GPSC માં વર્ગ – 1 અને વર્ગ – 2 માટે બહાર પડી ભરતી, એ સિવાય પણ અહીં છે જગ્યાઓ ખાલી

મોટાભાગના યુવાનો ભણીગણીને સારી નોકરી મળી જાય તે માટે દોડાદોડી કરતા હોય છે. વળી, શિક્ષિત બેરોજગાર યુવાનોએ નોકરી મળે તે માટે સંઘર્ષ પણ કરવો પડે છે અને પડકાર પણ ઝીલવા પડે છે. જો કે ક્યારેક નસીબ પણ ખરે ટાણે જ ઉઘડે તેવું પણ બનતું હોય છે. ત્યારે વર્તમાન સમય નોકરીની અપેક્ષા રાખીને બેઠેલા શિક્ષિત બેરોજગારો માટે સરકારી નોકરીની સીમિત છતાં અમુક તકો લઈને આવ્યો છે એવું કહી શકાય. કારણ કે તાજેતરમાં જ પંચાયત વિભાગ એ 15 હજાર જેટલી જગ્યાઓ માં ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે એ ઉપરાંત હવે gpsc એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરી છે.

GPSC કરશે વર્ગ – 1 અને વર્ગ – 2 ની 108 જગ્યાઓમાં ભરતી

image source

ઉલ્લેખનીય છે કે GPSC એટલે કે ગુજરાત લોક સેવા આયોગ / ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તાજેતરમાં જ અલગ અલગ જગ્યાઓ માટે વર્ગ – 1 અને વર્ગ – 2 ની જગ્યા માટે ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. GPSC એ જે ખાલી જગ્યાઓ માટે વર્ગ – 1 અને વર્ગ – 2 ની ભરતી કરવાની જાહેરાત કરી છે તે 108 જગ્યાઓ માટે છે. આ 108 જગ્યાઓમાં વર્ગ – 1 ની 73 ખાલી જગ્યા માટે તેમજ વર્ગ – 2 ની 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. GPSC દ્વારા કરવામાં આવેલી ભરતીની આ જાહેરાત લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી બહાર પડે તેની રાહ જોઇને બેસેલા અને GPSC ની તૈયારી કરવામાં પરસેવો પાડનાર યુવાનો માટે રાહતના સમાચાર છે.

GPSC દ્વારા કયા પદ પર કેટલી ભરતી કરવામાં આવશે ?

image source

GPSC દ્વારા ઉપર જણાવી તે મુજબ વર્ગ – 1 અને વર્ગ – 2 ની જે ખાલી જગ્યા માટે ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે 108 જગ્યાઓ છે. આ જગ્યા કયા કયા પદ માટેની છે તેની વાત કરીએ તો નાયબ કલેક્ટરની 15 જગ્યાઓ માટે, DySPની 8 બેઠકો માટે જિલ્લા / નાયબ રજિસ્ટ્રારની 1 જગ્યા માટે, સહાયક રાજ્ય વેરા કમિશનરની 48 જગ્યા માટે, મામલતદારની 12 જગ્યા માટે, TDO અને મદદનીશ જિલ્લા રજિસ્ટારની 10 -10 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો આગામી 28 સપ્ટેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકશે. એ ઉપરાંત વર્ગ 1 – 2 ની 108 જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર રાખવામાં આવી છે.

તાજેતરમાં જ પંચાયત વિભાગમાં 15000ની ભરતી કરવાનો લેવાયો નિર્ણય

image source

ઉલ્લેખનીય છે કે નવી રચાયેલી ભૂપેન્દ્ર સરકારના મંત્રી બ્રિજેશ મેરાજા દ્વારા પંચાયત વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની જાહેરાત કરાઈ હતી. વર્ષ 2018-19 ની તલાટીની ભરતી પ્રક્રિયા ફરીથી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. તલાટીની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે તેવી જાહેરાત પંચાયત વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ પણ થાય છે કે વર્ષ 2018 -19 ની તલાટીની ભરતી પ્રક્રિયા રદ ગણવામાં આવી શકે અને ભરતી માટે ભરાયેલ ફોર્મની ફી પરત કરાઇ શકે. જે માટે સમયગાળો પણ નક્કી કરી દેવામાં આવ્યો છે અને 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન ફી પરત કરવામાં આવશે. ઉમેદવારે જે જીલ્લા પંચાયતમાં અરજી કરી હશે તે જીલ્લા પંચાયતમાંથી ફી પરત મળશે પરંતુ ઉમેદવાર પાસેથી ફી ભરવા પર આપવામાં આવેલી પહોંચ મેળવવાની રહેશે.