘોડો પણ આડો ખસી ગયો અને તે નીચે ઊંધે માથે પડ્યો.આજનો દિવસ ખરાખરીનો હતો. એકએક મિનિટ અઘરી ગઈ.

image source

ગાડીમાં ઊંચકીને બાબાને બેસાડ્યો. જેણે જેવામ કપડાં પહેર્યાં હતાં એજ હાલતમાં ખીસ્સમાં ફોન નાખીને ઘર બંધ કરીને ચારેય પહોંચ્યાં હોસ્પીટલ. માથામાંથી લોહી નીકળતું હતું, કેડમાં દુખાવો થતો હતો અને જમણાં હાથનો ખભ્ભો ઊંચકી નહોતો શકતો. રસ્તામાં બેબીએ જાણીતા સંબંધીને ફોન કર્યો, કોને બતાવવું અને કેમ આ બધું થયું એ વિગત ફોન ઉપર આપવા લાગી. માંડ એક ડોક્ટરનો સંપર્ક થયો અને બાબાને સૂતેલી હાલતમાં લઈને પહોંચ્યાં તો ખરાં પણ તહેવારોના દિવસો નજીક હતા તેથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ પણ તુરંત હાજર નહોતા થઈ શકવાના એવા સમાચાર મળ્યા.

એડમિટ થયા અને બીજા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ થોડીવારે તો પહોંચ્યા.અઠવાડિયે ઘરના આંગણાંમાં દીવડાઓ પ્રગટાવવા અને રંગોળી કરવા મમ્મી અને બેબી બેઠાં હતાં. પપ્પા લાકડાંના ઘોડે ચડીને ઝાંડવાંઓ ઉપર રોશની મૂકતા હતા. આ જોઈને બાબાથી બોલાઈ ગયું, “પપ્પા આની ઉપર ન ચડો, આણે જ મને દગો દીધો…” એ રડી પડ્યો. બધાં જ્યારે દિવાળીની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે બાબાને જમણાં હાથમાં પ્લાસ્ટર આવ્યું હતું અને માથે પાટાપીંડી હતી. બાબાને રડતો જોઈને મમ્મી એની પાસે ગયાં.“જો, તું એ વિચાર કે ખાલી હાથમાં અને એક જ હાથમાં પાટો આવ્યો છે.

image source

એય થોડા જ દિવસોમાં નીકળી પણ જશે.” બાબો પગ પછાડીને રડવા લાગ્યો. મમ્મીએ કહ્યું, “અરે, બહુ જોર ન આપ હાથમાં દુઃખી જશે. તું એ તો વિચાર કર કે તને પગમાં કે કમરમાં કંઈ નથી વાગ્યું!”બેબીને રંગોળી ઉપર છેલ્લી બોર્ડર કરતાં જોઈને મમ્મીએ તરત જ કહ્યું, “જો હવે બધાં ખાનામાં એક એક દીવડો મૂકી દેજે. પાંચ દીવડાની રંગોળી છે આ તને ખબર છે ને?” “હા મમ્મી. મેં પાંચ દીવેટ રેડી કરી છે.” બેબીએ નીચે જોતે પોતાનું કામ અટકાવ્યા વગર જ જવાબ આપી દીધો. “ચાલ, આપણે બેબી પાસે બેસીએ, એય તમેય આવો તો, જોવો તો બેબીએ કેવી સરસ રંગોળી બનાવી મૂકી છે.” બાબાને ઉદાસ જોતાં મમ્મીએ તેને બેબી રંગોળી બનાવતી હતી એ જગ્યાએ લઈ જવા આગ્રહ કર્યો અને પતિને પણ એમની પાસે બોલાવી લીધા.બાબો ખરેખર ઝળહળતા દીવડા અને રંગોળી જોઈને ખુશ થઈ ગયો.

image source

મમ્મીએ પણ તેની આંખોમાં દીવડાની ચમક જોઈ. “અરે, તું નીચે ન બેસ. બેબી ભાઈ માટે ખુરશી ખસેડી લાવ તો…” મમ્મીએ પોતે ગળગળાં ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખતાં બાબાને જમીન પર નીચે ન બેસી જવા ચેતવ્યો. ચારેય રંગોળી પાસે ગોઠવાયા. માહોલની આભા ખૂબ જ પ્રભાવિત કરે એવી હતી. આસપડોશમાંથી ફટાકડાનો અવાજ આવતો હતો. દીવડાઓ ઝગમગ થતા હતા. છતાં સૌ મૌન હતાં કોઈ વાતે જાણે મનમાં રંજ હતો. બાબાનો હાથ બંધાયેલો હતો, એ નવાં કપડાં પણ નહોતો પહેરી શક્યો, આજે દીવાળીના સમપરમાં દિવસે. મમ્મીએ વાતાવરણ પડતાં જોઈને કહ્યું, “બેબી તને ખબર છે, મેં તને આ પાંચ દીવડાની રંગોળી કરવાનું કેમ કહ્યું આજે?” “હેં? એ તો મેં વિચાર્યું જ નહીં, તમે કહ્યું ને મેં કર્યું, મસ્ત તો થઈ છે ને?” બેબીએ પ્રશ્ન સૂચક નજરે સૌની સામે જોયું અને પપ્પા તરફ નજર ઠેરવી મૂકી.

image source

“હા રે, બેબી તે મસ્ત જ કરી છે, જોને… હું તો હમણાં સ્ટેટસમાં જ મૂકવા વિચારતો હતો…” “પપ્પા, મને હતું જ તમને તો ગમશે જ, ભૂલ તો મમ્મૂ જ કાઢે!”“અરે, આ તો જો, એક તો મેં સરસ મજાની રંગોળી સજેસ્ટ કરી અને તું મને જ વગોવે જબરી પપ્પાની લાડલી હો, એય આ ફોટો સ્ટોરીઝમાં પણ મૂકજો હો…” મમ્મીએ મીઠા ઠપકા સાથે એમના ફોનથી પપ્પાએ શેર કરેલો ફોટો લાઈક કરતાં કહ્યું. બાબો એનો ફોન ઝાલી પણ નહોતો શકતો, એનું મોંઢું ફરીથી પડી ગયું, એ ઊભો થઈને અંદર જવા લાગ્યો. “અરે, બેસ, હવે તમને કહું આ પાંચ દીવડાની વારતા…” મમ્મીએ બાબાને રોકીને ફરીથી એને ખુરશીમાં બેસાડ્યો.

image source

મમ્મી માંડીને વાત કરવા લાગ્યાં. “આ આખી પાંચ દીવડા મૂકેલી રંગોળી ખૂબ સરસ લાગીને તમને?” “હા મમ્મી, પણ હવે વાત કર એની… આઈમ સ્યોર કંઈક સિક્રેટ છે…” બેબીએ ઉત્સુક્તા બતાવી અને મમ્મીને વળગી પડી. એક ઊંડો શ્વાસ લઈને એક તરફના દીવડાની પાસે એમણે હાથ રાખ્યો અને બોલવાનું શરૂ કર્યું. “જો, આ પહેલો દીવડો, છે ને સુંદર? કેટલો સરસ પ્રકાશ આપે છે. ખબર છે એ કોણ છે?” બાબાને રસ પડ્યો.

image source

“કોણ છે એ મમ્મી?” “એ છે, ઉત્સાહનો દીવડો…” “એમ?” પપ્પાએ પણ પોતાની હાજરી પૂરાવી. “હા, આ પાંચેય દીવડાઓ એકવાર એક જગ્યાએ ભેગા થયા હતા. એની વાર્તા કરું તમને…” “વાવ મમ્મી… દીવડાઓની પણ વાર્તા હોય?” “હા, બેબી, મેં ક્યાંક સાંભળી હતી તો થયું આજે તમને કરું…”“એકવાર આ ઉત્સાહના દીવડાને થયું, સૌથી પહેલો મનેજ પ્રગટાવવામાં આવ્યો પછી બીજા બધા પણ પ્રગટ્યા એમાં મારું મહત્વ જ ન રહ્યું. હું ન હોઉં તોય કોઈનેય ફરક નહીં પડે. તે વિચારવા લાગ્યો કે, મારા પ્રકાશની કોઈને કદર જ નથી. એના કરતાં તો હું બુઝાઈ જાઉં તો સારું…

image source

એ નિરાશ થઈને ઓલવાઈ ગયો.” “મમ્મી, એ તો ઉત્સાહ નામનો દીવડો હતો ને?” “હા, બાબા. ઉત્સાહનો દીવડો ઓલવાઈ ગયો ત્યાં તેનાથી થોડે દૂર બેઠેલો બીજો દીવડો પણ ચિંતામાં પડ્યો. એને બેચેની થવા લાગી. તેનું નામ હતું ‘શાંતિ’. તેને થયું કે હું કેટલી શાંતિથી પ્રકાશ ફેલાવું છું તેની કોઈને પણ કિંમત જ નથી ને… લોકો હિંસા અને અશાંતિ ફેલાવે છે ત્યાં મારું શું કામ? હું પણ બુઝાઈ જાઉં. એવું વિચારીને તે પણ ઓલવાઈ ગયો.”મમ્મીની આખી વાતને સાંભળતાં ત્રણેય જણાં ચૂપચાપ બેઠાં હતાં. મમ્મીએ વાત આગળ વધારી.

image source

“આ બાજુ ત્રીજો દીવડો પણ મૂંઝારો અનુભવવા લાગ્યો. એનું નામ હતું હિમ્મત. એ પણ પહેલા બંનેની હાલત જોઈને પોતની હિમ્મત હોઈ બેઠો અને ઓલવાઈ ગયો. આ ત્રણેય બુઝાઈ ગયેલા દીવડાઓને જોઈને ચોથો દીવડો પણ ગભરાઈ ગયો. તેનું નામ હતું સમ્રુદ્ધિ. જ્યાં ઉત્સાહ, શાંતિ અને હિમ્મત જ ન હોય ત્યાં સમૃદ્ધિ પણ ટકીને શું કરે? પરંતુ બન્યું એવું કે તેમની વચ્ચે એક પાંચમો દીવડો પણ હતો. એણે આ ચારેયની હાલત જોઈ પરંતુ એ વિચારવા લાગ્યો કે હું શું કરીશ એકલો રહીને એ પણ ધીમેધીમે ફ્ફડવા લાગ્યો. એવામાં એક છોકરો આવ્યો અને તેણે આ પાંચમાં દીવડાથી એ બુઝાયેલા ચારેય દીવડાઓને ફરીથી પ્રગટાવ્યા. આ પાંચમા દીવડાનું નામ હતું, આશા…”

image source

“જીવનમાં માત્ર એક આશાનો દીવડો પણ ચાલુ રહેને તો બાકીના બધા દીવડાઓ પણ આપોઆપ પ્રકાશિત થયા કરે… બરાબર ને?” મમ્મીનું વાક્ય હજુ પૂરું થયું ન થયું ને પપ્પાએ એમની વાતનો સાર કહી દીધો.બાબો પ્લાસ્ટરવાળો હાથ સહેજ ઊંચો કરીને બીજા હાથે ફોન ઝાલીને સેલ્ફી મોડમાં ચારેયને એક ફ્રેમમાં ગોઠવતો ઊભો જેમાં રંગોળી અને પાંચ દીવડા પણ કેપ્ચર થઈ ગયા…

લેખક – કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’