યુક્રેનના સૈનિકોએ અમદાવાદના સ્ટુડન્ટ્સ ને કહ્યું-ભારતે મદદ નથી કરી એટલે તમને જવા દેવામાં નહીં આવે, ફાયરિંગ પણ શરૂ કરી દીધું

રશિયા અંને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનની સ્થિતિ ખરાબ છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ સરકાર પાસે તેમને પરત લાવવાની મદદ માંગી રહ્યા છે. સરકાર દ્વારા તેમને લાવવા માટે ગંગા મિશન શરુ કરવામાં આવ્યું છે. જે હેઠળ વિદ્યાર્થીઓને પરત વતન લવાઈ રહ્યા છે. લગભગ 700 વિદ્યાર્થીઓ ભારત પરત આવી ચુક્યા છે. ત્યારે હજુ હજારો વિદ્યાર્થીઓ પોલેન્ડ સરહદ પર ફસાયેલા છે. જેમાંથી અમદાવાદના મનિષાબેન નાયકને તેના પુત્ર શિવમે યુક્રેન-પોલેન્ડ બોર્ડર પરથી ફોન કર્યો હતો. હવે મોબાઈલ બંધ થઈ ગયા છે. ઈન્ટરનેટ પણ નથી એટલે 24 કલાકથી સંપર્ક નથી. મનિષાબેન સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી ત્યારે તેમણે કહ્યું, શનિવારે તો યુક્રેનના સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. યુવતીઓને અપશબ્દો કહી રહ્યા છે. આ ફાયરિંગમાં ગોળી વાગી ગઈ તો જવાબદારી કોની..? આટલું બોલીને મનિષાબેન રડી પડે છે.

તેમણે કહ્યું, મારો દીકરો શિવમ અને મારી બહેનનો ભાણેજ સિદ્ધ યુક્રેનના ટર્નોપિલ શહેરની નેશનલ યુનિવર્સિટીમાં MBBS કરે છે. ભારતના બીજા કેટલાક સ્ટુડન્ટ્સ પણ છે. ટર્નોપિલમાં યુદ્ધનો માહોલ ખાસ નહોતો એટલે ત્યાં સ્ટુડન્ટ્સને લોકલ એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તમે હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને ચેકોસ્લોવેકિયા પહોંચી જાવ. ત્યાં તમને ઈન્ડીયન એમ્બેસી મદદ કરશે. ટર્નોપિલ શહેરથી રોમાનિયા 580 કિલોમીટર થાય અને હંગેરી 650 કિલોમીટર થાય. 200 કિલોમીટરના અંતરે પોલેન્ડ જ નજીક હતું. એ સ્ટુડન્ટ્સનું ગ્રુપ ત્યાં જવા નીકળ્યું.

image source

યુક્રેનના લોકલ એજન્ટોએ સ્ટુડન્ટ્સ માટે ટેક્સી અને બસની વ્યવસ્થા કરી આપી. પણ પૈસા સ્ટુડન્ટ્સે આપવાના. બસ ડ્રાઈવર પણ ગેરલાભ લઈ ઊંચી રકમ વસૂલવા લાગ્યા. યુક્રેનની કરન્સીને ‘ગ્રેવન’ કહે છે. ભારતના ત્રણ રૂપિયા એટલે યુક્રેનનો એક ગ્રેવન. જે બસમાં અમદાવાદનો શિવમ નાયક બેઠો તેમાં 70 સ્ટુડન્ટ્સ હતા. દરેક સ્ટુડન્ટ્સ પાસેથી બસ ડ્રાઈવરે 2800 ગ્રેવન એટલે ભારતના 8400 રૂપિયા લીધા.

140 કિલોમીટર બસ ચાલ્યા પછી અડધે ઉતારી દેવાયા. અહીંથી 30 કિલોમીટર ચાલવું પડશે. સવારે 7:30 વાગ્યે સ્ટુડન્ટ્સ બસમાં બેઠા હતા અને અધવચ્ચે ઉતાર્યા ત્યારે બપોરે 4:30 વાગી ગયા હતા. પહેલાં 30 કિલોમીટર ચાલ્યા પછી બીજા 30 કિલોમીટર ચાલવાનું હતું. રાત પડી ગઈ હતી. રસ્તામાં અધવચ્ચે એક તરફ બેસીને કાતિલ ઠંડીથી બચવા તાપણું કર્યું. હજી તો લાકડીઓ ગોઠવીને પ્રગટાવે ત્યાં સ્નોફોલ થયો.

image source

પોલેન્ડ બોર્ડરથી એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે યુક્રેનના બંદૂકધારી સૈનિકોએ ભારતીય સ્ટુડન્ટ્સને રોક્યા અને કહ્યું, તમને આગળ જવા દેવા એવી કોઈ સૂચના તમારી એમ્બેસી તરફથી મળી નથી. અને આમ પણ તમને તો યુક્રેનની બહાર નહીં જવા દઈએં, કારણ કે ઈન્ડિયાએ યુક્રેનની મદદ નથી કરી. તેમણે કહ્યું, બીજા દિવસથી તો મારા દીકરા સાથેનો સંપર્ક થઈ શકતો નથી. ફોન બંધ થઈ ગયા છે. નેટ નથી. માઈનસ 15 ડિગ્રી તાપમાન છે. ત્યાં સ્ટુડન્ટ્સની શું હાલત છે તે ખબર નથી. યુક્રેનના સૈનિકો તો હવે આક્રમક બની રહ્યા છે. યુવતીઓને અપશબ્દો બોલે છે અને હવામાં ફાયરિંગ કરે છે. કોઈને ગોળી વાગી જાય તો જવાબદાર કોણ? મનિષાબેને એમ પણ કહ્યું કે, હવે આ સ્ટુડન્ટ્સ હંગેરી જઈને ત્યાંથી ભારત પરત આવે તેવા પ્રયાસો સ્ટુડન્ટ્સ પોતે જ કરી રહ્યા છે. હવે છેલ્લે એ લોકોની શું સ્થિતિ છે, તે ખબર નથી.

યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની બીજી ઈવેક્યુએશન ફ્લાઈટ રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુક્રેનથી લવાયેલા ભારતીયોનું એરપોર્ટ પર ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. ભારતે રશિયન દળોના આક્રમણ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ AI 1944 બુકારેસ્ટથી 219 લોકોને મુંબઈ લઈ આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ AI1942 250 ભારતીય નાગરિકોને લઇને શનિવારે મોડી રાત્રે લગભગ 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. રવિવારે યુક્રેનથી ત્રીજી ફ્લાઇટ ભારત પહોંચી ચુકી છે. ત્રીજી ફ્લાઇટમાં 240 ભારતીય સુરક્ષિત સ્વદેશ પહોંચ્યા છે. વિદેશ મંત્રી એક જયશંકરે ટ્વીટ કર્યું કે, ‘240 ભારતીય નાગરિકો સાથે ઓપરેશન ગંગાની ત્રીજી ફ્લાઇટ બુડાપેસ્ટથી દિલ્હી પહોંચી ગઈ છે.