23 વર્ષની ગીતા રબારીએ જ્યારે અમેરિકામાં ગાયું રોણા શેરમા, મચી ગઈ ધૂમ

આપણા ગુજરાતના પ્રખ્યાત કલાકારો ઘણી વખત વિદેશમાં કાર્યક્રમો માટે પણ જતા હોય છે. તાજેતરમાં લોકગાયિકા ગીતા બેન રબારી પણ અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં શિકાગો સહિત અલગ અલગ જગ્યાઓએ તેમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સાત જગ્યાના કાર્યક્રમોમાં તેમણે એવી ધૂમ મચાવી કે વિદેશમાં વસતા ગુજરાતીઓને તો મોજ પડી ગઇ પરંતુ સાથે જ અમેરિકાના ધોળીયાઓ પણ તેમના ગીત ના તાલે ઝૂમવા લાગ્યા.

રોણા શેરમા, તાળી પાડો તો મારા રામની સહિતના ગીતો ના કારણે ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય થઈ ગયા છે તેમના રાસ ગરબા ના પ્રોગ્રામ જોવામાં હજારોની ભીડ ઉમટી પડે છે. હવે વિદેશમાં પણ તેમની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે. તાજેતરમાં જ અમેરિકામાં વસતા ગુજરાતીઓએ ગીતાબેન રબારીના ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોની શરૂઆત શિકાગોથી થઈ હતી. ત્યારબાદ તેમણે અલગ અલગ સાત જગ્યાએ પ્રોગ્રામ કર્યા અને પોતાના અવાજના જાદૂથી અમેરિકામાં ધૂમ મચાવી દીધી. તેમનાથી પ્રભાવિત થઈ અમેરિકન્સ પણ પૂછવા લાગ્યા કે આ વ્યક્તિ કોણ છે જેનો આટલો સરસ અવાજ છે.

ગીતાબેન રબારી 23 વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં મોટું નામ બનાવ્યું. જોકે સંગીત સાથે તેમનો નાતો તો 10 વર્ષની ઉંમરથી જ જોડાઈ ગયો હતો જ્યારે તેમણે ગુજરાતી લોક ગીતો ગાવાનું શરૂ કર્યું. તેઓ જ્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે ગીત ગાવાની શરૂઆત કરી હતી. એક કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમણે એક ગીત ગાયું હતું. તે સમયે મુખ્યમંત્રી મોદી પણ એટલા ખુશ થઈ ગયા કે તેમણે ગીતાબેન રબારીને 250 રૂપિયાનું ઇનામ આપ્યું હતું.

પ્રાથમિક શાળા થી શરૂ થયેલી સંગીતની સફર ને ગીતાબેન રબારી એ ખૂબ પરિશ્રમ સાથે આગળ વધારી અને આજે તેમણે એટલી સિદ્ધિ મેળવી તે વિદેશમાં પણ તેમના નામનો ડંકો વાગ્યો. તેઓ ભજન, લોકગીત, સંતવાણી અને ડાયરા માં તો ધૂમ મચાવે જ છે પણ હવે તો તેઓ ડિજિટલ મીડિયામાં પણ લોકપ્રિય ગાયક બની ચૂક્યા છે. Youtube પર તેમના ગીતો લાખો-કરોડો વખત જોવાઈ ચૂક્યાં છે. તેમના સૌથી લોકપ્રિય થયેલા રોણા શેરમાં ગીત ને youtube પર ૩૧ કરોડ થી વધુ વખત જોવામાં આવ્યું છે.