હવે એસ.જી હાઈવે પર ટ્રાફિકમાં નહીં બગડે કલાકનો સમય, ગૃહમંત્રીએ કર્યું એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન અમદાવાદ શહેર માટે ટ્રાફિકની સમસ્યા વર્ષો જૂની છે. તેમાં પણ એસજી હાઈવે સતત વ્યસ્ત રહેતો રસ્તો છે. અહીંથી રોજ લોકોને પસાર થવું પડે છે તેવામાં લોકોને અહીં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે આ સમસ્યા હવે હળવી થઈ જશે. કારણ કે સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે.

image soucre

31 ઓક્ટોબરથી ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

આ લોકાર્પણ બાદ અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ રહેતા રોડ પર લોકોને ટ્રાફિક જામમાં ફસાઈ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં જ આવે છે. એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોર ખુલ્લો મુકાતા તેનાથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે. આ જંકશન એવા છે જે દિવસભર વ્યસ્ત રહે છે અને લોકોને આ જગ્યાઓએ જ ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી 1.48 કી.મી. લાંબો ફ્લાયઓવર પહેલાથી જ કાર્યરત છે, જ્યારે હવે તૈયાર થયેલા 2.360 કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ 4.18 કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-147 ના 44 કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી 913 કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.