મન અડગ હોય તો હિમાલય પણ નડતો નથી… આ વાતનું ઉદાહરણ બન્યો રાજકોટનો ઉત્તમ મારું

આપણે ત્યાં પેલી ઉક્તિ ખૂબ પ્રખ્યાત છે કે, ‘ નબળું મન હોય તેને રસ્તો પણ જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’. આ ઉક્તિ ખરેખર જો કોઈના જીવતા જાગતા દ્રષ્ટાંત સાથે કહેવાની હોય તો તેમાં નામ સૌથી પહેલા આવે રાજકોટના ઉત્તમ મારુંનું… ઉત્તમ મારુંનું જીવન અને તેની અભ્યાસ માટેની લગન એવી છે કે જે અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. ઉત્તમ મારું હાલ બી.એ. સેમેસ્ટર 5ની પરીક્ષા આપી રહ્યો છે.

ઉત્તમ મારું નામ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે તેને જન્મથી જ શારીરિક સમસ્યાઓ મળી છે પરંતુ તેમ છતાં આજ સુધી તે હાર્યો નથી અને મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યો છે. તેણે ક્યારેય બીચારા હોવાનો અનુભવ પણ કર્યો નથી. તેણે તેને જન્મથી મળેલા પડકારોને પણ ઝીલી લીધા અને તે બી.એ. સેમેસ્ટર 5ની પરીક્ષાની આપી રહ્યો છે. તો ચાલો જાણીએ ઉત્તમ મારું વિશે વિગતવાર.

ઉત્તમ મારુંનો જન્મ થયો તે સમયથી તેની કસોટી શરુ થઈ ગઈ હતી. કારણ કે તેને જન્મથી જ બંને આંખ, હોઠ અને તાળવું ન હતા. ડોક્ટરોના જણાવ્યાનુસાર તેનું મગજ પણ અવિકસિત હતું. આવા બાળકનો ઘરમાં જન્મ થતા કેટલાક લોકોએ તેના પરિવારના સભ્યોને તેને ઇન્જેક્શન આપીને કાયમ માટે સુવડાવી દેવાની સલાહ પણ આપી. પરંતુ ઉત્તમના દાદાએ આમ થવા દીધું નહીં અને ઉત્તમને અન્ય બાળકોની જેમ પ્રેમ અને લાડકોડથી ઉછેર્યો.

જન્મથી મળેલી શારીરિક સમસ્યાઓને દૂર કરવા અને ઉત્તમની મુશ્કેલીઓને હળવી કરવા માટે પરિવારના સભ્યોએ તેની ઘણી ટ્રીટમેન્ટ કરાવી. ઉત્તમની ઘણી સર્જરી પણ કરવામાં આવી હતી. હવે ઉત્તમ 19 વર્ષનો થઈ ચુક્યો છે અને ટીવાઈ બીએની પરીક્ષા આપી રહ્યો છે. જો કે ભાગ્ય તેની કસોટી કરવાનું છોડતું નથી. કારણ કે જ્યારે પરીક્ષાને થોડા જ દિવસો બાકી હતા ત્યારે ઉત્તમ ફરી એક સમસ્યાનો ભોગ બન્યો.

તેને ફેફસામાં લીકેજ થતા શરીરમાં હવા ભરાવવા લાગી અને તુરંત તેની સર્જરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ. જો કે આ સર્જરી થાય તો તે પરીક્ષા આપી શકે તેમ ન રહે. પરંતુ ઉત્તમને આ પરીક્ષા તો આપવી જ હતી કારણ કે તેણે મહેનત કરી હતી. જણાવી દઈએ કે ઉત્તમ અત્યાર સુધીની બધી જ પરીક્ષાઓમાં ડિસટિંગ્સન સાથે પાસ થયો છે.

તેથી ઉત્તમે નક્કી કર્યું તે પરીક્ષા આપશે અને પછી સર્જરી કરાવશે. જો કે સર્જરી ટાળવાના કારણે કેટલીક સમસ્યાઓ તેને થવા લાગી જેના કારણે તેણે ઈન્જેકશન લેવા પડે છે અને યુરીન માટે બેગ રાખવી પડે છે. એક હાથમાં ઈન્જેકશન અને એક હાથમાં યુરીન બેગ લઈને પણ તે પરીક્ષા આપવા જાય છે. આ સ્થિતિમાં પણ તેણે હીંમત હારી નથી અને પરીક્ષા આપી રહ્યો છે. તે પ્રજ્ઞાચક્ષુ હોવાથી રાઈટરની મદદથી પેપર લખે છે. અત્યાર સુધીમાં તેણે 4 પેપર પુરા કરી લીધા છે.

જન્મથી મળેલા શારીરિક પડકારો પણ ઉત્તમને રોકી શક્યા નથી અને તે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક, 11 ઉપનિષદ સહિતના શ્લોક અને ભજનો કંઠસ્થ કરી ચુક્યો છે. અભ્યાસમાં અવ્વલ નંબર હોવાની સાથે તેણે હાર્મોનિયમમાં વિશારદ પણ કર્યું છે. જન્મથી તાળવું ન હતું છતાં તે સારો ગાયક પણ છે. ઉત્તમના આ ગુણ અને તેની હિંમતના કારણે દેશમાં બાળકોને અપાતા સર્વોચ્ચ એવોર્ડ ‘બાલશ્રી એવોર્ડ’થી તેને સન્માનિત પણ કરવામાં આવ્યો છે.