Birthday: PM મોદી ખાવામાં છે પાક્કા ગુજરાતી, 5 વાનગી છે સૌથી પ્રિય, જાણીને તમે પણ બનાવી લો

દેશ વિદેશમાં પોતાની પ્રતિભા અને વિકાસની રાજનીતીના કારણે પ્રખ્યાત થયેલા ગુજરાતના પોતીકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. દરેક ગુજરાતની જેમ આપણા વડાપ્રધાન પણ ખાવા પીવાના શોખીન છે. પરંતુ વડાપ્રધાન ભોજનમાં સાદો અને ગુજરાતી આહાર પસંદ કરે છે.

image source

વડાપ્રધાન મોદીને ગુજરાતી વાનગીઓ સૌથી વધુ પ્રિય છે. જે વસ્તુ ખાવાનું મોટા ભાગના લોકો ટાળે છે અને બીમારનું ભોજન ગણે છે તેવી ખીચડી પીએમ મોદી અઠવાડીયામાં 2, 3 વખત ખાવાનું પસંદ કરે છે. 70 વર્ષે પણ સ્ફુર્તિવાન અને સતત એક્ટિવ રહેનારા વડાપ્રધાન મોદી દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે અને રોજ સાદો ગુજરાતી આહાર લેતા હોય છે. વાત કરીએ ગુજરાતી વાનગીઓની તો તેમને ગુજરાતની 5 વાનગીઓ ખૂબ જ ભાવે છે. આમ તો તેઓ સાદો આહાર જ કરે છે પરંતુ તેમને કેટલીક વાનગી ખૂબ જ ભાવે છે. જેમાં વેડમી, ખીચડી, સુખડીનો સમાવેશ થાય છે.

image source

પીએમ મોદી સપ્તાહમાં 2, 3 વખત વઘારેલી અને શાકભાજીવાળી ખીચડી ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તેમને ઢોકળા અને ખાંડવી પણ ખૂબ ભાવે છે. આ બધી વાનગીઓમાં પીએમ મોદીને ભીંડાની કઢી પણ ખૂબ ભાવે છે. આ સાદા ભોજન સાથે પીએમ મોદીને જમવામાં છૂંદો પણ ભાવે છે. આ સિવાય તેમને ઊંધિયું પણ ખૂબ ભાવે છે.

વેડમી

1 વાટકી તુવેર દાળ, 11 વાટકી ખાંડ, 2 ચમચી કોપરાનું છીણ, 1 કપ ઘઉંનો લોટ, ઘી અથવા તેલ જરૂર મુજબ

રીત

image source

તુવેરની દાળને બાફી લેવી. કૂકર ઠંડુ થાય એટલે દાળને કુકરમાંથી કાઢી લેવી. હવે એક વાસણમાં તેલનો હાથ લગાડી ગેસ પર દાળને મધ્યમ તાપે શેકવી અને સાથે તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું. જ્યારે ખાંડનું પાણી બળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તૈયાર થયેલા પુરણને એક થાળીમાં કાઢી લો અને કોપરાનું છીણ ઉમેરો. ઘઉંના લોટમાં સહેજ મોણ નાખીને રોટલીનો લોટ બાંધવો. તેમાંથી રોટલી વણી પછી તેમાં પુરણ ભરીને પુરણપોળી બરાબર વણી લેવી. તેને તવા પર શેકી ઘી લગાડી અને સર્વ કરવી.

મગની દાળની ખીચડી

સામગ્રી

1 કપ ચોખા, 1/2 કપ મોગર દાળ,1/4 કપ ચણાદાળ,1/2 ચમચો કાચી શીંગ,1 ચમચો ઘી, 2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી ગરમ મસાલો, મિક્ષ શાકભાજી જરૂર મુજબ, મીઠું સ્વાદાનુસાર, વધાર માટે લીમડાના પાન, રાઈ, જીરું, હીંગ, કોથમીર, લીંબુંનો રસ, પાણી જરૂર મુજબ

રીત

image source

સૌપ્રથમ ચોખા, દાળ, ચણાની દાળ, શીંગને ધોઈને દસથી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખો. કુકરમાં ઘી ગરમ કરીને તેમાં રાઈ-જીરું અને હીંગનો વઘાર કરવો. તેમાં લીલાં મરચાં અને લીમડાના પાન નાંખીને સાંતળો. હવે તેમાં શાકભાજી અને મીઠું, હળદર, લાલ મરચું સહિતના મસાલા ઉમેરી બરાબર હલાવો. છેલ્લે તેમાં દાળો, ચોખા અને શીંગ ઉમેરો. તેમાં પાંચ કપ ગરમ પાણી ઉમેરો અને 3 સીટી વગાડો.

સુખડી

સામગ્રી

3/4 કપ ઘઉં નો લોટ, 3/4 કપ ઘી, 3/4 કપ ગોળ

રીત

image source

સૌપ્રથમ એક પેનમાં ઘઉંનો લોટ અને ઘી ઉમેરી શેકી લો. લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ ઉમેરો. તેને સતત હલાવો. બાદમાં એક ઘી ચોપડેલી થાળીમાં આ સુખડી પાથરો. ઠંડી થાય પછી ડબ્બામાં ભરી લો.