શિવ-પાર્વતી જેવું સૌભાગ્ય આપતા વ્રતની જાણી લો વિધિ અને મહત્વ

ભારતમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. તેમાં પણ શ્રાવણ માસ એટલે એક પછી એક તહેવારો માણવાની મોસમ. આ માસ દરમિયાન હરિયાળી ત્રીજની જેમ કજરી ત્રીજનો તહેવાર પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેને બુઢી તીજ અથવા સાતૂડી તીજ પણ કહેવામાં આવે છે. આ વ્રત દર વર્ષે રક્ષાબંધન પછીની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના ઘણા રાજ્યમાં ઉજવવામાં આવે છે.

image source

આ વ્રતમાં વિવાહિત મહિલાઓ તેમના પતિની સુખાકારી માટે અને અપરિણીત યુવતીઓ ઇચ્છિત વર મેળવવા માટે નિર્જળા ઉપવાસ કરે છે. આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ વર્ષે આ તહેવાર ક્યારે છે, ઉપવાસ કેવી રીતે કરવો અને પૂજા કરવાનો શુભ સમય અને રીત શું છે.

image source

કજરી ત્રીજ શુભ સમય

કજરી ત્રીજ પ્રારંભ- 24 ઓગસ્ટ 2021, બુધવાર સાંજે 04:04 કલાકથી

તૃતીયાની સમાપ્તિ – 25 ઓગસ્ટ 2021 ગુરુવારે સાંજે 04:18 વાગ્યે

image source

આ વર્ષે 25 ઓગસ્ટના દિવસે વ્રત રાખવામાં આવશે. દિવસ દરમિયાન નિર્જળા વ્રત કરી અને રાત્રે ચંદ્ર દેવને અર્ઘ્ય અર્પણ કરીને તેની પૂજા કરીને વ્રત ખોલવામાં આવશે.

આ વ્રતનું મહત્વ

આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે અને અપરિણીત યુવતીઓને તેમના ઇચ્છિત જીવનસાથી મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ 108 જન્મ લીધા બાદ ભગવાન શિવ સાથે લગ્ન કરવાનું સૌભાગ્ય મેળવ્યું હતું. આ દિવસે જવ, ચણા, ઘઉંનો સત્તુ બનાવવાનું વિશેષ મહત્વ છે. તેમાં ઘી અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે રાત્રે ચંદ્રની પૂજા કરી આ વ્રત ખોલવામાં આવે છે. આ સાથે આ દિવસે ગાયની પૂજાનું વિશેષ મહત્વ છે. આ શુભ તહેવાર પર મહિલાઓ એક સાથે ઝૂલા પણ ઝૂલે છે.

વ્રત કરવાની રીત

image source

આ દિવસે સવારે ઉઠ્યા પછી, સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરવા. ઘરની સફાઈ કરીને યોગ્ય દિશા પસંદ કરી ત્યાં માટી અને ગાયના છાણથી તળાવ બનાવો. તેમાં કાચું દૂધ અને પાણી ભરો અને તેના કિનારે દીવો પ્રગટાવો. એક થાળીમાં કેળા, સફરજન, સત્તુ, કંકુ, ચોખા વગેરે રાખો. આ તળાવની પાસે લીમડાની ડાળી તોડીને રાખવી. આ ડાળખીને ચુંદડી ઓઢાળી અને લીમડી માતાની પૂજા કરો. પૂજા બાદ કંઈપણ ખાધા કે પીધા વગર નિર્જળા ઉપવાસ કરો. રાત્રે ચંદ્રોદય થાય એટલે અર્ઘ્ય અર્પણ કરીને ચંદ્રની પૂજા કરો. સાથે જ માતા લીમડીને માલપુઆ અર્પણ કરો. ત્યાર પછી પતિના હાથથી પાણી પીને ઉપવાસના પારણા કરો.