ભીમાશંકર જ્યોતિર્લીંગ અપાવશે તમને સાત જન્મના પાપથી મુક્તિ, જાણો શું છે ખાસ માહાત્મ્ય

મિત્રો, શિવભક્તોના મનમા શ્રાવણ માસમા બાર જ્યોતિર્લિંગના દર્શન અને તેની કથાનુ પઠનનું એક વિશેષ જ મહત્વ રહેલુ છે. ત્યારે આજે અમે તમને એક એવા જ્યોતિર્લિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ છે કે, જે મહાદેવના સૌથી ‘મહાકાય’ સ્વરૂપનો પરચો આપે છે અને આ જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર જ્યોતિર્લિંગ.

image source

આ જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના પુણેથી અંદાજે ૧૧૦ કિલોમીટરના અંતર પર આવેલુ છે. સહ્યાદ્રી પર્વત પર ભીમા નદીના સાનિધ્યમા આવેલ આ શિવનુ ધામ એટલે પ્રકૃતિના ભરપૂર સૌંદર્યની મધ્યે શોભતું શિવનુ ધામ. શ્યામ પાષાણથી કંડારાયેલું આ મંદિર એ નાગર શૈલીથી નિર્મિત છે અને તે વાસ્તુકળાનુ એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે. દર વર્ષે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી મહાદેવના દિવ્ય રૂપના દર્શન હેતુસર આવે છે.

image source

અહીના ગર્ભગૃહ મધ્યે મહાદેવના અત્યંત દિવ્ય રૂપના શ્રદ્ધાળુઓને દર્શન થાય છે. ભીમાશંકરમા ‘ભીમ’નો અર્થ થાય છે મહાકાય અને તેના પરથી જ ભક્તો આ શિવલિંગને “મોટેશ્વર મહાદેવ” તરીકે પણ ઓળખે છે. આ પૌરાણિક શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ બાર જ્યોતિર્લિંગના નામનો મંત્રોચ્ચાર કરતા મહાદેવના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે તેના સાતેય જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. બાર જ્યોતિર્લિંગમાં ભીમાશંકર મહાદેવ એ છઠ્ઠું સ્થાન ધરાવે છે.

image source

શિવપુરાણની કોટિરુદ્રસંહિતામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધિત કથાનો ઉલ્લેખ મળે છે. આ પુરાણમા ભીમાશંકર જ્યોતિર્લિંગ નો ભીમશંકર તરીકે ઉલ્લેખ છે. આ પુરાણ મુજબ કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કર્કટી ગર્ભાવસ્થામા હતી. તેણે ભીમા નામના ખુબ જ શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. તે જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાના વધની કથા કહી સંભળાવી.

આ સાંભળીને ભીમા શ્રી રામ કે જે પ્રભુ વિષ્ણુના અવતાર હતા તેમને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યા. તેણે ભગવાન વિષ્ણુ સાથે બદલો લેવાનુ નક્કી કર્યુ. પ્રભુ શ્રી હરિ સાથે બદલો લેવા ભીમાએ અનેક પ્રકારના વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ. બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યુ અને ત્યારબાદ તો ભીમાએ ત્રણેય લોકોમા હાહાકાર મચાવી દીધો.

image source

દુ:ખી થયેલા દેવતાઓએ દેવાધિદેવ મહાદેવની શરણ લીધી. મહાદેવે દેવતાઓને રક્ષા માટેનુ વચન આપ્યુ. ત્યા જ બીજી તરફ ભીમાએ મહાદેવના જ એક પરમ ભક્ત એવા દેશના રાજા સુદક્ષિણને બંદી બનાવ્યા અને તેમને હેરાન કરવાનુ શરૂ કરી દીધુ. એક વાર ક્રોધાગ્ની ભીમા સુદક્ષિણ દ્વારા પૂજીત શિવલિંગને નષ્ટ કરવા તલવાર સાથે ધસી ગયો.

image source

પરંતુ, ત્યા જ મહાદેવ પ્રગટ થયા અને સ્વયં ભીમેશ્વર ખુબ જ વિશાળ રૂપનો પરિચય આપતા શિવજીએ રાક્ષસ ભીમાનો વધ કરી દીધો. ત્યારબાદ નારદમુનિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ મહાદેવ આ પુણ્ય ભૂમિ પર ‘ભીમશંકર’ના રૂપમાં વિદ્યમાન થયા. અમુક માન્યતા અનુસાર આ શિવલિંગના તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે અને મૃત્યુ પછી તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે.