સરેરાશ દર ચાર દિવસે રાજ્ય સરકારે કર્યા પ્રજાને સ્પર્શતા નિર્ણયો, નવી પટેલ સરકારનું કામકાજનું જુઓ સરવૈયું

ગુજરાતમાં ભાજપની નવી સરકાર આવ્યા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, કોરોનાની બીજી લહેરમાં રુપાણી સરકારની કામગીરીથી કંટાળી જનતાનો મોહભંગ થઈ ચૂક્યો હતો તેમ કહી શકાય, જો કે ભાજપ આલાકમાનને ગુજરાત ગુમાવવું પોસાય તેમ નથી, અને તે પણ ત્યારે કે જ્યારે દિલ્હીમાં પીએમ અને ગૃહમંત્રી બંને ગુજરાતના હોય. ગુજરાત મોડેલના નામ પર જ ભાજપે દિલ્હીમાં અને દેશના અન્ય રાજ્યોમાં બંપર વોટ મેળવ્યા અને નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ પદેથી સીધા પીએમ પદે આરુઢ થઈ ગયા.

આમ પીએમ મોદીની સીએમથી પીએમ બનવાની સફર તેમની ગુજરાતની ઈમેજને આભારી છે, જેના હિસાબે આજે પણ મોદી સરકાર માટે ગુજરાત ઘણું મહત્વનું પુરવાર થાય છે. ગુજરાતમાં ભાજપનું સત્તાસ્થાને હોવું તે દિલ્હીની કેન્દ્ર સરકાર માટે એક પ્રતિષ્ઠાનો સવાલ પણ છે, અને એક ખાસ મુદ્દો પણ છે. આમ હાલ ગુજરાતની જૂની રુપાણી સરકારને ઉથલાવી સત્તાસ્થાને આવેલી નવી ભાજપ સરકાર પાસે જનતાને પણ આશા છે, તો સાથે જ નવા ચહેરાઓને પહેલાં જ મેદાનમાં ઉતારીને ભાજપ આપ અને કોંગ્રેસને મળતો રણનીતિક ફાયદો ખાળી નાખવા માગે છે, આમ હાલમાં આ સરકાર ભાજપ માટે એક ચાર્મ સમાન છે, જો કે આ સરકારને આરુઢ થયે એક મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, અને જનતા માટે આ સરકારે અમુક મહત્વના નિર્ણયો પણ લીધા છે.

ઘાટલોડિયાથી પહેલી વાર જ ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં સીએમ બનાવવામાં આવ્યા. નવી પટેલ સરકારના મંત્રીઓએ 16 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા. નવી સરકાર બનતાં જ તેમણે જનતાને થોડો સરળ અનુભવ આપવા માટે કેટલાક નવા નિર્ણયો લેવાના શરુ કરી દીધા. આજે પટેલ સરકારને એક મહિનો થઈ ગયો છે, ત્યારે અમે આપને ગુજરાતની જનતા માટે નવી સરકારે કરેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતી આપી રહ્યા છીએ

કોરોનાકાળમાં શિક્ષણ, સકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. પરિણામે, નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે સરકારે 13 ઓક્ટોબરના રોજ ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે બિનઅનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે, જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. આ નિર્ણયનો અમલ આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ કરવામાં આવશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. રાજ્ય સરકારે ટેટના વિદ્યાર્થીઓની પરીક્ષાની વેલિડિટી નવી શિક્ષણ નીતિ નક્કી ન થાય ત્યાં સુધી વધારવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને પરિણામે 3300 જેટલા યુવાનોને રોજગારી મળશે.13 ઓક્ટોબરના રોજ ગુજરાતના યુવાધનને માદક દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી બચાવવા સરકાર ખાસ નાર્કો રિવોર્ડ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ડ્રગ્સ તથા અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને ઈનામ આપવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે અધિકારી/કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવશે નહીં. એન.ડી.પી.એસ. અધિનિયમ- 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદે કિંમતના 20% સુધીના રિવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ.20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રિવોર્ડની મંજૂરી/ચુકવણી માટે પાત્ર રહેશે, એક જ કેસમાં રિવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રિવોર્ડ મંજૂર કરી શકાશે નહીં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14 ઓક્ટોબરના રોજ રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 ધારાસભ્યો -જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસનાં કામો હાથ ધરી શકે એ હેતુસર ધારાસભ્યદીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોના માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદૃઢ બનશે.

રાજ્ય સરકારના કામકાજની જો નોંધણી કરીએ તો દર 4 દિવસે એક નિર્ણય લીધો છે હોવાની સરેરાશ હાલમાં નીકળી રહી છે, જેમાં મોટા ભાગે જનતાને ડાયરેક્ટ સ્પર્શતા મુદ્દાઓને પણ સરકાર તરફથી આવરી લેવામાં આવ્યા છે. વર્ષોથી પેન્ડિંગ રહેલી ભરતીની જાહેરાતોથી લઈ માર્ગ મરમ્મત સહિતના મુદ્દાઓનો આ નિર્ણયોની યાદીમાં સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં, તાજેતરમાં દેશભરમાં ગાજેલા આર્યન ખાનના ડ્રગ્સકાંડ બાદ સરકારે તરત જ નાર્કો રિવોર્ડ પોલિસી પણ તૈયાર કરીને જાહેરાત પણ કરી દીધી હતી, ગુજરાતના નવા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી પણ તેમના કામને લઈને ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે, ગુજરાતમાં ગાજેલા શિવાંશ અને મહેંદી પેથાણી હત્યા કાંડમાં તેમની દેખરેખ અને શિવાંશના માતા પિતા શોધી આપવાની તપાસ કામગીરીને અંગત રીતે ધ્યાન આપીને પૂરી કરાવડાવી, સાથે જ યુવાનો માટે દિલ ખોલીને એકરાર પણ કર્યો કે હું પણ સિગરેટનો બંધાણી હતો, પણ હવે છોડી છે અને તેથી જ યુવાનોએ પણ હવે કોઈ પણ નશાના આદિ ન થવું જોઈએ. એવી શિખામણથી તેમણે ગુજરાતની જનતાનું દિલ જીતી લીધું.

રુપાણી સરકારમાં ઘણી ભરતી યોજનાઓ બાકી રહી ગઈ હતી, અને ઘણી જાહેરાતોના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ કોવિડના કારણે પરીક્ષા કેન્સલ કરાઈ અથવા પેપર ફૂટ્યાના ઘણા પ્રકરણો પણ બન્યા હતા. આને ધ્યાને લઈ અને ગુજરાતના યુવાનોને રોજગાર મળે તે માટે નવા સીએમ દ્વારા પોલીસ વિભાગની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો. 4 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

નવી સરકારમાં પહેલી જ વાર મંત્રી બનેલા બ્રિજેશ મેરજાએ પણ શ્રમિકો માટેનો મહત્વનો નિર્ણય લીધો. તેમના નેતૃત્વમાં 21 સપ્ટેમ્બરના રોજ રાજ્યના શ્રમિકો માટે ચાલતી શ્રમિક અતો ન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 10 રૂપિયામાં શ્રમિકોને ટિફિન ભરી આપતી આ યોજના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી. જોકે રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

તો સાથે જ ભાવનગરના ધારાસભ્ય અને હાલમાં જ શિક્ષણમંત્રી બનેલા જિતુ વાઘાણીએ 18 સપ્ટેમ્બરના રોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ સમયે મંત્રીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમા મંત્રી જિતુભાઈ વાઘાણીએ પદભાર સંભાળતાંની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓ માટે મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીને રૂ. 7.83 કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી હતી. જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીને રૂ. 4.51 કરોડની નાણાકીય સહાય, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કુલ 94 વિદ્યાર્થિનીને રૂ.2.67 કરોડની નાણાકીય સહાય અને શોધ યોજના અંતર્ગત કુલ 429 વિદ્યાર્થીને રૂ.64.35 લાખની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત 5 યુનિવર્સિટી અને 5 સંસ્થાને કુલ રૂ. 86.45 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આની સાથે જ 25 ઓક્ટોબરના રોજ ખાદી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરીને તમામ શિક્ષકો અને તેને સંલગ્ન કર્મચારીઓને ખાદીના વસ્ત્રો પહેરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

22 સપ્ટેમ્બરના રોજ પટેલ સરકારે પહેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાંનું નુકસાન સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ભારે વરસાદથી ઘરવખરીને નુકસાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની રૂ. 3800ની સહાયમાં મંત્રીમંડળે વધારાના રૂ.3200ની સહાય આપીને પરિવારદીઠ રૂ.7000 ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તીવ્ર વરસાદથી જે ઝૂંપડા નાશ પામ્યાં છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. 5900નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર, નાશ પામેલાં ઝૂંપડાં માટે SDRFના રૂ. 4100માં રાજ્ય સરકારના વધારાના રૂ. 5900 મળી હવે ઝૂંપડાદીઠ રૂ.10 હજારની સહાય અપાશે. SDRFનાં ધોરણો મુજબ રૂ.30 હજારની પશુ મૃત્યુ સહાય પશુદીઠ મળતી હતી. એમાં વધારાના રૂ.20 હજાર રાજ્ય સરકાર આપશે એવો પણ નિર્ણય કર્યો હતો. આમ, હવે દુધાળાં મોટાં પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુદીઠ રૂ. 50 હજારની સહાય પશુપાલકોને અપાશે. વર્ષોથી પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન રહેલા રસ્તાની મરામતનો પ્રશ્ન ઉકેલવા માર્ગ-મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ 1 ઓક્ટોબરથી ‘માર્ગ મરામત મહાઅભિયાન’ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. 1થી 10 ઓક્ટોબર સુધી ચાલેલા આ મરામત મહાઅભિયાન હેઠળ જે કોઈ નાગરિકોને રસ્તાના પ્રશ્નો હોય તેઓ વ્હોટ્સએપ દ્વારા મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી, જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ એટલે રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ શરૂઆતના તબક્કામાં 7 હજાર જેટલી ફરિયાદ આવતી હતી તૂટેલા રસ્તાઓ મુદ્દે, પરંતુ હવે દિવસની માત્ર 1500 જેટલી ફરિયાદ આવી રહી છે.

આમ 25 વર્ષથી ભાજપના હાથમાં ગુજરાતની સત્તાના સૂત્રો છે, અને કોંગ્રેસથી નારાજ જનતા પણ છેલ્લે તો ભાજપ પર જ ભરોસો કરી જાણે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રૂપાણી સરકારની કામગીરી સામે નારાજગી હોવાનું વારંવાર આલકમાનને ધ્યાને આવતા તેમજ અધિકારી રાજ ચાલી રહ્યું હોવાની પ્રજામાં ઈમેજ બની જતાં હાઈકમાન્ડ ટેન્શનમાં મૂકાઈ ગયું. અને ગુજરાતને ખોઈ નાખવાની ભીતિ લાગી. ભાજપ હાઈકમાન્ડને પણ એન્ટીઈન્કમ્બન્સીનાં એંધાણ વર્તાવા લાગ્યાં હતાં. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાવિરોધી લહેર ખાળવા માટે હાઈકમાન્ડે એક મોટો નિર્ણય કર્યો કે પ્રજાની અપેક્ષા પર ખરા ઉતારવા માટે હવે સરકાર બદલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોંગ્રેસને 25 વર્ષથી સત્તાથી દૂર રાખવામાં આવી છે, ત્યારે જનતાની અપેક્ષાઓ સંતોષવી જ રહી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ સપ્ટેમ્બરમાં રાતોરાત આખી ગુજરાત સરકાર બદલવામાં આવી. મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળે રાજીનામું તો ધરી જ દીધું, તો સાથે જ નવા મુખ્યમંત્રીની સાથે નવા ધારાસભ્યોને પણ મંત્રીપદે આરુઢ કરાવવામાં આવ્યા. આમ હાલ તો આખી સરકારમાં ધરમૂળથી પરિવર્તન દેખાઈ રહ્યું છે અને નવી સરકારની કામગીરી અને નિર્ણય કરવાની ઝડપ અને તેને લાગૂ કરવાની નીતિથી ભાજપને હાલમાં ચૂંટણીમાં ચોક્કસપણે ફાયદો મળે તેવા એંધાણ સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે.