ઇન્ટરવ્યૂ – પરિવાર સાથે દીકરા માટે જતા હતા છોકરી જોવા પણ અચાનક રસ્તામાં…

*”ફૂલોની પાંદડી પર ભીનાશ છે આજે,*

*લાગે છે ઝાકળનો સ્વીકાર કરે છે આજે”*

ફિલ્મી હિરોથી પણ વધુ હેન્ડસમ, કામદેવના અવતાર જેવો યુવાન નિખાર ગાડી ચલાવી રહ્યો હતો. બાજુમાં બેઠા હતા તેના બિઝનેશમેન પપ્પા કિવોરભાઇ, જે હમેંશની આદત મુજબ ચૂપ જ બેઠા હતા. પાછળ બેઠા હતા, 50 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ ચહેરા પર એકપણ કરચલી ન પડી હોય તેવા જાજરમાન મમ્મી રીટાબેન, જે હમેંશની આદત મુજબ બોલબોલ કરતા હતા. આ ત્રિપુટી જતી હતી નિખાર માટે છોકરી જોવા….

image source

રીટાબેન પાછળ બેઠા બેઠા નિખારને કહેતા હતા, “બેટા… છોકરી ગરીબ ઘરની છે, તેના પપ્પા નથી, મા એ બહુ મહેનતથી ઉછેરી છે, ભણાવી છે, તું ગરીબી ન જોતો, ઘર ન જોતો, બસ છોકરીનું ભણતર અને સંસ્કાર જોજે” રીટાબેનની શિખામણો ચાલતી જ રહેત, પણ અચાનક નિખારે જોરથી બ્રેક મારી અને રીટાબેને જોયું કે એક છોકરી કાર સાથે અથડાતા અથડાતા રહી ગઇ હતી. નિખારે ગાડી ઉભી રાખી અને રીટાબેન નીચે ઉતર્યા… જોયું તો પરસેવે રેબઝેબ એક યુવતી ઝડપથી રોડ ક્રોસ કરવા જતા ગાડી સામે આવી ગઇ હતી.

રીટાબેનને જોઇને જરા સંકોચથી બોલી.., “સોરી આન્ટી… ઘરે પહોંચવાની જલ્દીમાં આવું થયું, પણ કયારની ઊભી છું, રિક્ષા મળતી નથી, અને ઘરે જવાનું મોડું થાય છે.. રોડની સામે બાજું સીટી બસ આવી એટલે ઝડપથી સામે જતી હતી..” રીટાબેને જોયું તો બસ પણ હવે જતી રહી હતી. રીટાબેને તેને ગાડીમાં સાથે બેસાડી અને કહ્યું, “ચલ અમે તને તારા ઘર સુઘી પહોંચાડીશું.. તારું ઘર કયાં છે ?” છોકરીએ સોસાયટીનું નામ કહ્યું અને રીટાબેન બોલી ઊઠયા, “અરે અમે પણ ત્યાં જ જઇએ છીએ.”

image source

ગાડીમાં બેઠા પછી રીટાબેને ધ્યાનથી જોયું તો છોકરી ખરેખર સુંદર હતી. પહેરેલો ડ્રેસ સાદો હતો, પણ તે સુંદર લાગતી હતી. બહુ ફેશનેબલ ન હતી. ઓઢણીના છેડાથી પરસેવો લૂછતા બોલી, “થેન્કયુ આન્ટી… આજે બહુ મોડું થઇ ગયું, મમ્મી ચિંતા કરતી હશે કે ઉની હજી કેમ ન આવી ?” “તારૂ નામ ઉની છે ?” રીટાબેનને નામ પર આશ્ર્ચર્ય થયું.

“ના… આન્ટી.. ઉન્નતિ નામ છે, પણ મમ્મી ઉની કહે છે, મમ્મીએ કહ્યું હતું કે આજે વહેલી આવજે, પણ જોવો ને મોડું થઇ ગયું.” આટલીવારમાં ઉનીની વાતમાં મમ્મી – મમ્મી સાંભળીને રીટાબેન સમજી ગયા કે ઉનીની દુનિયા મમ્મીમાં જ સમાય ગઇ લાગે છે. તેના શબ્દકોષમાં ‘પપ્પા’ શબ્દ કદાચ નથી. તેમણે પૂછયું, “પપ્પા નથી ? ” “ના… આન્ટી..” વધારે કંઇ બોલ્યા વગર ઉની નીચું જોઇ ગઇ. રીટાબેને પણ વધુ ન પૂછયું.

image source

પણ એક મિનિટ પછી પાછી બોલી, “પણ આન્ટી.. મારી મમ્મી છે ને… તેનો પ્રેમ બસ છે… મારી મમ્મીએ જ મને એમ.બી.એ સુઘી ભણાવી છે.” વાત કરતા કરતા તે વારંવાર ધડિયાળમાં જોઇ લેતી હતી. મોડા પડવાની ચિંતા તેના ચહેરા પર દેખાતી હતી. રીટાબેને પૂછયું, “કેમ આટલી ચિંતા કરે છે ? કયારેક આવું બની જાય… ઘરે પહોંચવામાં મોડું થઇ જાય.. મમ્મી ખીજાશે તેની ચિંતા છે ??” “ના… આન્ટી… મમ્મી તો કયારેય કંઇ ન કહે, પણ આજે છોકરાવાળા જોવા આવવાના છે એટલે સમયસર પહોંચવું પડે ને…” “ઓ..હો..હો. એમ વાત છે ? છોકરો કેવો છે ? ભણેલો છે ? નોકરી કરે છે કે ધંધો ?” રીટાબેનની વાતમાં સ્ત્રી સહજ સવાલો આવી ગયા. ” આન્ટી.. મેં જોયો નથી, પણ કહે છે કે બહુ હેન્ડસમ છે. ભણેલો પણ છે અને બિઝનેશ કરે છે, તે લોકો બહુ પૈસાવાળા છે અને એટલે જ મને ચિંતા થાય છે..” “તેમાં ચિંતા શું ? તું કયાં ઓછી રૂપાળી છો ? તું પણ ભણેલી તો છો જ ને… ”

“હા… આન્ટી એ વાત સાચી… પણ અમારી પરિસ્થિતિ સાધારણ, મમ્મીએ બહુ મહેનત કરીને મને ભણાવી… હવે તે લોકો સામે અમારૂ ઘર સાધારણ લાગે.. ઘર જોઇને જ ના પાડી દેશે એવું જ લાગે છે… અને મને તો એ જ વિચાર આવે છે કે હું તે છોકરા સાથે શું વાત કરીશ ?” ઉનીની ચિંતા તેના શબ્દોમાં છતી થતી હતી. “હમમમ… પણ આ બઘી વાતની તો તે લોકોને ખબર જ હશે ને… તું ચિંતા ન કર, પણ કદાચ વધારે પૈસાવાળા હોય તો લગ્નમાં દહેજના નામે કંઇ માંગે તો શું કરશો ?” રીટાબેન જાણે ઉનીને વધારે ડરાવતા હતા.

image source

“આન્ટી… એ જ ચિંતા છે ને… મમ્મી પાસે તો કંઇ નથી.. બસ એક જૂનું ઘર જ છે. મમ્મી કહે છે કે સારૂ ઘર અને સારો છોકરો મળતો હોય તો દહેજ આપવું પડે તો હું ઘર વેચી નાખીશ… પણ આન્ટી, પછી મમ્મી કયાં રહે ? પણ મને લાગે છે કે અમારૂ ઘર જોઇને તે લોકો મૂર્ખ હોય તો જ મને પસંદ કરશે” “હા… એ છે.. ચલ એ વાત છોડ… બીજી વાત કર… તારા શોખ શું છે ? રસોઇ આવડે છે ? ”

“અરે આન્ટી… શોખનું તો એવું છે ને કે સમય અને પૈસા હોય તો જ ઊભા થાય.. મારી પાસે તો બન્નેમાંથી કંઇ નથી.. પણ તમે પૂછો છો એટલે કહું… મને વાંચવાનો બહુ શોખ… ડાન્સ, ગરબા પણ ગમે, અને રસોઇ તો મમ્મીને આવડે છે તેટલી શીખી છું, રોજની રસોઇ બનાવી શકું, બાકી રેસ્ટોરન્ટ જેવી પંજાબી, ચાઇનીઝ, ઈટાલીયન વાનગી ન આવડે. તેના માટે કુકીંગ કલાસમાં જવું પડે ને… એ તો હું ગઇ જ નથી. ” ઉની અને રીટાબેનની વાતો ચાલતી રહી. ગુજરાતી સ્ત્રીઓના સ્વભાવમાં જ હોય કે અજાણ્યા સાથેની વાતચીતમાં પણ થોડીવારમાં બઘું પૂછી લે.. રીટાબેને પણ ઉનીને ઘણું બઘું પુછી લીઘું.

image source

વાતો ચાલતી જ રહેત… પણ નિખારે ગાડીને મારેલી બ્રેકથી બન્નેની વાતોમાં પણ બ્રેક લાગી. અને ઉની બોલી… , “બસ.. બસ . અહીં જ જવું છે… મારૂં ઘર સામે જ છે.. તમારે કોના ઘરે જવાનું છે આન્ટી..?” એમ કહેતા ઉની ગાડીની બહાર નીકળી. રીટાબેને પતિ સામે જોયું અને બોલ્યા, “કયારના ચુપચાપ અમારી વાતો સાંભળો છો , કંઇક તો કહો ?” કિશોરભાઇ ગાડીમાંથી ઉતર્યા, નિખારને પણ ઉતરવાનો ઇશારો કર્યો. રીટાબેન તો કયારના ઉતરી ગયા હતા.. ઉની મુંઝવણમાં મૂકાઇ ગઇ. ‘ચલો…’ કિશોરભાઇ એટલું જ બોલ્યા અને રીટાબેન ઉનીનો હાથ પકડીને તેના ઘર તરફ દોરી ગયા. નિખાર ચૂપચાપ પાછળ આવતો હતો. ઉની કંઇ ન સમજતા ત્રણેય સામે જોતી હતી. નિખારના ચહેરા પર તોફાની સ્મિત જોઇને તેને નવાઇ લાગી.

image source

ચારેય ઉનીના ઘરે પહોંચ્યા. ત્યાં ઉનીના મમ્મી લગભગ દોડતા બહાર આવ્યા. રીટાબેને ઉની સામે જોઇને કહ્યું, “ઉની… આ નિખાર… મારો દિકરો… અમે તને જ જોવા આવ્યા છીએ… અને હવે જોવાનું કામ પૂરૂ થઇ ગયું… હવે તો સંબંધ પાકકો… તું જ અમારી પુત્રવધૂ…” ઉની હજી ડઘાયેલી હાલતમાં હતી. એકાદ ક્ષણ કળ વળતા… ‘આન્ટી’ કહેતા રીટાબેનને પગે લાગી. રીટાબેને ગળે લગાડી… “ગાંડી… આન્ટી નહી, મમ્મી બોલ” ઉનીએ નિખાર સામે જોયું. તેની આંખોમાં પ્યાર દેખાતા શરમાઇને ‘મમ્મી’ કહીને રીટાબેનને વળગી પડી.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત