જામનગરમાં યૌનશોષણ મામલે પીડિતાઓએ કર્યા મોટા મોટા ઘટસ્ફોટ, ભટકાઈને ચાલતો, રાત્રે બોલાવતો, હાથ પકડી લેતો…..

કોરોના કાળમાં હોસ્પિટલો લોકો માટે ભગવાન જેવી સાબિત થતી હતી. ત્યારે દવાખાના અંદર શું ખેલ થતા હતા એ હવે જામનગરથી બહાર આવ્યું છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ યુવતીઓનું યૌનશોષણ થતું હોવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે અને હજુ એમા કોઈ નક્કર સોલ્યુશન આવ્યું નથી. રાજ્ય સરકારે ત્વરિત એક્શન માટે હુકમો પણ કર્યા હતા અને જિલ્લા કલેકટરે એએસપી, ડીન અને પ્રાંત અધિકારીની તપાસ સમિતિની રચના કરી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ કમિટી દ્વારા લેવામાં આવેલાં નિવેદનો ફેરવી નખાતાં હોવાના યુવતીઓએ આક્ષેપ કર્યા હતાં અને ફરી એકવાર આ મામલે મોટાપાયે મેદાને આવ્યો છે.

image source

હવે એવી પણ માહિતી સામે આવી છે કે યૌનશોષણકાંડમાં પીડિતાઓને ન્યાય અપાવવા મેદાને પડનારાં જામનગરનાં મહિલા અગ્રણી શેતલબેન શેઠે પેરેલલ ઇન્કવાયરી કરવાનો નિશ્રય કર્યો અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કોમલબેન ભટ્ટ તથા એડવોકેટ નિમિષાબેન ત્રિવેદીને સાથે રાખીને તેમણે પીડિત યુવતીઓનાં નિવેદનો નોંધીને નોટરાઇઝ્ડ પણ કરાવ્યાં હતાં. યૌનશોષણ મામલે કૂલડીમાં ગોળ ભાંગી લેવાના કોઇપણના કાવા-દાવા ચાલી ન જાય અને પીડિતાઓને ન્યાય મળે એવા હેતુથી હાલમાં અમુક યુવતીઓના નિવેદનો પણ સામે આવ્યા છે કે જે સાંભળીને કોઈપણ હચમચી જાય એવું છે.

હાલની પરિસ્થિતિ એવી છે કે અટેડન્ટ યુવતીઓના યૌનશોષણ મામલે આખું એક અઠવાડિયું થઈ ગયું છતાં હજુ પોલીસે ફરિયાદ સુદ્ધાં પણ નથી લીધી. મોટાં માથાંને છાવરવાની આ નીતિ સામે મહિલા ન્યાય મંચનાં પ્રણેતા શેતલબેન શેઠ સહિતનાં મહિલા અગ્રણીઓ તા. 22ને મંગળવારે સવારથી લાલબંગલા સર્કલ પાસે ધરણાં પર બેસવાનાં છે. શેતલબેને કહ્યું હતું કે જયાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.

અહીં જુઓ કે કેવી કેવી રીતે આ નરાધમો શોષણ કરતા હતા.

મારું સેટિંગ કરાવી આપ નહીંતર ઘરે બેસવાનો વારો આવશે

image source

એક યુવતી આ મામલે વાત કરે છે અને કહે છે કે તે માણસે મને કહ્યું હતું કે તું મારું સેટિંગ કરાવી દે તો જ તારી નોકરી બચી શકશે, નહીંતર તારે ઘરે બેસવાનો વારો આવશે એ પણ નક્કી છે. યુવતીઓની સાથે તેનું વર્તન ખૂબ જ ખરાબ રહેતું હતું. એ એવું પણ કહેતો કે રૂપાળી યુવતીઓને તો નાઇટ શિફ્ટમાં જ રાખવાની. ગમે ત્યારે ગમે તેની છેડછાડ પણ કરી લેતો’

મારો ફોટો પડાવીને કરી બ્લેકમેઇલ

બીજી એક યુવતી એવું કહે છે કે આંખમાં તકલીફ થઇ હોવાથી મેં આંખો બંધ રાખી હતી, એ સમયમાં જ તેણે એક સુપરવાઇઝરને મોકલીને મારો ફોટો પડાવી લીધો હતો. એ ફોટો મને બતાવીને કહેતા કે તને નોકરીમાંથી કઢાવી શકું છું. મારી સાથે રિલેશન રાખીશ તો જ તું નોકરી કરવાને લાયક રહીશ

5 મિનિટ મોડા પડે તો પગાર કટ થઈ જાય

image source

આ સાથે જ એક યુવતીએ વાત કરી હતી કે જે યુવતીઓ તેનું કહ્યું ન માને તેને અનેક રીતે હેરાન કરવામાં આવતી હતી. આવી યુવતી પાંચ મિનિટ પણ મોડી પડે તોપણ તેનો પગાર કાપી લેવાતો. આવી રીતે મહિનામાં ચાર-પાંચ દિવસનો પગાર કપાઇ જાય તો ઘરમાં પણ પ્રશ્નો સર્જાતા હતા અને કંઈ કહી પણ નહોતું શકાતું

નોકરીના 24 કલાકમાં જ કડવો અનુભવ

એક યુવતીએ અઘરો અનુભવ શેર કરતાં વાત કરી કે હું નોકરીમાં જોઇન્ટ થઇ એના 24 કલાકમાં જ મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું, આથી હું તરત જ ત્યાંથી નીકળીને ઘરે ચાલી ગઇ હતી અને મારા પપ્પાને કહી દીધું હતું કે હવે હું ત્યાં નોકરી કરવા માટે નહીં જાવ. પપ્પાએ મને કારણ પણ પૂછ્યું કે શા માટે તું આવું બોલે છે.

ગમે ત્યારે યુવતીઓનો હાથ પકડી લેતો

image source

અન્ય એક યુવતીએ કહ્યું કે-અટેડન્ટ યુવતીઓની સાથે તેનું વર્તન અત્યંત અણછાજતું જ રહેતું. તે માણસ ગમે ત્યારે – ગમે તેનો હાથ પકડી લેતો, ભટકાઇ-ભટકાઇને જ ચાલતો હતો. જોકે તેની સામે અવાજ ઉઠાવીએ તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવે એટલે અમે ચૂપ રહીને બધું સહન કરતી હતી.

ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલાં પણ આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે એ સમયે વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, હિનાબેન અગ્રાવત, દુર્ગાવાહીનીના સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર, મયુરીબેન લાખાણી, સ્વરૂપાબા જાડેજા, મજુબેન ઠાકુર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.