24 કલાકમાં પરિવારના 2 મોટા વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારજનોંને પડી મોટી ખોટ, ત્યારે પત્રકાર ટીકેન્દ્ર રાવલે કહેલા આ શબ્દો તમને પણ રડાવી મુકશે…

દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અનેક લોકો પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાતના અમદાવાદના પત્રકાર ટીકેન્દ્ર રાવલ સાથે બન્યો. તેઓના પરિવારના માથે પણ કોરોના સંકટ આવ્યું. ટીકેન્દ્ર રાવલ પોતાના પરિવારની આપવીતી જણાવતા કહે છે કે દેશની કોરોનાની સ્થિતિ વ્યથિત કરી દે તેવી છે પણ આ સમયે જ્યારે મારા પરિવાર પર આફત આવી અને મેં મારા સ્વજનો ગુમાવ્યા ત્યારે મને તેના દુઃખનો અહેસાસ થયો.

જાણીતા પત્રકાર ટીકેન્દ્ર રાવલ કહે છે કે કોરોનાના કપરા કાળમાં અઠવાડિયા પહેલા જ મારા કાકીનો ફોન આવ્યો. તેઓ કહેવા લાગ્યા કે ટીકા તારા કાકાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેઓએ મને કહ્યું કે તેમને ઓક્સીજન પણ ઓછો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેમના અવાજનું દર્દ હું કલ્પી શક્યો અને પળવારનો પણ વિલંબ કર્યા વિના હું, મારી પત્ની અને દીકરી કલગી તેમની પાસે હાજર થઈ ગયા. જ્યારે હું પહોંચ્યો ત્યારે તેમને ઓક્સીજન ઘટી રહ્યો હોવાથી અને સાથે અન્ય કોઈ તકલીફ ન હોવાથી તેમને ઘરે જ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી.

પરિવારના લોકો કહી રહ્યા હતા કે કાકાને દાખલ કરાય પણ તેમના મનની ઈચ્છા અલગ જ હતી

image source

હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મારા કાકા ડો. કનુભાઈ રાવલને ઘરે જ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. કાકાને ટ્રીટમેન્ટ માટે પરિવાર જનો હોસ્પિટલ લઈ જવાનું સૂચન કરી રહ્યો હતો પણ મને તેમની આંખોમાં અલગ જ વાત દેખાઈ રહી હતી. તે એ કે મારા કાકા અને કાકી એકમેકથી અલગ થવા ઈચ્છતા ન હતા. મેં જ્યારે તેમની સામે જોયું તો તેમની આંખો મને જાણે કે આજીજી કરી રહી હતી કે ના ટીકા અમને જુદા ના પાડીશ, તારા કાકા હોસ્પિટલમાં જશે તો હું અને બંને અલગ અલગ થઈ જઈશું. કાકા અને કાકીનો ઈશારો હું સમજી ગયો હતો. મેં કહ્યું કે ના તેમને હોસ્પિટલ નથી લઈ જવા. આપણે ઘરે જ તેમની સારવાર કરાવીશું. હું તેમની અને કાકીની તમામ જવાબદારી લઈશ. પરંતુ કાકીના પિયરપક્ષના સભ્યો માન્યા નહીં. કાકાની તેમને પણ ચિંતા હતી તે માન્યું પણ તેઓએ અમને કોઈને પણ જાણ કર્યા વિના કાકાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી લીધા. એ જ દિવસે મેં કીધું કે કાકા અને કાકીને ઘરે સાથે જ રહેવા દો. જો તમે તેમને અલગ કરશો તો તે બંનેમાંથી કોઈ પણ જીવિત રહેશે નહીં. આ પછી થયું પણ એવું. 3 જ દિવસમાં 7 મેના રોજ તેમનો સ્વર્ગવાસ થયો.

કાકાના મૃત્યુ થયા બાદ 24 કલાકમાં કાકીએ પણ પ્રાણ છોડ્યા

જ્યારે કાકાને હોસ્પિટલમાં તેમની અને કાકીની ઈચ્છા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાં તેમના પ્રાણ છૂટ્યા અને કાકાના મૃત્યુ બાદ જ કાકીએ પણ 24 કલાકમાં દુનિયાને અલવિદા કહ્યું અને કાકાની પાસે ચાલ્યા ગયા. 24 કલાકમાં પરિવારના 2 મોટા વ્યક્તિની ખોટ જીરવવી મારા માટે અઘરું હતું. કાકા ડોક્ટર અને કાકી શિક્ષક. બંનેએ 50 વર્ષ એકસાથે જીવન મોજથી ગુજાર્યા બાદ તેઓએ એક સાથે જ દુનિયાને અલવિદા કહ્યું. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તેઓ તેમના લગ્ન જીવનમાં ક્યારેય પણ એકમેકથી અલગ થયા નથી. પણ જ્યારે કાકા હોસ્પિટલમાં ગયા ત્યારે કાકીએ તેમના વિરહમાં પ્રાણ છોડ્યા.

image source

ટીકેન્દ્ર રાવલ કહે છે કે મને એક જ વાતનો અફસોસ રહ્યો કે મારી જેમ જો કાકા કાકીનું દર્દ કાકીના પિયરજનો સમજી શક્યા હોત અને તેમને એકમેકથી અલગ ન કર્યા હોત તો તેઓ આજે સાથે જીવન વ્યતિત કરી રહ્યા હોત. મને એક વાતનો સંતોષ છે અને સાથે જ મારા માટે સૌથી સુખની વાત એ રહી કે કાકા કોરોના પોઝિટિવ હોવા છતાં તેમને અને કાકી ને છેલ્લે છેલ્લે મળવા માટે જનારા માં હું, મીના અને કલગી જ હતા. પરંતુ તેમની સાથે છેલ્લી ઘડીએ પણ હોવાનો અને તેમની સેવા કરવાનો મને જે અવસર મળ્યો તેનો મને સંતોષ છે અને સાથે જ તેમનો આર્શિવાદ રૂપી હાથ ગુમાવવાનું દુઃખ પણ. હવે તો પ્રભુને એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન મારા કાકા અને કાકીના આત્માને શાન્તિ અર્પે…