હનુમાનજીની મૂર્તિ વિશે આ વાત વહેતી થઈ ગામમાં અને 300 લોકો એકત્ર થઈ ગયા મંદિરમાં
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરાયાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ પણ લોકોને અટકાવવા સાવચેત અને ખડે પગે રહે છે પણ સોશિયલ મીડિયામાં ક્યારેક એવી અફવાઓ વહેતી થાય છે કે તેનાથી લોકડાઉનના ધજાગરા ઉડી જાય તેવા દ્રશ્યો સામે આવે છે.

આવી જ ઘટના તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં એક હનુમાનજીના મંદિરની નજીક અચાનક ભીડ એકઠી થઈ ગઈ હતી. અફવા એવી ફેલાવા લાગી હતી કે હનુમાનજીની આંખમાંથી લોહી નીકળી રહ્યું છે. આ સ્વરુપના દર્શન કરવા માટે અહીં જનમેદની એકત્ર થઈ ગઈ હતી. લોકો એકત્ર તો થયા પરંતુ સાથે જ સેલ્ફીઓનો દોર પણ શરુ થઈ ગયો.
કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે લોકોને સામાજિક અંતર જાળવવા ચેતવવામાં આવી રહ્યા છે તેવામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું પોલીસ માટે ચિંતાજનક સ્થિતિ બની હતી. જો કે લોકો જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સમજાણું કે આ વાત અફવા હતી.
આ વાત પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો અને લોકોને તેમના ઘરે પરત મોકલ્યા. પોલીસના જણાવ્યાનુસાર આ અફવાને સત્ય માની લગભગ 300 જેટલા લોકો લોકડાઉનનો ભંગ કરી રસ્તા પર નીકળી પડ્યા હતા.