ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે પાણી પાણી

આ વર્ષે ચોમાસા એ જાણે નક્કી કરી લીધું છે કે નવરાત્રી સુધી ગુજરાતનો સાથ જ નથી છોડવો. ભાદરવા મહિનામાં પણ રાજ્યભર માં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદનું કારણ ગુલાબ નામનું વાવાઝોડું છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

image soucre

હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 20 જેટલા જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં સાર્વત્રિક રીતે પાંચ દિવસ સુધી વરસાદ થઇ શકે છે. આગાહીના કારણે જિલ્લા વહીવટી તંત્રએ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રાખી છે અને એનડીઆરએફની ટીમો ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

image socure

ગુલાબ વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં જ મંગળવાર રાતથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે. સૌરાષ્ટ્રમાં મંગળવારે રાત્રે જોરદાર વરસાદ નોંધાયો હતો. જ્યારે બુધવારે સવારે અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં સવારથી જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો.

image soucre

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં થયેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મંગળવારે દિવસે અને રાત્રે થયેલા વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વાહન વ્યવહારને માઠી અસર થઇ હતી. ભારે વરસાદના કારણે રાજ્યના ચાર સ્ટેટ હાઈવે બંધ થયા હતા. આ સિવાય 138 પંચાયતના માર્ગો બંધ થયા હતા.

image soucre

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી વરસાદની સિસ્ટમમાં ફેરફાર થયો છે. જેના કારણે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે જ આ મહિનામાં રાજ્યભરમાં સારો એવો વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદના આંકડાનું વિશ્લેષણ કરતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સો વર્ષના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બીજીવાર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદની સરેરાશમાં દેશભરમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ થયો છે.

image soucre

મંગળવારે થયેલા વરસાદમાં રાજકોટ અને ભાવનગર શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં તું રાત્રે માત્ર એક કલાકમાં જ ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા ત્યારે કેટલાક વિસ્તારોમાં લાઈટ પણ જતી રહી હતી. રાજકોટ શહેરમાં પણ રાત્રીના સમયે ચાર ઈંચ વરસાદ પડયો હતો.