અળવીના પાનના પાત્રા – ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતા ટેસ્ટી અને સ્પાયસી અળવીના પાનના પાત્રા બનાવાવાની રેસિપિ

અળવીના પાનના પાત્રા 

અળવી પાનના પાત્ર એ ગુજરાત અને મહારાષ્ટ્ર – બન્ને રાજ્યોમાં બનતી ફરસાણ માટેની એક સ્પાયસી સ્વાદિષ્ટ વાનગી છે. ખાસ કરીને સવાર કે સાંજના નાસ્તામાં લેવામાં આવતી હોય છે.

લગ્ન પ્રસંગોમાં, ફેસ્ટીવલ કે પાર્ટીઓના જમણમાં ફરસાણ તરીકે સર્વ થતી હોય છે.

કોબીના પાન, પાલકના પાન વગેરે પાનમાંથી પાત્રા બનાવવામાં અવતા હોય છે. પણ પાત્રા બનાવવા માટે વધારે પ્રમાણમાં અળવીના પાનનો ઉપયોગ થતો હોય છે. ચોમાસાની વરસાદી સિઝનમાં અળવીના પાન ખૂબ થાય છે અને માર્કેટમાં પણ સારા એવા પ્રમાણમાં મળતા હોય છે. અલવીના પાન વાડીઓમાં કે ઘરના બગીચામાં પણ ઉગાડી શકાય છે.

નાનામોટા બધાને અળવીના પાત્રા ખાવા ખૂબજ પસંદ હોય છે. ચણાના લોટમાં રેગ્યુલર સ્પાઇસીસ સાથે ગોળ, આમલીનો પલ્પ વગેરે મિક્ષ કરીને ખૂબજ સ્વાદિષ્ટ બનાવવામાં આવતા હોય છે. તેને સ્ટીમ કૂક કરીને શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી શકાય છે. ડીપ ફ્રાય કરવાથી સરસ ક્રંચી ટેસ્ટ આવે છે.

પાત્રાના પાન નાની –મોટી સાઇઝના હોય તે પ્રમાને તેના રોલ બનાવવામાં આવતા હોય છે.

પાનને ધોઈને કોટન ના કપડાથી બરાબર પાણી લુછી કોરા કરવામાં આવે છે. ત્યારબાદ પાનની પાછળના ભાગમાં રહેલી જાડી સ્ટેમ ચપ્પુ કે કાતર વડે રીમુવ કરવામાં આવે છે. ત્યારબાદ જ તેના પર બેટર સ્પ્રેડ કરી ટાઈટ રોલ વાળીને તેને સ્ટીમ કરવામાં આવે છે.

ત્યારબાદ રોલમાંથી મિડિયમ થીક સ્લાઇઝ કટ કરીને તેને ડીપ ફ્રાય કે વઘાર કરીને શેલો ફ્રાય પણ કરી શકાય છે.

હું અહીં ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતા ટેસ્ટી અને સ્પાયસી અળવીના પાનના પાત્રા બનાવાવાની રેસિપિ આપી રહી છું. તો તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

અળવીના પાનના પાત્રા બનાવવા માટેની સામગ્રી :

  • 10-12 ફ્રેશ અળવીના પાન ( સાઇઝમાં નાના –મોટા હોય તેવા)
  • 2 ½ બેસન
  • 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર
  • સ્વાદ મુજબ મીઠુ
  • પિંચ હિંગ
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પુન વ્હાઈટ તલ
  • 1 ટેબલ સ્પુન ગોળ
  • ½ લિમ્બુનો રસ
  • 1 ટેબલસ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન આમલીની ઘટ્ટ પેસ્ટ
  • 1 ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ

અળવીના પાનના પાત્રા બનાવવાની રીત :

સૌ પ્રથામ પાનને ધોઇને લુછી, કોરા કરીને તેના પાછળના ભાગમાંથી તેના જાડા સ્ટેમ હોય તે કાઢી નાખો.

હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં 2 ½ કપ બેસન લ્યો. તેમાં 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર, સ્વાદ મુજબ મીઠુ, પિંચ હિંગ,1 ટી સ્પુન ગરમ મસાલો, 1 ટેબલ સ્પુન વ્હાઈટ તલ અને 1 ટેબલ સ્પુન ગોળ ઉમેરી મિક્ષ કરો.

હવે આ મિશ્રણમાં ½ લિમ્બુનો રસ, 1 ટેબલસ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ અને 1 ટેબલ સ્પુન આમલીની ઘટ્ટ પેસ્ટ ઉમેરો. સાથે 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ પાત્રામાં સોફ્ટ્નેસ લાવવા માટે 1 ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં પાણી ઉમેરી પાન પર લગાવી શકાય તેવું બેટર બનાવો જેથી પાન પર ઓલ ઓવર સરસ લાગી જાય. 10 મિનિટ બેટરને ઢાંકીને રેસ્ટ આપો. હવે સ્ટીમરમાં જરુર મુજબ પાણી મૂકી, તેમાં ઢાંકીને સ્લો ફ્લૈમ પર ગરમ મૂકો.

પાણી ઉકળવા માંડે એ સમય દરમ્યાનમાં અળવીના પાન પર, બનાવેલું સ્પાયસી બેટર ચમચા કે હાથની આંગળીઓ વડે આખા પાન પર લાગાવીને સરસ કવર કરી દ્યો.

6-6 પાનના બે રોલ બનાવવા માટે વારફરતી 6 પાન એકબીજા ઉપર મુકતા જઈ બેટર લગાવતા જવાનુ છે. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ). બેટરથી કવર કરેલા પાનને બન્ને સાઇડથી થોડા થોડા વાળી લ્યો. ત્યારબાદ ઉપર નીચેની સાઇડ્સથી પણ વાળી લ્યો. હવે તેનો ટાઈટ રોલ વાળી લ્યો. બાકીના 6 પાનને પણ એ રીતે બેટર લગાવી રોલ વાળી લ્યો.

ત્યારબાદ સ્ટીમરમાં પાણી ઉકળવા માંડે એટલે તેમાં રહેલી કાણાવાળી કે જાળીવાળી પ્લેટ પર ઓઇલ લગાવીને તેના પર આ બન્ને રોલ મિડિયમ ફ્લૈમ પર સ્ટીમ થવા માટે મૂકી દ્યો.

20 મિનિટ કૂક થાય પછી ચપ્પુ વડે ચેક કરી લ્યો.ચપ્પુ ક્લીન બહાર આવે તો પાત્રા બારબર સ્ટીમ થઈ ગયા છે. હવે ફ્લૈમ બંધ કરી ઢાંકણ ખોલી તેમાંથી પાત્રાના રોલ કાઢી લ્યો.

હવે 10-15 મિનિટ ઠંડા થાય ત્યારબાદ જ તેમાંથી સ્લાઇઝ કાપો.

ત્યારબાદ પાત્રાની સ્લાઈઝને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરો અથવા વઘારી લ્યો. મેં અહીં પાત્રા વઘાર્યા છે.

અળવીના પાત્રા વઘારવા માટેની સામગ્રી :

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 1ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 2 નાના તજ ના પાન
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 મોટા લાંબા કાપેલા મરચા
  • 1 ટેબલ સ્પુન કોપરાનું જાડું ખમણ
  • 2 ટેબલસ્પુન વ્હાઈટ તલ
  • પિંચ હળદર
  • પિંચ હિંગ
  • પિંચ લાલ મરચુ પાવડર

અળવીના પાત્રા વઘારવાની રીત :

એક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી વઘાર જેવું ગરમ થાય એટલે તેમાં 1ટી સ્પુન રાઇ, 1 ટી સ્પુન આખુ જીરુ, 2 નાના તજના પાન ઉમેરી બધું ઓઇલમાં તતડાવી લ્યો.

ત્યારબાદ 2 સ્ટ્રીંગ મીઠો લીમડો, 2 મોટા લાંબા કાપેલા મરચા, 1 ટેબલ સ્પુન કોપરાનું જાડું ખમણ, 2 ટેબલસ્પુન વ્હાઈટ તલ ઉમેરી સાંતળી લ્યો. હવે તેમાં પિંચ હળદર અને પિંચ હિંગ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં સ્લાઈઝ કરેલા પાત્રા ઉમેરી મિક્ષ કરી લ્યો. બરાબર બધો વઘાર મિક્ષ થઈ જાય ત્યાં સુધી ઉપર નીચે કરો. હવે તેના પર લાલ મરચુ પાવડર સ્પ્રીંકલ કરી મિક્ષ કરો.

હવે અળવીના પાનના પાત્રા સર્વ કરવા માટે રેડી છે.

એક સર્વિંગ પ્લેટમાં અળવીના પાનના પાત્રા મૂકી તેના પર થોડા લીલા મરચાના નાના પીસ, કોથમરી, કોપરાનું ખમણ અને ટોમેટો કેચપથી ગાર્નીશ કરો.

બધાને વરસાદી માહોલમાં આ અળવીના પાનના પાત્રા ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.