મૃત્યું બાદ પણ 6 લોકોના શરીરમાં જીવતા રહેશે સુરતના આ વેપારી, જાણો કેવી રીતે થયો ચમત્કાર

સુરતના અડાજણના એક વ્યક્તિનું બ્રેઇન ડેડ થયા બાદ પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે છ લોકોને નવું જીવન મળ્યું. કોલકાતાની મેડિકા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાન કરાયેલા ફેફસાંનું 46 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે તેના ફેફસાં બગડી ગયા હતા અને છેલ્લા 103 દિવસથી એકમો મશીન સપોર્ટ પર હતો. જ્યારે વડોદરા અને અમદાવાદના ત્રણ વ્યક્તિઓમાં કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

અડાજણ પૂજા રો હાઉસમાં રહેતા મનીષ પ્રવીણચંદ્ર શાહ (53) ભટારમાં મનીષ ટેક્સટાઇલ નામનું એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા હતા. મનીષ ભાઈને 16 સપ્ટેમ્બરે માથા અને ડાબા હાથમાં દુખાવાની સાથે યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એન્જીયોગ્રાફીએ હૃદયની ડાબી બાજુની એક નસ બ્લોક હોવાનું જણાયું. ડો.ધવલ શાહે એન્જીયોપ્લાસ્ટી કરી હતી. આ પછી, સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજની પુષ્ટિ થઈ.

image source

ડોક્ટરોએ મગજમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કરવા ઓપરેશન કર્યું, પરંતુ 19 સપ્ટેમ્બરે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ ડોનેટ લાઇફના ચીફ નિલેશ માંડલેવાલાએ મનીષ પરિવારને અંગદાન વિશે સમજાવ્યું. પરિવાર તરફથી સંમતિ મળ્યા બાદ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) એ ડો.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો અને ફેફસાં, કિડની અને લીવરનું દાન કરવા અંગે માહિતી આપી. SOTTO એ કિડની અને લીવરનું દાન ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) અમદાવાદ અને NOTTO એ ફેફસાને મેડિકા હોસ્પિટલ, કોલકાતામાં દર્દીને ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યા.

image source

મનીષના ફેફસાં કોલકત્તાના 46 વર્ષના એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. 1625 કિલોમીટર દુર કોલકત્તા હવાઇ માર્ગે ફેફસા પહોંચાડવામાં આવ્યા. તેના ફેફસાને કોરોનાથી નુકસાન થયું હતું. તે જ સમયે, અમદાવાદ આઇકેડીઆરસીમાં એક કિડની વડોદરાના રહેવાસી 44 વર્ષીય રહેવાસીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, બીજી કિડની અમદાવાદના 39 વર્ષીય વ્યક્તિમાં અને લીવર બરોડા નિવાસી 21 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાટ કરાયું. શહેરમાં ડોનેટ લાઇફ કોરોનાની બીજી લહેર બાદ 21 દિવસમાં 5 મી વખત અંગોનું દાન કરાવીને 25 લોકોને નવું જીવન આપ્યું.

ફેફસાં અને લીવર પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર

image source

ડોનેટ લાઇફે અહેવાલ આપ્યો છે કે સુરતથી ફેફસાં અને લીવરને સમયસર બે અલગ અલગ શહેરોમાં પરિવહન કરવા માટે બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત એરપોર્ટથી ફેફસાને કોલકાતા લઇ જવા માટે પ્રથમ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, સુરતથી અમદાવાદના રસ્તા પર કિડની અને લીવરને લઈ જવા માટે બીજો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત સહિત વિવિધ શહેરોના પોલીસ કર્મચારીઓએ કામ કર્યું હતું.