પ્રોફેસર નવીનભાઇએ ટુ વ્હીલર પર જઇને ગરીબોનું પેટ ઠારવાનુ કર્યુ છે ઉત્તમ કામ

અમદાવાદના એક પ્રોફેસરે લોકડાઉનમાં પોતાના ટુ વ્હીલર પર શહેરના ખૂણે-ખૂણે ફરીને જરુરિયાતમંદોને, જાનના જોખમે અને ગાંઠના પૈસે, રાશન-કીટ પહોંચાડીઃ પ્રો. નવીનભાઈ પટેલની માનવતાની ઉજળી અને રસપ્રદ વાતો…

અમદાવાદ શહેરની જીએલએસ આર્ટસ કોલેજના સાયકોલોજી વિભાગના વડા (હેડ) શ્રી નવીનભાઈ પટેલ 14મી જૂન-2020ના રોજ 62 વર્ષે નિવૃત્ત થયા. જોકે, તેમણે અનોખી કહી શકાય તેવી સેવાકીય પ્રવૃત્તિ કરીને પોતાની ‘નિવૃત્તિ’ ને ઉજળી કરી. પોતાના નિવૃત્તિ પ્રવેશને તેમણે યાદગાર બનાવ્યો. લોકડાઉનમાં શું શું કર્યું પ્રો. નવીનભાઈ પટેલે ?

તેમણે સંકલ્પ કરેલો કે મારો એક પગાર જરુરિયાતમંદોને આપીશ. દોઢ લાખ રુપિયાનું તેઓ કરિયાણું લઈ આવ્યા. તેઓ પાલડીસ્થિત ભગવાનની ચાલીમાં રહે છે. તેમણે ઘઉંનો લોટ, ચણા, દાળ, ચોખા, ખાંડ, ગોળ, મરચું-મીઠું, હળદળ, ચ્હા વગેરેની કીટ બનાવી. 750 કીટ બની. એ પછી પ્રોફેસર સાહેબ પોતાના દ્વિચક્રી વાહન પર દરરોજ સવાર-સાંજ પાંચ-સાત કીટ લઈને નીકળી પડે. સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક તેમની દાન-પ્રવૃતિ ચાલે.

દાણીલીમડા, વટવા, અમરાઈવાડી, શાહપુર, દરિયાપુર… શહેરના ખૂણે ખૂણે ફરે અને જરુરિયાતમંદોને પોતે જ સન્માનપૂર્વક રાશન કીટ આપે. એ વખતે ગરીબોને તો સરકાર અને સંસ્થાઓ ખોબલે ખોબલે આપતી હતી, પણ નિમ્ન મધ્યમ વર્ગના એવા સેંકડો પરિવારો હતા જેઓ બોલી શકતા નહોતા, પણ તેમને રાશન કીટની જરુર હતી.

લોકડાઉનના બીજા તબક્કામાં તો એવું બન્યું કે આપનારા પોતે ખાલી થઈ ગયા હતા અને તેમને પોતાને જ જરુર પડી હતી. જેટલું પોતાના પાસે હતું એટલું આજુબાજુવાળાને કે જરુરિયાતમંદને આપી દીધું. સમાજના આવા આંતરપ્રવાહોની આપણને ખબર હોતી નથી, પણ આવું ખરખર હોય છે. પ્રોફેસર સાહેબે જાત તપાસ કરીને આવા પરિવારોને શોધી શોધીને, તેમનું સંપૂર્ણ માન સચવાય તે રીતે, સામે જઈને, કોઈને સહેજે ગંધ પણ ન આવે તે રીતે રાશન કીટ્સ આપી. એમ કહો કે પ્રોફેસર સાહેબે સેંકડોજનોના ભભૂકતા જઠરાગ્નિમાં આહૂતિ આપી.

સારા કામની સુગંધ તરત જ પ્રસરતી હોય છે. પ્રો. નવીનભાઈની કામગીરીને પગલે તેમના નજીકના મિત્રો, લંડનસ્થિત ભાણો, સાથી પ્રોફેસરોએ ભરેલા હૃદયે હાથ લાંબો કર્યો. આર્થિક ભંડોળ મળ્યું એટલે પ્રોફેસર સાહેબમાં વધારે ઊર્જા આવી અને તેમનું એક્ટિવા વધુ ગતિથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં દોડવા લાગ્યું.

એક બનાવ નોંધવા જેવો છે.

આશ્રમ રોડ પરના કોચરબ આશ્રમ સામેના એક ફ્લેટમાં એક પરિવાર રહે. એક વિધવા માતા પોતાના પુત્ર સાથે રહે. નાનકડો ધંધો કરીને માંડ-માંડ પૂરું કરનારો આ પરિવાર લોકડાઉનમાં ભારે મુશ્કેલીમાં આવી ગયો હતો. ફ્લેટ ગણો તો 50-60 લાખ રૂપિયાનો પણ ઘર ચલાવવા માટે આવક કશું જ નહીં. (આવું ઘણા પરિવારો સાથે બન્યું છે) પ્રોફેસર સાહેબને વાયા-વાયા ખબર પડી. તેમણે સંપર્ક નંબર મેળવીને, પૂરા સન્માન સાથે તેમને રાશન કીટો પહોંચાડી.

આવાં તો અનેક ઉદાહરણો બન્યાં. તેમણે ધર્મ-જાતના ભેદભાવ વિના રાશનકીટ વહેંચી. 38 મુસ્લિમ પરિવારો, સાત શીખ પરિવારો, 45 જૈન કુટુંબો, દસ ખ્રિસ્તી પરિવારો અને બીજા હિંદુ પરિવારો… ધર્મ-નાત-જાતનો કોઈ જ ભેદભાવ નહીં.

પ્રો. નવીન પટેલે પોલીસો તથા સ્વયંસેવકોને પ્રારંભમાં સેનેટાઈઝર પણ વહેંચ્યાં. એકદમ શરૂઆતમાં તો તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન સ્વયંસેવકોની ટીમમાં મોટી ઉંમરને કારણે નહોતા લેવાયા તો જીદ કરીને તેઓ 62 વર્ષના સ્વયંસેવક બન્યા. એ પછી તો તેમણે અનેકવિધ સેવા-કાર્યો કર્યાં. એક મહિનો તેમણે સિનિયર સિટિઝન્સ માટે દોડી-દોડીને ફૂબ કામ કર્યું હતું. તેઓ કહે છે કે હું રેડ-ઓરેન્જ-ગ્રીન દરેક રંગના ઝોનમાં ફર્યો હતો. માનવતાના રંગે રંગાયેલો માણસ બધા જ ઝોનમાં જાય..

પ્રો. નવીન પટેલ પહેલેથી જ સેવાભાવી છે. તેઓ 20 વર્ષથી અગરિયા સંતાનો માટે છાત્રાલય સાથેની શાળા ચલાવે છે. આ શાળા કચ્છના રણના કાંઠે દસાડાથી પાંચ કિલોમીટરના અંતરે વડગામમાં આવેલી છે. મીઠું પકવતા અગરિયાના છોકરા-છોકરીઓ અહીં કર્મઠ અને પ્રતિબદ્ધ વશરામભાઈ મકવાણાના નેતૃત્વમાં રહે છે. (આ સંસ્થા અને તેના વાહક વશરામભાઈ મકવાણાની આખી જુદી સ્ટોરી છે.) આ સંસ્થામાં ભણતાં અગરિયાનાં છોકરા-છોકરીઓનું પરિણામ કાયમ 100 ટકા આવે છે. આ સંસ્થાના સ્થાપક અને વિસ્તારક છે, પ્રો. નવીનભાઈ પટેલ. તેમણે પોતે અનુદાન આપ્યું છે અને તેમના પ્રયાસોથી સમાજમાંથી પણ ઘણું દાન મળ્યું છે.

પ્રો. નવીનભાઈ આવાં તો ઘણાં સામાજિક કાર્યો કરે છે. તેમની એક માત્ર દીકરી પરણીને પૂણેમાં સ્થિત છે. તેમનાં જીવનસાથી પ્રો. તૃપ્તિબહેન પટેલ પણ પ્રોફેસર છે.

અમદાવાદનો કોઈ પ્રોફેસર ચાલીમાં રહેતો હોય તે જાણીને નવાઈ લાગે. એક ચાલીમાં રહેતા આ પ્રોફેસર ખરેખર નોખા છે, અનોખા છે.
લોકડાઉનનમાં, સન્નાટો બની ગયેલા શહેરમાં, પોતાના ટુ-વ્હીલર પર શ્રમિક વિસ્તારોમાં રાશનની કીટ વહેંચતા 62 વર્ષના પ્રોફેસરનું દૃશ્ય આંખ સામે આવે તો કોઈ ફિલ્મ મેકરને ચોક્કસ ફિલ્મ બનાવવાનું મન થઈ જાય !

આવાં રૂપાળાં દૃશ્યો સાબિતી આપે છે કે માનવતા હજી જીવે છે. માણસમાં હજી નિઃસ્વાર્થ પ્રેમનો ઝરો વહે છે.

પ્રો. નવીનભાઈ પટેલ અને તેમની ટીમને 11 દરિયા ભરીને અભિનંદન. તેમનો સંપર્ક નંબર છેઃ 9825150323.

(એક ખાસ વાતઃ લાભાર્થીનું માન સચવાય એટલે તેમણે રાશન કીટ કે કોઈ પણ ચીજ આપતી એક પણ તસવીર લીધી નથી… અહીં જે તસવીરો રજૂ કરી છે તે રાશન કીટ બનાવતી ટીમની તસવીરો છે. તેમાં પ્રોફેસર સાહેબ પણ છે.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત