પોલીસને કહ્યું ખાવા નથી અન્ન અને હવે ખાઈ રહ્યો છે જેલની હવા….

કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે તેવામાં જે લોકો શ્રમિક વર્ગના છે તેમની રોજગારી બંધ થઈ જતાં તેમના માટે બે સમયનું ભોજન કરવાના પણ ફાંફાં પડી ગયા છે. તેવામાં સરકાર અને અલગ અલગ રાજ્યોની સામાજિક સંસ્થાઓ કોઈ વ્યક્તિ ભુખ્યું ન રહે તે માટે તેમની જરૂરી વસ્તુઓ, અનાજ, શાક તેમજ ભોજન પહોંચાડી રહી છે.

image source

પરંતુ કહેવાય છે ને કે મફત મળે તો ઝેર પણ લઈ લેવાનું એવી ઘટનાઓ પણ સમાજમાં છાશવારે આ કપરી સ્થિતિમાં પણ બની રહી છે. મફતમાં જે વસ્તુ ગરીબો માટે છે તે વસ્તુનો લાભ લેવા ઈંજીનિયર જેવા લોકો પણ ખોટા બહાના કરતાં ઝડપાઈ જાય છે.

આ ઘટના બની છે અલવરમાં. અહીં લોકડાઉનના કારણે ઘરમાં અનાજ, કરીયાણું નથી તેવી ફરિયાદ એક ઈંજીનિયરએ કરી હતી. આ યુવાન અલવર જિલ્લાના નીમરાણા પોલીસ મથકમાં આવતાં એલ્ડિકો સોસાયટીમાં રહેતો હતો. નીમરાણા પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું કે ઉમરિયા એમ પીના નિવાસી અને હાલ અહીં રહેતા અતુલ ગુપ્તાએ પોતે ભુખ્યો હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ જ્યારે નીમરાણા પંચાયત સમિતિ વિકાસ અધિકારીએ આ ફરિયાદના આધારે તેના ઘરે જઈ તપાસ કરી તો તેના ઘરમાં પૂરતા પ્રમાણમાં અનાજ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

અતુલ ગુપ્તાનો ભાંડો ફૂટ્યા બાદ પોલીસએ તેની ધરપકડ કરી અને પુછતાછ કરી તો તેણે જણાવ્યું કે તેને પોતાના ઘરે પરત ફરવું હતું એટલે ખોટી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ગંભીર સ્થિતિમાં ખોટી ફરિયાદ નોંધાવા બદલ પોલીસએ તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી દીધી.

પોલીસના જણાવ્યાનુસાર અતુલ ગુપ્તાએ એમપી સરકાર પાસે જીવન જરૂરીયાતની વસ્તુઓ નથી તેવી ફરિયાદ કરી હતી. ત્યારબાદ રાજસ્થાન સરકારના પોર્ટલ પર આ ફરિયાદ આવી અને સ્થાનિક તંત્રને આ મામલે યોગ્ય કરવા આદેશ કરાયા. સ્થાનિક અધિકારીઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવક તો એક જાપાની કંપનીમાં ઈંજીનિયર છે અને તેણે આ મામલે ખોટી ફરિયાદ કરી છે.