શા માટે 70 હજાર પોલીસ કર્મચારીઓના પરિજનોએ શરૂ કર્યું આંદોલન?

સામાન્ય જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેતી પોલીસનું નામ હાલ આંદોલનને લઇને ચર્ચામાં છે. રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા પોલીસ કર્મીઓ છે જેમાંથી 70000 વર્ગ-3ના કર્મચારીઓ છે. આ વર્ગ-3ના પોલીસ કર્મચારીઓના પરિજનો હાલ આંદોલનના માર્ગે ચડયા છે. વર્ગ-3ના પોલીસ કર્મચારીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, એસઆરપી જવાન અને નશાબંધી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જે લોકો આંદોલન વિશે જાણતા જ નથી તેમના મનમાં એક પ્રશ્ન થશે કે પોલીસ કર્મચારીઓનો પરિજનો શા માટે આંદોલન કરી રહ્યા છે કારણ કે પ્રશ્ન તો પોલીસ કર્મચારીઓના છે.? તો આ પ્રશ્નનું સરળ જવાબ એ છે કે પોલીસ કર્મીઓ આંદોલન કરી શકતા નથી એટલા માટે જ તેમના તરફથી આંદોલનની કમાન તેમના પરિવારજનોએ સંભાળી છે. હવે વાત કરીએ આંદોલનના મુદ્દાની અને આંદોલનની શરૂઆત ની.

પોલીસ આંદોલનની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી શરૂ થઈ હતી જોતજોતામાં આ આંદોલનને કેટલીક સંસ્થાઓ, સમુદાયો અને નેતાઓનું સમર્થન મળ્યું અને સૌથી મોટું સમર્થન સોશિયલ મીડિયાએ પૂરું પાડ્યું. હવે આંદોલન નિર્ણાયક તબક્કે પહોંચી ચૂક્યું છે. આંદોલન કરતા પોલીસ પરિવારની આમ તો 23 માંગણીઓ છે પરંતુ તેમાં બે સૌથી મહત્વની માગણીઓ છે જેના પર પોલીસ પરિવાર અડગ છે.

જેમાં એક માંગણી છે યુનિયન બનાવવા માટેની મંજૂરી ની અને બીજી છે એ ગ્રેડ પે ની. ગ્રેડ પેને લઈને પોલીસ કર્મચારીઓ શા માટે મેદાને આવ્યા છે તે વાત સમજવા માટે ગ્રેડ પે ના ગણિત ને સમજવું જરૂરી છે. વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે 20000 ફિક્સ પગાર મળે છે. ત્યારબાદ 1800ના ગ્રેડ પ્રમાણે 19,500 જેટલો પગાર મળે છે જેમાં મેડિકલ, સાયકલ, વોશિંગ સહિતના અલાઉન્સ નો સમાવેશ થાય છે. આ બધું થઈને તેમને માસિક 24 હજારનો પગાર મળે છે. તેવામાં હવે કોન્સ્ટેબલ ની માંગ છે કે તેમને 2800નો ગ્રેડ પે મળવો જોઈએ જેથી તેમનો પગાર વધીને 30 હજાર જેટલો થઈ જાય.

આ રીતે હેડ કોન્સ્ટેબલ ની માંગણી 3600 ના ગ્રેડ પેની છે જ્યારે એએસઆઇની 4200ના ગ્રેડ પે ની માંગણી છે. જો સરકાર આ તમામ ની માંગણી પૂર્ણ કરે તો દરેક કર્મચારી નો પગાર હાલ કરતાં દોઢ ગણો વધી જાય. ગ્રેડ પે ને લઈને આ આંદોલન ત્યારે શરૂ થયું જ્યારે એસ.ટી નિગમના કર્મચારીઓના પગારમાં વધારો થયો. આ સિવાય પોલીસ કર્મચારીઓની જે બીજી માંગણી છે તે છે યુનિયન બનાવવાની. આ બને માંગ પર સરકાર રાજી થવા એટલા માટે તૈયાર નથી કે જો પગાર વધારો થાય તો સરકારી તિજોરી પર ભારણ વધે અને જો યુનિયન બને તો પોલીસ કર્મીઓની હડતાલ થવાની શક્યતા વધી જાય. જેના કારણે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે છે.