કોરોનાની વધતી ચિંતાથી કેન્દ્ર સરકારનો રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ, તહેવારોમાં નહીં ચાલે કોઈ પણ ઢીલાશ

છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાના કેસોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જો કે અમુક દિવસોથી આ કેસની સંખ્યા સ્થિર રહેવા પામી છે, અથવા તેમાં ધીમી ગતિએ વધારો પણ નોંધાયો છે. આવનારા દિવસોમાં તહેવારોનો સમયગાળો આવી રહ્યો છે, અને તેને લઈ ખરીદી માટે અને મેળાવડાઓમાં લોકોની ભીડ વધવાની પૂરી શક્યતાઓ છે.

image soucre

ભારતના માથેથી હજુ પણ ત્રીજી લહેરનો સંભવિત ખતરો પૂરી રીતે ટળી શક્યો નથી, અને આવનારા દિવસોમાં તહેવારોનો સમયગાળો હોવાથી માર્કેટમાં લોકોમાં ખરીદીનું પ્રમાણ વધવાની શક્યતા છે, જો ભીડ વધશે તો કોરોનાના કેસો પણ એકવાર માથું ઉંચકી શકે છે. શનિવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્ય સરકારો સંવાદ સાધ્યો હતો. વીડિયો કોન્ફરંસ દ્વારા બેઠક યોજી કોરોના મેનેજમેન્ટ અને રિસ્પોન્સ સ્ટ્રેટેજીના વિષય પર ચર્ચા કરવામાં આવી. રાજ્યોને તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે તહેવારો આવી રહ્યા છે, ત્યારે કોરોના ગાઈડલાઈનના પાલનમાં સહેજ પણ ઢીલાશ નહીં ચલાવી લેવાય.

image socure

કોરોના નિયમોનું સખત પાલન કરવાની જરુર પર તેમને ભાર મૂક્યો હતો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના હાલના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 3.5 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 35662 કેસ નોંધાયા હતા. આ સતત ત્રીજા દિવસે છે જ્યારે દેશમાં સતત 30 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 281 લોકોના મોત નોંધાયા છે.

image socure

મહારાષ્ટ્રના શહેરોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધતાં ચિંતા વધી રહી છે. મહત્વનું છે કે ગત બીજી લહેરમાં પણ મહારાષ્ટ્રમાં જ સૌથી પહેલા કેસોમાં વધારો થવાનું શરું થયું હતું. જેના હિસાબે રાજ્યમાં સરકાર દ્વારા કડક નિયંત્રણો લાગૂ કરી દેવામાં આવ્યા હતા. મુંબઈ અને થાણેમાં એક અઠવાડિયામાં કેસમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. મુંબઈમાં 15 સપ્ટેમ્બરે પોઝિટિવીટી રેટ વધીને 10.86 ટકા પર પહોંચી ગયો છે. અન્ય જિલ્લાઓ જેવા કે નાસિક, થાણે, અહેમદનગર અને મુંબઈમાં પણ દૈનિક કેસોની સંખ્યા વધી રહી છે.