વજ્રઘાત સહન કરેલા વૃધ્ધમાં આટલી અને આવી તાકાત ક્યાંથી આવી..? પુત્રવધૂની એકલતાનો અવાજ સાંભળી લીધો

જુનાગઢમાં રહેતા 73 વર્ષીય લલિતભાઇ ઓઝાએ કંઇક એવુ કરી બતાવ્યું કે જે સમાજમાં ઉદાહરણરૂપ છે.. દાન પર દાન કરતા રહ્યા લલિતભાઇ ઓઝા.. અને જીવનની સંધ્યાએ પણ એક એવુ દાન કર્યું.. કે જેનાથી પોતાની દીકરી સમાન પુત્રવધૂનુ આગળનુ જીવન સુધરી ગયું..

image soure

વર્ષ 2021ના ના મે મહિનામાં લલિતભાઇ ઓઝાએ પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો. કારણ હતુ કિડની ફેલ્યોર. આમ તો પુત્ર ગૌરાંગની બંને કિડની વર્ષો પહેલા જ ફેઇલ થઇ ચૂકી હતી… એકવીસ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં ગૌરાંગનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયુ હતું. અને કિડની પણ પિતા લલીતભાઈએ જ આપી હતી.. તે વખતે પુત્રને કિડનીનુ દાન આપ્યું હતું..

કલાપ્રેમી અને ગાયક પિતા પાસેથી વારસામાં મળેલી ગાયકી અને ભેંટમાં મળેલી કિડનીએ ગૌરાંગને ટ્રાન્સપ્લાન્ટ પછી એકવીસ વર્ષ જીવાડ્યો. સ્ટીરોઈડ્સ અને ઈમ્યુનો-સપ્રેસન્ટ દવાઓના ડુંગરા નીચે દબાયેલો ગૌરાંગ નવી કિડની અને જિંદગીને ઉજવતો રહ્યો, મ્યુઝીકલ શોઝ કરતો રહ્યો, ગાતો રાહ્યો. હાથમાં માઈક પકડીને હસતા ચહેરા સાથે તેણે પડાવેલા ફોટા, હજુય તેની ફેસબુક વોલ પર જોવા મળે છે..

image source

પિતા પાસેથી કિડની મળી અને નિયતિ પાસેથી પત્ની. વર્ષ 2012માં ગૌરાંગના લગ્ન હિતાર્થી સાથે થયા, બંન્ને સુખી દાંપત્ય જીવનના સ્વપ્ન જોતા હતા.. પરંતુ કુદરતને કંઇક ઔર જ મંજૂર હતુ, લગ્ન જીવનના ફક્ત નવ વર્ષ પછી ગૌરાંગે અચાનક ચાલુ ગીતે સ્ટેજ છોડી દીધું. તાળીઓની પરવા કર્યા વગર પોતાનું ગીત સંકેલી લઈને, એ કોઈ અગોચર વિશ્વમાં ખોવાઈ ગયો. એના ગીતો, એનો અવાજ, એનું હાસ્ય આ બ્રમ્હાંડમાં કાયમને માટે ગુંજતું રહેશે. એ પોતે તો નક્કી વૈશ્વિક ચેતનામાં વિલીન થઈને, આ જગતને આપણા થકી અનુભવતો હશે.. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ હતો કે ગૌરાંગની પત્ની હિતાર્થીનું શું ?

હિતાર્થીની એકલતા અને સૂનકારનો ઝીણો અવાજ સૌથી પહેલા એમના સાસુ-સસરાએ સાંભળ્યો. લલિતભાઈ અને તેમના પત્નીએ વિચાર્યું કે પુત્રવધૂને આ દિવાળી ગીફ્ટમાં એક નવું નક્કોર જીવન ભેંટમાં આપીએ. દીકરીની ઈચ્છા અને પસંદગીને માન આપીને લલિતભાઈએ 17 ઓક્ટોબરે હિતાર્થીની સગાઈ કરી આપી.

image source

21 વર્ષ પહેલા દીકરાના જીવન માટે કિડનીનું દાન કરેલું અને હવે પુત્રવધૂના ઉજ્જવળ ભવિષ્ય માટે કન્યાદાન કરશે. તેમણે દીકરો પણ જીતી લીધો અને દીકરી જેવી પુત્રવધૂ પણ. આવા વડીલો સમાજનું નાક હોય છે. સામાજિક પરિવર્તનની શરૂઆત બસ આવી એકાદ ઘટનાથી તો થતી હોય છે.

વર્તમાન સમયમાં જ્યારે વડીલ વૃધ્ધો પોતાની રૂઢીગત માનસિક્તાને નથી છોડી શક્તા.. ત્યારે આ વૃધ્ધ દંપતીએ લીધેલો આ નિર્ણય ખરેખર પરિવર્તનના યુગનુ ઉદાહરણ આપે છે.. પહેલા શરીરના અંગનુ દાન કરીને પોતાના પુત્રનુ જીવન બચાવ્યું.. અને હવે દીકરી સમાન પુત્રવધૂની સગાઇ કરીને તેને નવજીવન બક્ષ્યું.. આવા વડીલ વૃધ્ધોને 100 – 100 સલામ