મુકેશ અંબાણીનું ઘર ફરી ચર્ચામાં, ગણતરીની મિનિટોમાં ગોઠવાઈ ગયો પોલીસ કાફલો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનું ઘર ફરી એકવાર જોરદાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તો એક ફોન આવ્યો અને મુકેશ અંબાણીના ઘરે પોલીસ કાફલો સુરક્ષામાં ખડકાઈ ગયો હતો. શું હતી સમગ્ર ઘટના ચાલો હવે જાણીએ તેને વિગતવાર.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેના પરિવાર સાથે મુંબઈ સ્થિત તેના આલિશાન નિવાસ સ્થાન એન્ટિલિયામાં રહે છે. અચાનક જ દિવાળી બાદ એક એવી ઘટના બની કે મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ અને એન્ટિલિયા બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી. જોત જોતામાં આ ખબર ફેલાઈ ગઈ અને અંબાણી પરિવારમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું.

image soucre

થોડા સમય પહેલા જ એન્ટિલિયા બહાર કાર મુકવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ફરીવાર એવું તે શું થયું જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તે પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં હશે. તો જણાવી દઈએ કે આ બધી જ દોડધામ અને ટેન્શન મુંબઈના એક ટેક્સી ડ્રાઇવરના ફોન પછી શરુ થઈ હતી. જી હાં એક ટેક્સી ડ્રાયવરે મુંબઈ પોલીસને ફોન કર્યો કે બે શંકાસ્પદ લોકો તેને અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા વિશે પુછી અને માહિતી એકઠી કરી રહ્યા હતા. આ બંને લોકો એક કારમાં સવાર અને અને તેમની પાસે બેગ પણ હતી. પછી શરુ થઈ મુંબઈ પોલીસની દોડધામ.

image soucre

મુંબઈ પોલીસે આ સમગ્ર મામલા વિશે જણાવ્યાનુસાર તેમને એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે મુકેશ અંબાણીના ઘરે જવા માટે બે લોકો એન્ટિલિયા વિશે પૂછી રહ્યા હતા. આ લોકો પાસે બેગ પણ હતી. અને તેઓ હિંદી અને ઉર્દુમાં બોલતા હતા. આ વાત સાંભળી સૌથી પહેલા તો પોલીસ દ્વારા એન્ટિલિયાની બહાર સુરક્ષા કડક કરવામાં આવી અને ત્યારબાદ શોધખોળ શરુ થઈ એ કાર અને બે લોકોની. આ તરફ એન્ટિલિયા પર ડીસીપી સ્તરના અધિકારીઓ નજર રાખી રહ્યા હતા. પોલીસે કહ્યું હતું કે થોડા જ સમયમાં તેમણે તે બે લોકોમાંથી એકની ઓળખ કરી લીધી હતી. તે પણ એક ટેક્સી ડ્રાઈવર હતો અને તેની પાસેથી એવી કોઈ વસ્તુ મળી નથી જે શંકાસ્પદ હોય.

સાથે જ એમ પણ સ્પષ્ટ થયું હતું કે તે લોકો ફરવા આવ્યા હતા અને મુકેશ અંબાણીના ઘરને જોવા માટે તેઓ એડ્રેસ પુછી રહ્યા હતા. બાકી એન્ટિલિયા એકદમ સુરક્ષિત છે.

મહત્વનું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એન્ટિલિયા ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેની નજીક એક સ્કોર્પિયો મળી આવી હતી. આ વાહનમાંથી જિલેટીન સ્ટીક મળી આવી હતી અને એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. આ ઘટના હજુ પણ તાજી જ છે ત્યાં આ રીતે વાત સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું આ ઘર 27 માળનું છે. એન્ટિલિયા વિશ્વના સૌથી વૈભવી અને મોંઘા ઘરોમાંથી એક છે. આ ઘરનું નામ એટલાન્ટિકના એક પૌરાણિક ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. તેના નિર્માણમાં લગભગ બે અબજ ડોલરનો ખર્ચ થયો હતો. એન્ટિલિયામાં છ માળનું તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે અને ત્રણ હેલિપેડ છે.