સાચી સેવા આ કહેવાય, દર્દીઓની મદદ માટે વેચી નાંખ્યા પત્નીના ઘરેણા અને ઓટોને બનાવી નાખી એમ્બ્યુલન્સ

ભારતમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકો નિયમોનું પાલન કરવા તેમજ જરૂરીયાતમંદોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. કેટલાક ઓક્સિજન માટે પૈસા દાન આપી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોને મફત ખવડાવી રહ્યા છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ મદદ માટે આગળ આવી રહ્યો છે. કોરોનાનાં કેસ એટલાં વધી રહ્યાં છે કે એમ્બ્યુલનસ ઓછી પડી રહી છે. આ સમયે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક વ્યક્તિએ કોવિડ દર્દીઓની મદદ માટે કંઈક કર્યું કે જેના કારણે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વ્યક્તિએ પોતાની ઓટોને કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સનો લુક આપ્યો છે અને માત્ર આટલું જ નહી ઓટોમાં અન્ય સુવિધા મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે.

image source

મળતી માહિતી મુજબ એક ઓટો ડ્રાઇવર જાવેદ ખાને દર્દીઓને મફતમાં હોસ્પિટલમાં લઈ જવા માટે તેના ઓટોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી દીધો છે. કોરોના દર્દીઓમાં સતત વધારો થવાને કારણે એમ્બ્યુલન્સની અછત છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પણ જરૂરિયાતમંદોને પોતાનાથી બનતી મદદ કરવા આગળ આવી રહ્યાં છે.

image source

જાવેદ ખાન પણ દર્દીઓની મદદ માટે આગળ આવ્યો છે. તેની સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર જોયું કે એમ્બ્યુલન્સનાં અભાવને કારણે લોકોને કેવી રીતે હોસ્પિટલોમાં લઈ જવામાં આવે છે તે જોયું છે. તેથી મે તેમને મદદ કરવા માટે આવો નિર્ણય કર્યો છે.

image source

જાવેદ આ વિશે આગળ વાત કરતાં કહ્યું હતું કે મેં આ કામ માટે મારી પત્નીના ઘરેણાં પણ વેચ્યા છે. ઓક્સિજન સેવા પણ ઓટોમાં જ મળી રહે તે માટે હું રિફિલ સેન્ટરની બહાર લાઇનમાં ઉભો રહું છું અને ઓક્સિજન મેળવું છું. તેણે લોકોને કહ્યું કે મારો મોબાઇલ નંબર સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ ન હોય તો લોકો મને બોલાવી શકે છે. હું કોઈ પણ ચાર્જ લીધાં વગર તેમને હોસ્પિટલ સુધી પહોંચાડીશ કારણ કે આ કપરા સમયમાં લોકોને મદદ મળી રહે તે માટે જ મે આવું કરવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ જાવેદ ખાન આ કામ 15-20 દિવસથી કરી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે 9 ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં તેણે અત્યાર સુધીમાં પહોંચાડ્યા પણ છે.

જાવેદ ખાનનો આ વીડિયો એક યુઝર્સએ શેર કર્યો છે જ્યાં તે જણાવી રહ્યો છે કે દર્દીને મદદ કરવા માટે તેણે પત્નીનાં ઘરેણાં વેચીને ઓટોને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. આ વીડિયો હવે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લોકો કમેન્ટસ દ્વારા તેના આ કામને વધાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *