અધૂરા ઓરતા – ચાહતો હતો એને પણ આજે મુર્દાઘરમાં આવીરીતે મળશે વિચાર્યું નહોતું…

રિસેસમાં છોકરાં દોડમદોડ કરી પકડદાવની રમત રમતાં ત્યારે સમૂડી જાણીજોઈ ધીમું દોડતી ને ઘડીકમાં પકડાઈ જતી. આમ મંગાના હાથે પકડાઈ જવું એને બહુ આનંદ આપતું, પણ સમૂડીનું આ જાણીબૂઝીને પકડાઈ જવું એ મંગાને ગમતું નહીં. ખિસ્સામાં ભરેલા સિંગચણાની ચપટી ભરી સમૂડી ક્યારેક મંગા સામે હાથ લાંબો કરતી પણ એના હાથના સિંગચણા મંગો લેતો નહીં ને કહેતો, “સમૂડી, તું તારા હોઠો પર લિપસ્ટિક લગાડે છે એ મને બહુ ગમે પણ કાલથી તું નાહીને નિશાળે આવજે, પછી તારા હાથના સિંગચણા હું ખાઈશ.” સમૂડીના સિંગચણા ખાવાની મંગાને ઘણી ઈચ્છા થતી પણ એ હતો વટનો કટકો. વારેઘડીએ એને વટ દેખાડવા જોઈતો. જ્યારે સમૂડી રિસાઈ જાય ત્યારે પાછો વેવલો થઈને એને મનાવી લેતો.

મૂછનો દોરો ફૂટ્યો તેના ઘણા સમય પહેલેથી મંગાએ નિશાળે જવાનું માંડી વાળેલું ને એની મા સાથે એ હોસ્પિટલમાં સફાઈ કામે જતો થઈ ગયેલો. ફળિયામાં જતાં આવતાં રસ્તામાં સમૂડી સામે મળે. તેના હોઠો પર લિપસ્ટિક હોય જ લાલ હોઠ તેને ચૂમી લેવાનું મન થતું. મંગો તેના મનની ઈચ્છાઓ મનમાં દબાવી દેતો ને સમૂડીને મચક આપતો જ નહીં.

નદી કિનારાની એ ઝૂંપડપટ્ટીમાં એક દિવસ માંડવો બંધાયેલો ને ઢોલ વાગતો થયેલો ત્યારે એને ખબર પડી કે સમૂડીનાં લગ્ન લેવાયાં છે. પછી તો એ નદીમાંથી કેટલાંએ ચોમાસાનાં પાણી વહી ગયાં. એની મા અનંતની યાત્રાએ ઊપડી ગઇ ને મંગાને એની માની જગ્યાએ હોસ્પિટલમાં નોકરી મળી ગઇ. એ એકલામાંથી બેકલો થઈ ગયો. નોકરી ને છોકરી મળી જતાં ધીમેધીમે સમૂડી મંગાની યાદદાસ્તમાંથી નીકળી ગઈ. હોસ્પિટલના ભોંયતળિયે આવેલ મડદાઘરમાં કેટલાંય ડ્રોઅર ને એમાં સચવાયેલી માનવ લાશો. આ ખાનામાંથી છૂટતી તીવ્ર વાસ, એ અંધારિયા ઓરડાને તરબતર કરી દેતી.

image source

આ મડદાઘરમાં મંગાની નોકરી. આઠ કલાકની નોકરી. દર અઠવાડિયે પાળી બદલાય. કોઈ વખત દિવસની તો કોઈ વખત રાતની નોકરી આવે. કેટલીક વખત ઊપરા ઊપરી બે પાળી પણ આવે. અગાઉ ઘણી વખત આ સ્થળે સફાઈ કામ માટે આવી ગયેલો, એટલે હાૅલની કામગીરીથી એ વાકેફ હતો. કોહવાઈ ગયેલા ને, માથું ફાડી નાખે તેવી દુર્ગંધ છોડતાં ઢોરના કંકાલમાં ગીધ પોતાની ચાંચ ઠેઠ અંદર સુધી જવા દે ને પછી લિજ્જતથી તેના માંસના ટુકડા આરોગે છતાં તેને જરાય ગંધ ના આવે. તેમ મંગાને પણ આ મડદાઘરમાં પ્રસરી ગયેલ ગંધની કોઈ અસર થતી નહીં. તેની ઘ્રાણેંદ્રિય પર જાણે કાટ ચડી ગયો હતો કે તે નિષ્ક્રિય બની ગઈ હતી.

એક સામાન્ય સફાઈ કામદારમાંથી આગળ વધેલ મંગો, માનવ શરીરનાં કોઈ કેટલાંય ચામડાં ચૂંથી ચૂકયો હતો. સાત દિવસની કોહવાયેલી ને કીડા ખદબદતી લાશને એ કોઈ પણ સૂગ વગર ઊથલાવી જાણતો. એટલુંજ નહીં પણ ડોકટરની સૂચના અનુસાર એણે કેટલીએ કૌમાર્ય ગુમાવી ચુકેલી કુંવારી કન્યાઓની લાશની કૂખમાંથી કાચા ગર્ભને ખેંચીને લેબોરેટરીની ટ્રેમાં મૂક્યા હતા. આ ચીરખાના કમ મડદાઘરમાં ફૂલી ને દડો થઈ ગયેલી ને જીવાતથી ખદબદતી લાશ પોસ્ટમોર્ટમ માટે આવતી, ત્યારે તાલીમ પામેલા સિનિયર્સ ડૉકટર્સના પણ હાથ ધ્રુજી જતા, આથી આવા દુષ્કર કામ માટે મંગાની નોકરી ના હોય તો પણ તેને ખાસ કિસ્સા તરીકે બોલાવવામાં આવતો. મંગો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ છોડતી લાશનું, એક એક અંગ ફેંદીને ડૉકટરને દેખાડતો, ત્યારે એના શરીરનું એક રૂંવાડું ના ફરકતું.

નવાં આવતાં મડદાંને ટેગ પર લખાણ લખી જમા કરવાનાં અને જે મડદું લેવા આવે તેની વિગતો તપાસી પુરાવા સરખાવી તેનાં સગાંને પરત કરવાં પડતાં મડદાને મંગો સહજ ભાવથી ઊપાડી જમા-ઉધાર કરતો.

પુરુષનું મડદું હોય કે સ્ત્રીનું, કોઈ સુખી ઘરની લાશ હોય કે રસ્તે રખડતા ભિખારીની લાશ હોય, કે આગમાં શેકાઈ ને આવેલી કોઈ અભાગણીની ચામડી લબડતી લાશ હોય, એને કોઈ ફેર નહીં, કે એક રતીભાર પણ સૂગ નહીં. બસ એને તો ધંધો એટલે ધંધો. ગોળના રવાનો વેપારી જેમ ગોળનું દડબું ભાગે એમ મંગો મડદાની ખોપરી સહજ ભાવે ફોડી લેતો. ઘણા સમયની નોકરીથી મંગો એના કામમાં પારંગત બની ગયેલો. એટલું જ નહીં, પણ બચપણથી આ કામના જાણકાર મંગાનું કાળજું જાણે સંવેદના વગરનું ને બહેર મારી ગયું હતું.

છેલ્લા અઠવાડિયાથી એ કંટાળી ગયો હતો. કામનો ભારે લોડ ને મડદાની જાવક કરતાં આવક વધી ગઈ હતી. આમ તો એના હાથ નીચે બીજા બે માણસો હતા, એમાંથી એક વાહીદ નામનો હોશિયાર કારીગર પણ હતો. આ વાહીદ છેલ્લા કેટલાક સમયથી તેની ફરજ પર આવતો ન હતો. જેથી કામગીરીનો તેના પર ભારે બોજો આવી પડ્યો હતો.

વાહીદ તેની ફરજ પર નહીં આવવાનું કારણ તેને જાણવા મળ્યું હતું કે, શહેરના એક નામાંકિત ગુંડાનું ખૂન થઈ ગયેલું તેથી તેની લાશ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. ડોક્ટરની સાથે રહીને વાહીદે આ ગુંડાની લાશની ખોપરી ફોડી હતી. પોસ્ટમોર્ટમ થયાને ઘણો સમય થઇ ગયો પણ આ ગુંડાની લાશ લેવા કોઈ આવ્યું ન હતું. આથી આ લાશ મડદાઘરના ડ્રોઅરમાં સાચવવામાં આવી હતી. બપોરના સમયે વાહીદ જ્યારે એકલો હતો ત્યારે આ લાશ ખાનામાંથી જાણે ભૂત બનીને ઊભી થઈ ને વાહીદ પાસે આવી હતી. એ જાણે ધમકી આપીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી રહી હોય તેવું વાહીદને લાગ્યું હતું. બસ આવી ભ્રમણાથી વાહીદ તેની ફરજ પરથી ભાગી ગયો હતો. ઘેર ગયા પછી એ ખૂબ બીમાર પડી ગયેલો, ત્યારથી તેના ઘરનાં તેને નોકરી આવવા દેતાં ન હતાં.

લાશો ધડાધડ આવી રહી હતી. ખાવાની પણ નવરાશ મળતી ન હતી. મંગો ટિફિન ખોલીને જ્યાં ખાવા બેઠો તેવામાં એક લાશ આવી. તેનું પોસ્ટ મોર્ટમ કરવાનું હતું. ખાવાનું અડધું મૂકી ને મંગાએ તેના નવા મદદનીશની મદદથી એ મડદાને ચતું સુવડાવી, માથું એક ઘડેલા પથ્થર પર ગોઠવ્યું. મદદનીશને મડદાના માથાના બાલ સાફ કરવાની સૂચના આપી તે અધૂરું છોડેલું ખાવાનું પૂરૂં કરવા નજીક પડેલા એક સ્ટૂલ પર બેઠો.

આગથી બળીને કોલસો થઈ ગયેલી તે એક સ્ત્રીની લાશ હતી. ભઠિયારખાનામાં પ્રાણીનું માંસ રંધાતું હોય ને જે પ્રકારની ગંધ છૂટે એનાથી પણ વિચિત્ર પ્રકારની કેરોસીન મિશ્રિત દુર્ગંધ એ લાશમાંથી આવી રહી હતી. હાથપગના સ્નાયુઓ બળીને ખેંચાઈ જવાથી પગ કથકલી નૃત્યની મુદ્રામાં આવી ગયા હતા, ને હાથ કોણીએથી વળીને કેડ પર ગોઠવાઈ ગયા હતા. નાકનું ટેરવું બળી જવાથી હાડકાની અણી બહાર ફૂટી આવી હતી. એક બાજુનો લમણો બળીને રાખ થઈ ગયો હોઇ તે બાજુના દાંત મૂળ સોતા દેખાતા હતા. કાળા થઈ ગયેલા ચહેરામાં દેખાતા લાંબા સફેદ દાંત જાણે અટહાસ્ય કરી રહ્યા હોય તેવા દેખાતા હતા. આ બધું લાશના બિહામણા દેખાવમાં વધારો કરી રહ્યું હતું.

” જો, સાથળના સ્નાયુ પર છરો ફેરવ, સ્નાયુ કપાઈ જશે પછી પગનો અંગુઠો પકડી જોરથી ખેંચ એટલે પગ સીધા થઈ જશે. એ જ રીતે હાથના સ્નાયુ કાપીને હાથ ખેંચી ને સીધા કર, જેથી એનાં સગાંને લાશ નનામી પર ગોઠવતાં ફાવે.” મંગો ખાતાં ખાતાં તેના મદદનીશને સૂચના આપી રહ્યો હતો ને એ શીખાઉ વારેઘડીએ ઊબકા કરતો હતો. વારંવાર તેના હાથમાંથી કટર છૂટી જતી હતી. માથાના વાળ ખાસ બચ્યા ના હતા. જે વધ્યાઘટયા વાળ હતા તે સાફ થઈ ગયા. ખોપરી ફોડવાની હતી આથી માથના વાળ કાઢવા કરવા જરૂરી હતા.

નજર સામે લોહીથી ખરડાયેલ કટર પર બણબણતી માખીઓનો ઝમેલો માનવલોહીના ચોસલાંની જ્યાફ્ત માણી રહ્યો હતો તેની સામે મંગો ટીફીનમાંની ભાખરી ને શાકથી પોતાની ભૂખ સંતોષી રહ્યો હતો.

એવામાં ડોક્ટર આવી ગયા. મડદાની ખોપરી પથ્થર પર ગોઠવાયેલી તો હતી જ. જમવાનું પૂરૂં કરી મંગો ઊભો થયો. ખોપરી પર ચોક્કસ જગ્યાએ લાકડામાંથી બનેલ મોટા હથોડા જેવું સાધન માર્યું. એક ને બે ફડાકામાં તો જેમ પાકા દાડમની પેશીઓ અલગ થાય, તેમ ખોપરીના સાંધા અલગ થઈ ગયા. ડોક્ટરે ખોપરીમાંથી ટપકતી લાળ જેવુ ઘટ્ટ પ્રવાહી ખેંચી એક કસનળીમાં ભર્યું. મંગાએ ખોપરી પાછી જોડી દઈ ચામડી પર ટાંકા લીધા. ત્યાર પછી શું કરવાનું રહે? તે જાણતો હતો. એક કટરથી એ મડદાની છાતીના વચ્ચેના હાડકાથી ડૂંટી સુધી પેટ પર ચર…ચર કરતો, એક ચીરો મૂક્યો.

સક્કરટેટીની ગાંસડી છૂટે ને જેમ ટેટી આજુબાજુ દડવા લાગે તેમ એ અભાગણીના પેટ પર જેવુ નસ્તર મૂકયું તેવાં અંદરથી આંતરડાં બહાર ધસી આવ્યાં. તેણે મહામુસીબતે પેટના પોલાણમાં એ પાછાં ધકેલી દીધાં. કાળજામાંથી પ્રવાહીનો નમૂનો લીધો. જઠર અને આંતરડામાં બચેલા ખોરાકનો નમૂનો કસનળીઓમાં ભરતી વખતે માનવ મળની દુર્ગંધથી મોં પર માસ્ક પહેરેલ હોવા છતાં ડોકટરનો તરડાઈ ગયેલો ચહેરો તેણે જોયો.

પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ જેમ અનાજ ભરેલા કોથળાને ટાંકા લેવામાં આવે તેમ મોટા ફંટે ટાંકા લઈ પેટના ચીરાને મંગાએ સીવી લીધો. ડોક્ટરે વિગત લખેલી ટેગ તેને આપી, જે તેણે લાશના ગળામાં પહેરાવી અને તે મડદું એક ડ્રોઅરમાં મૂકી તે બંધ કરી દીધું.

મોટાભાગનાં ખાનાં મૃત્યુદેહથી ભરાઈ ગયેલાં હતાં. ધીમે ધીમે રાત્રીના ઓળા ઊતરી રહયા હતા. આજ તેની ડબલ શિફ્ટ હતી. મોટા થિયેટર જેવા હૉલમાં બે બાજુના ખૂણે બે ડીમ લાઈટો ચાલુ રાખી બાકીની લાઈટો તેણે બંધ કરી. રાતની નોકરી હોય ત્યારે એ હોલમાં જ ઊંઘતો. નવો શિખાઉ મદદનીશ હજુ હૉલમાં ઊંઘવાની હિંમત કેળવી શક્યો ન હતો. એ હૉલની બહાર ઊંઘવા ચાલ્યો ગયો.

image source

હૉલના બારણા સામેથી હોસ્પિટલનો આંતરિક રસ્તો પસાર થતો હતો. એ રસ્તા પર એમ્બ્યુલન્સ આવજા કરી રહી હતી. થોડે દૂર ટ્રોમા સેન્ટર પાસે બે-ચાર માણસો ઊભાં હતાં, બાકી બધું સુમસામ હતું. રાતના બાર-એક વાગ્યા હશે. મંગો રોજની આદત મુજબ હૉલનો દરવાજો અંદરથી બંધ કરી ઊંઘવાની તૈયારી કરવા લાગ્યો. તેવામાં છેલ્લે મડદું જે બી- 39 નંબરના ખાનામાં મૂક્યું હતું તે ખાનાનું ડ્રોઅર ધીમેથી બહાર આવતું દેખાયું. થોડીવારે તે ખૂલી ગયું ને અંદરથી આળસ મરડીને લાશ બેઠી થઈ. મંગો નિર્ભય રીતે તે નિહાળી રહ્યો. તેના આશ્ચર્ય વચ્ચે ડ્રોઅરમાંથી બેઠી થયેલી લાશ તેની નજીક અવીને ને બોલી,

” કેમ મંગાજી, ઓળખાણ પડી ? હું તારા ફળિયાની સમુ ! સમૂડી ! યાદ આવે છે?” ” હેં ! સમુ.. તું?” એણે કઠણ હૃદયે પ્રશ્ન કર્યો, ” પણ…પણ સમુ તારાં તો ફળના એક વેપારી સાથે લગ્ન થયાં હતાં. ને તું ત્યાં સુખી હતી … ને તારા આ હાલ..!” ” કેમ જાણ્યું તેં ?” અટહાસ્ય કરી કરી એ બોલી, ” કોણે કહ્યું સમૂડી સુખી હતી?” ” તને મારી બેદરકારી ગમતી ન હતી. એથી હું તારી થઈ ના શકી! પણ આજે તું મારા પ્રત્યે બેદરકાર છે મંગા?” પેટને ચીર્યા બાદ મોટા ફંટે લીધેલ ટાંકા બતાવતાં તે બોલી.

” જો આ તારી બેદરકારી.. ” પેટ પર લીધેલ ટાંકામાંથી બહાર ધસી આવેલ પ્રવાહી ટપકતા નાના આંતરડાના ભાગને પકડીને એ બોલી, “મંગા, જોઈ લે આ તેં લીધેલા મોટા ટાંકા મને પસંદ નથી. તું એ ટાંકા ફરીથી લઈ આપ મંગા! મારા જીવતે જીવ કોઈ બંધ ઓરડાના એકાંતમાં તારો હાથ મારા દેહ પર ફર્યો નથી, તો હવે મદડાઘરના આ એકાંતમાં મારા મૃત્યુદેહને તારા હાથનો સ્પર્શ કરી મારા અધૂરા રહી ગયેલા ઓરતા પૂરા કર મંગા! તો જ મને મોક્ષ મળશે મંગા ! કોઈ આવી જાય ને એકાંતનો ભંગ થાય તે પહેલાં આવ! મંગા આવ! ને તેં બેદરકારીથી જે ટાંકા લીધેલા છે તે તોડી ને ફરી…!” ” દરવાજો ખોલો…. ” બહારથી અવાજ આવ્યો. એ અટકી. કોઈ દરવાજો ખટખટાવી રહ્યું હતું.

image source

” મંગા, મારી લાશ લેવા કોઈ ના આવે તો હું આ સમયે તને કાલે ફરી મળીશ….” એટલું બોલી સમૂડીની લાશ સરકતી સરકતી પાછી ડ્રોઅર નંબર બી- 39માં જઈને ગોઠવાઈ ગઈ, ને મંગો સ્વસ્થતા કેળવી દરવાજા તરફ વળ્યો. દરવાજો ખોલ્યો તો વળી પાછી એક અબળાની લાશ. પહોળી થઇ ગયેલી આંખો, લાંબી લબળતી જીભ ને છુટા વાળ. કોઈ જ સંવેદના વગર એણે લાશ જમા લીધી.

* * * * * *

સવારે નોકરી પરથી ઘરે આવ્યા પછી રાત્રે બનેલી ઘટનાને ભૂલવા તેણે ઘણા પ્રયત્નો કર્યા, છતાં વળી વળીને સમૂડી યાદ આવવા લાગી. દિવસભર એ સમૂડીના આત્માને કેમ કરી મોક્ષ મળે તે અંગે વિચારતો રહ્યો. તેણે નક્કી કર્યું કે જો આજે રાત્રે સમુડીનો અવગતિયો જીવ ફરી તેની સામે આવે તો ‘સમુડીને એ અજ્ઞાત યોનિમાંથી છૂટકારો અપાવવા તે બધુજ કરી છૂટશે, એવી તેના અભાગીયા આત્માને ખાતરી આપવી’ તેવા નિર્ણય સાથે ફરી એ રાતપાલીની નોકરી પર હોસ્પિટલ પહોંચ્યો. નોકરી પર હાજર થઈ તેણે પોતાની ફરજ સંભાળી ત્યારે તેની આગળની શિફ્ટના કર્મચારી પાસેથી જાણવા મળ્યું કે ડ્રોઅર નંબર: બી 39 ની લાશ તેના સગા આવીને લઈ ગયા હતા. કોઈ ગેબી શક્તિથી છેલ્લી રાત્રે સમુડીનું મડદું ડ્રોઅર નંબર બી-39માંથી બેઠું થઈ તેની સામે આવ્યું હતું અને એના અવગતિયા જીવ સાથે એને જે સંવાદ થયો હતો તેવું હવે બની શકે તેમ ના હતું.

સમુડીનાં લગ્ન ફળના એક વહેપારી સાથે થયાં હતાં, એ વિગત તો મ્હેલ્લાના એક સભ્ય તરીકે તે જાણતો હતો. વધુ વિગત જાણવા તે રજાને દિવસે સમૂડીના માબાપના ઘરે ગયો. સમુડીની ભાભી ઘેર હતી. એની સાથેની વાત પરથી જાણ્યું કે સમુડીનાં લગ્ન વડીલો દ્વારા ગોઠવેલાં લગ્ન હતાં. આમતો સમુડી ફળના વહેપારી જોડે લગ્ન કરવા ખુશ ના હતી પરંતુ ઘર ખાતુંપીતું અને ખમતીધર હોવાથી વડીલોના દબાણથી આખરે તેને એ આધેડ વયના વહેપારી સાથે લગ્ન કરવાં પડયાં હતાં. એ વહેપારીને આગલી પત્નીના બે જુવાન છોકરા હતા. આ છોકરાઓમાં મોટો છોકરો ખોટી લતે ચડી ગયેલો હતો. આવારા બની ગયેલો. જે અવારનવાર પીધેલી હાલતમાં સમુ સાથે અશોભનીય વર્તન કરતો. સમુડીનું કમોત આ છોકરાના બેહૂદા વર્તનથી થયું હતું. અવી કેટલીક વિગતો એણે જાણી.

image source

નોકરી દરમ્યાન કોઈ કેટલાય બદનસીબોના મૃત્યુને ઘણા નજીકથી નિહાળનાર મંગાને તેની સામે આવેલા અવગતિયા જીવનો જરાય ડર ના હતો. એટલું ખરું કે એ બનાવથી તેનો માંયલો જાણે હચમચી ગયો હતો. ઊંડે ઊંડે તેનો આત્મા તેને કહી રહ્યો હતો કે, બાળપણની સાથી સમૂડીના જીવને મોક્ષ અપાવવા કાંઈ કરવું જોઈએ. એ માનતો હતો કે ધાર્મિક ક્રિયા કરતા કોઈ જાણકારને મળીને સમુડીના અપમૃત્યુ પાછળ કોઈ હોમ હવન કે કર્મકાંડ કરી શકાય તો તે પુણ્યનું કામ થયું લેખાશે. તેને થયુ કે, ‘ વિધિની પણ કેવી વક્રતા કે એક સમયે તેને પ્રેમ કરનારી સમૂડીની લાશનું પોસ્ટમોર્ટમ તેના જ હાથે કરવું પડ્યું !’ ઘણું કષ્ટ દાયક સંભારણું !

સમૂડીના અવગતિયા જીવના મોક્ષ માટે જરૂરી વિધિ હોળી ઊતરે કરાવીશ. નોરતાં પૂરાં થાય પછી શ્રાદ્ધ પક્ષમાં કરાવીશ. આમને આમ વાયદામાં સમય વીતતો ગયો. ઘરનાં કેટલાંય કામ અને મડદાઘરની નોકરીની હાયહોયમાં તેના મગજમાંથી સમુડીનો એ બનાવ ધીમે ધીમે વિસારે પડી ગયો. આજે શંકાસ્પદ મોતનો એક કેશ તેની સામે આવ્યો. એ એક સ્ત્રીની લાશ હતી. પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ જોગાનુજોગ એ લાશ ને એજ ડ્રોઅર નંબર બી-39માં સંઘરવી પડી, જ્યાં એક સમયે સમુડીની લાશ સચવાઈ હતી. આથી તેને સમુડીની બળી ને કોલસો થઈ ગયેલી લાશ યાદ આવી ગઈ. આજ તો તેને દિવસની નોકરી હતી. સાંજે તે તેના રીલીવરને મડદાઓનો હિસાબ આપી ઘેર જવા નીકળ્યો.

image source

ગિરધરનગર થઈ એ શાહીબાગ ડફનાળે પહોંચ્યો ત્યારે ટ્રાફિક જામ થઈ ગયેલો. નાળામાંથી બહાર નીકળતાં અંધારું થઈ ગયેલું. પોલીસ કમિશનરની કચેરીની બાજુમાંથી શુભાષ પુલ તરફ તેનું બાઇક આગળ વધ્યું તો રિવરફ્રન્ટ પાર્કના રસ્તાના ખૂણે હેડલાઈટથી તેણે સમુની ભાભીને ઊભેલી જોઈ. તે કદાચ ઘર તરફ જઈ રહી હશે. તેમ સમજી મંગાએ બાઇક ઊભું રાખ્યું ને ઈશારો કરી ભાભીને પાછળ બેસી જવા જણાવ્યું. બાઇક શુભાષ પુલ પરથી આશ્રમ રોડ તરફ વળીને સડસડાટ દોડી રહ્યું હતું. પાછળ બેઠેલી ભાભી કાંઈક બોલે જતી હતી, તે તેને અધકચરું સંભળાતું હતું, પણ રાતનો સમય હોવાથી વારંવાર સામેથી આવતા ફોક્સથી બચવા મંગો તેના તરફ ધ્યાન આપતો ના હતો.

રસ્તાની જમણી બાજુએ હોટલ સિલ્વર કલાઉડનું સાઈન બોર્ડ ઝગારા મારી રહ્યું હતું. બાઇક જેવું હોટેલની સામેની બાજુથી પસાર થયું તો દાંડી પુલ તરફથી કાળી બિલાડી જેવું, પણ કૂતરા જેટલું ઊંચું વિચિત્ર જાનવર રસ્તો ક્રોસ કરતું તેની નજરે પડ્યું . સમય સુચકતા વાપરી તેને બાઇકને અચાનક બ્રેક લગાવી તો પાછળ બેઠેલ ભાભી ધ્રૂજતી ધ્રૂજતી જાણે તેના શરીર સાથે ચપોચપ ચોંટી ગઈ હોય તેવું તેણે અનુભવ્યું. મંગાને એવું લાગ્યું કે પાછળ બેઠેલી બાઈ સમુની ભાભી નથી પણ સમુનો અવગતિયો આત્મા છે. બાઇક સ્લીપ થતાં રહી ગયું. તે સાવધાન થઈ ગયો. ફરી પાછું એણે એજ ગતીથી બાઇક દોડાવ્યું. નદી કિનારાની તેમની વસાહતના નાકે આવીને ભાભીને ઊતારવા તેણે સ્ટ્રીટ લાઈટના અજવાળે બાઇક રોકયું.

” લ્યો ઊતરો ભાભી, કે ઘર સુધી મૂકી જાઉં ?” ” ભાઈ મંગા,” ત્યાં ઊભેલા તેના મિત્રએ તેને પૂછ્યું, ” કોને ઊતરવાનું કહી રહ્યો છે તું ? પાછળ તો કોઈ બેઠું નથી. તારું ફરી તો નથી ગયું ? ” ” હે ! ” એટલું બોલી તેણે પાછળની સીટ પર નજર કરી તો સીટ ખાલી હતી ! તેના પરથી રંધાતા માંસની વિચિત્ર ગંધ આવવા લાગી ને એ કેરોસીન મિશ્રિત તીવ્ર ગંધ, તેના નાકના ફોયણામાં ભરાઈ ગઈ.

” અરે ! મંગા, આ શું ? ” તેનો મિત્ર બરડા પર ધબ્બો મારતાં બોલ્યો, ” આ તારા બુશર્ટનો પાછળનો ભાગતો જો, આટલી બધી લિપસ્ટિક ક્યાંથી લગાવડાવી આવ્યો ? તું તો નોકરી જાય છે કે રંગરેલીયાં મનાવવા ?” મંગો પરિસ્થિતિ પામી ગયો. મજબૂત મનના મંગાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું ! તેણે એક કમકમાટી અનુભવી. મિત્રને જવાબ આપવાને બદલે તે બાઈકના સ્ટિયરિંગ પર માથું મૂકી ને વિચારે ચડી ગયો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત