ચાર દિવસથી પરિવારથી વિખૂટા પડેલા યાત્રાળુઓ મંદિર નીચે એકબીજા મળ્યા, એકબીજાને ભેટી પડી ચોધાર આંસુએ રડી પડ્યા

તે ભયાનક આફત વિશે વિચારીને પણ ડરી જવાય છે.. ચારે બાજુ પાણી જ પાણી અને તેવામાં આપ્તજનોનો સાથ સહકાર પણ છૂટી ગયો.. કોણ કેવી અવસ્થામાં હશે.. તેનો અંદાજ પણ નહોતો.. અને બસ જીવ બચાવવા માટે હવાતીયા મારતા હતા.. આ શબ્દો રાજકોટના એ યાત્રાળુઓના છે જે કેદારનાથ યાત્રાએ ગયા હતા.. અને ઉત્તરાખંડમાં આવેલી ભારે આફતની વચ્ચે ફસાઇ ગયા હતા.. કેવી યાતનાઓનો સામનો કરવો પડ્યો છે આ ચાર દિવસમાં તેની કલ્પના પણ તેમને ધ્રુજાવી દે છે..

“તોફાની પવન, ભારે વ૨સાદ સૌની કંપારીઓ છુટી, ક્યાંય દવા ન મળતા જીવ તાળવે ચોંટયા, સાચી શ્રધ્ધાએ પ્રાણ બચાવ્યા”

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે દિવસ સુધી રાજકોટના યાત્રાળુઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. યાત્રાધામ કેદારનાથમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રાએ ગયેલા રાજકોટના 30 જેટલા યાત્રાળુઓ પરિવારથી વિખુટા પડી ગયા હતા. વાતાવરણ ચોખ્ખુ થતા હેલિકોપ્ટરથી તમામનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ચાર દિવસથી પરિવારથી વિખૂટા પડેલા યાત્રાળુઓ મંદિર નીચે એકબીજા મળ્યા તો આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પરિવારના સભ્યો એકબીજાને ભેટી પડી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

4 દિવસ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચાર દિવસ સુધી રાજકોટના યાત્રાળુઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, કુદરતની દયાથી હવે બધુ હેમખેમ થતા વિખૂટા પડેલા સભ્યો ફરી પરિવારને મળતા હરખની લાગણી દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલમાં રાજકોટના તમામ યાત્રાળુઓ હરિદ્વાર જવા માટે રવાના થયા છે. રાજકોટના રાજુ એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન રાજુભાઇ દોશી અને પ્રોફેસર યશવંતભાઇ ગોસ્વામી પણ સુરક્ષિત છે.

રાજકોટના તમામ યાત્રાળુઓ ફરી ભેગા થયા

રાજકોટના યાત્રાળુએ મંદિર નીચે પહોંચતા જ સુરક્ષિત હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમે 11 ઓક્ટોબરે ચારધામ યાત્રા માટે રાજકોટથી નીકળ્યા હતા. ભગવાન શિવની યાત્રામાં યાતના અને મુશ્કેલી વિના પુરી થતી નથી તેવું કહેવામાં આવે છે. આ મુશ્કેલીમાંથી અમે બધા પાર ઉતરી ગયા છીએ. અમારી પ્રાર્થના ભગવાન કેદારનાથ મહાદેવે સાંભળી અને અમને સુરક્ષિત રાખ્યા છે. ચાર દિવસથી અમારા પરિવારના સભ્યો વિખૂટા પડી ગયા હતા. પરંતુ બધા સભ્યો ફરી એકત્ર થઇ ગયા છીએ.

લોકોનું ઓક્સિજન ઘટવા લાગ્યું હતુ

આ અંગે ફસાયેલા યાત્રાળુઓએ જણાવ્યું કે, આ યાત્રા દ૨મિયાન ભારે યાતના ભોગવી જે 72 કલાક વિતાવી તે સમય અતિ ગંભી૨ પરીસ્થિતિનો હતો. કોઈ સંપર્ક નહોતો, જયારે સંપર્ક થયો ત્યારે પણ કોઈ મદદ મળી નહોતી, પરીસ્થિતિ એવી હતી કે, સૌના જીવ તાળવે ચોટયા હતા. પાંચ યાત્રાળુઓ 60 વર્ષથી મોટી ઉમં૨ના એટલે કે સિનિય૨ સિટીજન હતા. અહીં તાપમાન માઈનસ 4 ડીગ્રી થઈ ગયું હતું. સિનિય૨ સિટિજન સહિતના લોકોનું ઓક્સિજન ઘટવા લાગ્યું હતું. તેમાં પણ કોઈ દવાઓ ત્યાં મળતી ન હોવાથી ભારે કફોડી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સહિસલામત પ૨ત આવતા એવો ભાવ થયો કે, યાતના વગ૨ની યાત્રા કેવી.

પ્રાર્થનાઓ કરી સમય પસા૨ ર્ક્યો

વધુમાં યાત્રાળુઓએ કહયું કે, જયારે તેઓ ફસાયા ત્યારે 72 કલાક સુધી ભારે તોફાની પવન સાથે સતત વ૨સાદ વ૨સી ૨હયો હતો. ક્યાંય જઈ શકાય તેવી પરીસ્થિતિ ન હોતી ભૂસ્ખલનની ઘટનાના સમાચારો મળતા હતા. અતિ ડરામણા વાતાવ૨ણ વચ્ચે કંપા૨ીઓ છુટી જતી અને રૂંવાટા ઉભા થઈ જતા. જમવાનું મળી જતુ એ વાતની નિરાંત હતી. ઈશ્વ૨ને યાદ કરી પ્રાર્થનાઓ કરી સમય પસા૨ ર્ક્યો

સવારે 6 યાત્રાળુઓનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કર્યું હતું

રાજકોટની જાણિતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનનો પરિવાર અને પ્રોફેસર પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા હતા. હવે તમામ યાત્રાળુઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આજે કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ હિરાણીના પરિવાર સહિત 6 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળે પહોંચતા જ તમામે બમ બમ ભોલેના નાદ લગાવ્યા હતા. તેમજ ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેનું ગ્રુપ હરિદ્વાર જવા રવાના થયું હતું.

અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધઃ પ્રોફેસર

રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતે 30 લોકોની ટીમ સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા છે અને હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે, તેમની સાથેના તમામ યાત્રાળુઓ સલામત સ્થળે છે, પરંતુ ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે.