વાંચો વતન સાથે સતત સંપર્ક રાખવા આ ભાઇના અથાગ પરિશ્રમ વિશે…

મુંબઈમાં રહીને આઠ દાયકા સુધી ગુજરાતીપણાનું જતન અને સંવર્ધન કરતા હેમરાજ શાહ કચ્છીયતનું ખમીર અને ગુજરાતીપણાનું ગૌરવ છે…

કચ્છનો સ્વભાવ સંવેદનાનો છે. કચ્છીમાડુઓ વેદનામાંથી સંવેદના પ્રગટાવે છે. તેઓ અભાવમાંથી એવો સ્વ-ભાવ જન્માવે છે કે માનવતાનો પ્રભાવ ઊભો થાય છે. કચ્છીઓ રણને સહે છે, તરસને સ્વીકારે છે, વાવાઝોડાને સ્વીકારે છે, કુદરતી આપત્તિઓને ઝીલે છે, સૂકા પ્રદેશની અનેક કઠણ સ્થિતિને સહીને છેવટે તો તેઓ હૃદયની ભીનાશને બરકરાર રાખે છે. કચ્છીઓની આ જ વિશેષતા છે.

વતનને ધબકતું રાખવા એ સ્થળાંતર કરે છે પણ વતનના સંસ્કાર અને પરંપરાને ભૂલતા નથી. કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે પૈસો બનાવવાનું કચ્છીઓને મંજૂર નથી. તેઓ પૈસા પાછળ પાગલ પ્રજા નથી. આકરી મહેનત કરીને તે સમૃદ્ધિનું સર્જન ચોક્કસ કરે છે, બે કે ચાર પાંદડે થાય છે, પણ પોતાના કચ્છીયતના મૂળ અને કૂળને એ ભૂલતા નથી. તેઓ વતનપ્રેમને, માનવતા અને વિશાળતાને, સહિષ્ણુતા અને સંવેદનશીલતાને હૃદયમાં રાખીને બેસી રહેનારી પ્રજા નથી. તેઓ આ બધાને અમલમાં પણ લાવે છે. અને તેથી એમ કહી શકાય કે કચ્છ અનુભવવા જેવો અલક છે, જોવા જેવો મલક છે અને ભમવા જેવી ભોંમકા છે.

ગામતરાં કરીને દેશ-વિદેશમાં પ્રસરેલા અનેક કચ્છીઓએ કચ્છીયતને ગૌરવ અપાવ્યું છે. આજે વાત કરવી છે મુંબઈમાં વસીને કચ્છીયત અને ગુજરાતીપણાને ગૌરવ અપાવનારા હેમરાજ શાહની. હમણાં તેમણે ૮૦ વર્ષ પૂર્ણ કર્યાં. જોકે તેમના ચહેરા પરની તાજગી અને પ્રસન્નતા જાઈને કોઈને લાગે નહીં કે તેઓ ૮૦ના થયા છે. સતત પ્રવૃતિઓ કરીને તેમણે ઉંમરને હરાવી છે. અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા તેમણે ગુજરાતીપણા અને માનવતાને જીવંત રાખી છે. શૂન્યમાંથી સર્જન કરીને મુંબઈમાં સ્થાયી થયા-વિકસ્યા એ તેમની વ્યક્તિગત સિદ્ધિ પણ તેઓ સ્વાર્થી જણ નથી. ગમતું હોય તો ગુંજે ભરવાની વૃત્તિ તેમનામાં નથી.

તેઓ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક અને સંવાહક છે. તેમના વિશેનું પુસ્તક હમણાં પ્રકાશિત થયું. તેમાંથી પ્રસાર થતાં થાય કે કોઈ એક માણસ એક જન્મમાં આટલું બધું કરી શકે ?

હેમરાજભાઈ શાહ કોણ છે ?

મુંબઈમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવા સતત મથતો જણ અને ગુજરાતીપણાની સાચુકલી જણસ. સદાબહાર વ્યક્તિત્વ અને સતત કતૃત્વ. થાકનું તો નામ જ નહીં. શરીરની ઉંમર વધે પણ તેમના મનની વય ઘટે. નીવ નવાં આયોજન કરે. પ્રવૃતિ પુરુષ. તેમને પ્રવૃતિ વિના ચાલે જ નહીં. તેમનાં કાર્યોનો હું બે દાયકાથી સાક્ષી રહ્યો છું. ગુજરાતી સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે તેમણે અખૂટ કાર્યો કર્યાં છે. ઉપક્રમો વિવિધ પણ પ્રયોજન એક જઃ ગુજરાતીપણાની રખેવાળી.

મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરીને તેનો મજબૂત પાયો તેમણે નાખ્યો. આ અકાદમી માટે તેમણે વાર્ષિક ૩૫ લાખનું બજેટ મંજૂર કરાવીને એનો એવો ઉત્તમ ઉપયોગ કર્યો કે ગુજરાતી ભાષા અને સાહિત્ય મુંબઈમાં સતત ધબકતાં જ રહ્યાં. આ તેમનું મોટું પ્રદાન.

બહુ ઓછા લોકો જાણતા હશે કે સમગ્ર વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવાનો યશ હેમરાજભાઈને જાય છે. મહારાષ્ટ્રમાં મરાઠી દિવસ ઉજવાય છે તેના પરથી તેમને ગુજરાતી દિવસ ઉજવવાનો વિચાર આવ્યો. વીર કવિ નર્મદના જન્મદિવસને તેમણે માતૃભાષા ગુજરાતી દિવસ તરીકે પસંદ કર્યો અને એ દિવસે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે એક ગુજરાતી અને એક મરાઠી સાહિત્યકારને પોંખવાનો પ્રારંભ કર્યો. (આ લખનારનું પણ તેમાં ચપટીક પ્રદાન..) એ પછી તો બીજી સંસ્થાઓએ પણ ૨૪મી ઓગસ્ટ, કવિ નર્મદના જન્મદિવસને ગુજરાતી ભાષા દિવસ ગણીને ઉજવવાનું શરૂ કર્યું છે. જોકે તેની પહેલ તો હેમરાજભાઈએ જ કરી.

તેઓ જમીન પરના માણસ. ચિત્રલેખા અને મુંબઈ સમાચાર સાથે મળીને વિવિધ વિષયો પર તેઓ નિયમિત રીતે નિબંધ સ્પર્ધાઓ યોજે. તેના વિષયો સામાજિક કે ભાષાકીય હોય અને તેનું સ્તર જબરજસ્ત હોય. માતા-પિતા, માતૃભાષા, સંયુક્ત પરિવાર.. એમ સરસ વિષયો પર નિબંધ સ્પર્ધાઓ થઈ અને તેનાં પુસ્તકો પણ થયાં. આ છે એક સાચુકલા નેતૃત્વકારની ઓળખ. ઉપર ઉપરનું જ વિચારે એ સાચો લીડર ના કહેવાય. સમાજપ્રવાહને સ્પર્શે એ જ સાચો આગેવાન. હેમરાજભાઈ શાહમાં કાર્યક્રમો અને ઉપક્રમોનો સરસ રીતે સમન્વય કરવાનો, સમાજના તમામ ભાગોને સ્પર્શ થાય તેવું ધ્યાન રાખવાનો કસબ છે. મુંબઈમાં ગુજરાતી ભવનની સ્થાપના માટે તો તેઓ યશના પૂરા અધિકારી છે જ, પણ ગુજરાતીઓના હૃદયમાં તેમણે ગુજરાતીપણાનાં જે હૂંફાળાં ઘર બાંધ્યાં તેના માટે તો તેમને જેટલા પોંખીએ એટલા ઓછા.

હેમરાજભાઈનું વતન ભચાઉ તાલુકાનું સામખિયાળી ગામ ૨૨મી માર્ચ, ૧૯૪૧ના રોજ તેમનો જન્મ. પિતાનું નામ વિરમભાઈ શાહ. તેઓ એક વર્ષના થયા ત્યાં સુધીમાં માતા અને પિતા બંનેની છત્રછાયા તેમણે ગુમાવેલી. મોટા ભાઈ અને મોટી બહેનને માતા-પિતા માનીને તેઓ ઉછર્યા. મુંબઈ ગયા. મુંબઈમાં કચ્છીઓની કારકિર્દી મોટાભાગે ફૂટપાથ પરથી જ શરૂ થાય છે. હેમરાજભાઈ માટુંગા બોર્ડિંગ સ્કૂલમાં હતા ત્યારથી જ તેમની સામાજિક પ્રતિબધ્ધતા બહાર આવી હતી. એ વખતે તેમણે સંગમ ફિલ્મનો ચેરિટી શા કરેલો. તેમનું ચિત્ર સારું હતું એટલે જે.જે. સ્કૂલ ઓફ આટ્‌ર્સમાં ભણેલા. સમયાંતરે રેખા પ્રકાશનનો પ્રારંભ કરેલો. ૧૯૬૯માં તેમણે કાકાસાહેબ કાલેલકરની જન્મજયંતી ઉજવી હતી. ગજબનો આ આત્મવિશ્વાસ. તેમને કોઈ નહોતું ઓળખતું ત્યારે પોતાના એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી વસંતરાય નાઈકને લઈ આવેલા.

કચ્છ જ્યારે જ્યારે આપત્તિમાં આવ્યું ત્યારે ત્યારે તેઓ ખડેપગે અને ભરેલા હૃદયે કચ્છની સાથે ઊભા રહ્યા. ૧૯૮૭માં તેમણે ભૂજમાં કલ્યાણજી-આણંદજી નાઈટ કરેલી. દુષ્કાળગ્રસ્તો માટેના એ કાર્યક્રમમાં કિશોરકુમાર અને અમજદ ખાન પણ આવેલા. ૧૯૮૬માં તેમણે કચ્છ ભારતીય સંસ્થાના નેજા હેઠળ નારાયણ સરોવર વિસ્તારમાં ગરીબ મજૂરો માટે સુખડી વહેંચેલી તો પાણીની ટાંકીઓ અને ઢોરવાળાનું પણ આયોજન કરેલું. આવી પ્રવૃત્તિઓની સૂચી બનાવીએ તો પણ એક નાની પુસ્તિકા થાય. દુલેરાય કાલાણીનો અમૃત મહોત્સવ હોય કે શ્યામજી કૃષ્ણ વર્માની ૫૦મી પુણ્યતિથિ હોય. હેમરાજભાઈ શાહ ઊજવણી કરે અને ભવ્ય રીતે જ કરે.

હેમરાજભાઈ શાહની સજ્જતા, અનુભવ અને પ્રતિબધ્ધતાનો લાભ સમગ્ર વિશ્વમાં વસતી ગુજરાતી પ્રજાને પણ મળ્યો છે. તેઓ વર્ષોથી વિશ્વ ગુજરાતી સમાજના ચાવીરૂપ હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેઓ નામદાર નહીં, પરંતુ કામદાર માણસ છે. તેમને વાતોમાં નહીં, કાર્યોમાં વધારે રસ છે. હૃદયમાં પડેલું હોય તે અમલમાં લાવવામાં તેઓ માને છે.

આઠ દાયકામાં હેમરાજભાઈએ એક નહીં, પરંતુ ચાર-પાંચ જિંદગીમાં કરી શકાય તેટલા કાર્યો કરીને માનવતાને ઊજળી કરી છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત