એક માત્ર પૂર્વ મુખ્યમંત્રીને સર્કિટ હાઉસ સામે ફાળવાયો બંગલો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અંગે કોઈ સ્પષ્ટતા નહીં

કહેવાય છે ને કે વ્યક્તિનો સમય બદલે એટલે ભલભલાંને ધોળા દિવસે તારા દેખાય જાય છે. આવી જ સ્થિતિ હાલ કંઈ પૂર્વ મંત્રીઓની થઈ છે. એક સમયે જે મંત્રીઓ ટાઈટ સિક્યોરીટી સાથે હજારો વારના બંગલામાં સુવિધાઓ સાથે ઠાઠથી રહેતા હતા હવે તેમને ખુરશી પરથી ઉતારી મુક્યા બાદ તેમના નિવાસસ્થાનમાં પણ ધરખમ ફેરફાર થયા છે. મસમોટા બંગલામાં રહેતા મંત્રીઓ હવે ફ્લેટમાં આવી ગયા છે.

image soure

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના મંત્રીમંડળના દરેક મંત્રીને રાતોરાત તેમનું પદ છોડવું પડ્યું અને હવે તેમને નવા આવાસની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ આવાસ તેમણે કલ્પના પણ કરી ન હોય એવા છે. આવું એટલા માટે કહી શકાય કે ગત મહિના પહેલા આ મંત્રીઓ 300 વારથી પણ વધુ મોટા સ્વતંત્ર બંગલામાં સિક્યોરીટી સાથે નોકર-ચાકર વચ્ચે રહેતા હતા. હવે તેમને ત્રણ રુમ રસોડાના ફ્લેટ રહેવા માટે ફાળવવામાં આવ્યા છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી બદલાયેલા મંત્રીમંડળના નવનિયુક્ત નેતાઓ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે અને ગાંધીનગર સ્થાયી પણ થઈ ચુક્યા છે. પરંતુ આ સાથે જ પૂર્વ મંત્રીઓને પણ આવાસની ફાળવણી કરવામાં આવી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર રૂપાણી સરકારના 25 ધારાસભ્યોને બંગલા ફાળવવામાં આવ્યા નથી તેમને સચિવાલયની સામે ક્વાટર્સમાં મકાન ફાળવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર સચિવાલયના ઉપસચિવની સહી સાથે એક ઓર્ડર કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના પૂર્વ મંત્રી, પૂર્વ નાયબ મુખ્ય દંડક અને બે ધારાસભ્ય એમ કુલ 25 લોકોને ક્વાટર્સમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચનના મકાનો ફાળવવામાં આવેલા છે.

image soure

આ સાથે જ જાણવા મળ્યું છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ બંગલો ફાળવવામાં આવ્યો છે. જો કે તેમને પણ મંત્રીઓના નિવાસ છે ત્યાં નહીં પણ તેની બહાર સર્કિટ હાઉસની સામે બંગલો ફાળવવામાં આવ્યો છે. હાલ તેમના સિવાય મંત્રી મંડળમાં હતા તેવા એકપણ પૂર્વ મંત્રીને બંગલો મળ્યો નથી. જો કે જે ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ન હતું તેથી અનુમાન છે કે તેમને બંગલો ફાળવી શકાય છે. જો કે આ અંગે કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી.