આજની પોઝિટિવ સ્ટોરી: અમદાવાદનાં એક સ્વમાની, પ્રતિભાશાળી અને પરિશ્રમી મહિલાની ગાથા

અમદાવાદનાં એક સ્વમાની, પ્રતિભાશાળી અને પરિશ્રમી મહિલાની ગાથાઃ સ્ત્રી માત્ર બાળકને જ જન્મ આપે છે તેવું નથી, તે ઘોર અંધકારને ચીરીને પ્રકાશનું કિરણ પણ જન્માવી શકે છે…

આજકાલ અનેક લોકો વાતવાતમાં ડિપ્રેશનમાં આવી જાય છે. મોટો પડકાર તો જવા દો નાનકડી પડકારી આવે તો પણ ભયભીત થઈ જાય છે. ફિલ્મો જોઈને આભાસી વિશ્વમાં મહાલતી યુવતીઓ વાતે વાતે ગભરાઈ જાય છે. આવા લોકોને પ્રેરણા આપે તેવી એક સત્યકથા આજે મિત્રો સાથે વહેંચવી છે.

image source

*****

વાત અમદાવાદની છે. એક 45 વર્ષનાં શ્રમિક બહેન છે. એ બહેન સ્વમાની, પ્રતિભાશાળી અને પરિશ્રમી છે. તેમને બે દીકરીઓ છે. નિયતિએ જાણે કે તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું છે. ડગલેને પગલે પડકારો આવ્યા છે. નીતનવો સંઘર્ષ તેમની રાહ જોઈને બેઠો હોય છે. જોકે, આ બહેન સહેજે વિચલિત થતાં નથી. તેઓ દરેક પડકારને મક્કમતાથી અને પોતાની અંદર પડેલી શક્તિથી ઝીલે છે. અને હા, છેવટે તેઓ જીતે છે.

image source

*

આ બહેન અત્યારે એક સંસ્થા કમ શોરુમમાં કામ કરી રહ્યાં છે. આ સંસ્થામાં તેઓ સેવક (પટાવાળા) તરીકે જોડાયેલાં. પરચુરણ કામ કરતાં. એવું કહેવાય છે પ્રતિભા ઢાંકી રહેતી જ નથી. એક વખત મહેમાનોને નાસ્તો કરાવવાનો હતો. આ બહેને સામેથી કહ્યું કે, મને રસોઈ આવડે છે. તમે કહો તો હું નાસ્તો બનાવી દઉં. એ પછી તો તેમણે એવો સરસ નાસ્તો બનાવ્યો કે બધા આંગળાં ચાટતાં રહી ગયાં. આ બહેનમાં રસોઈ કરવાની આવી જબરજસ્ત કળા પડેલી છે તેની કોઈને ખબર જ નહોતી. પછી તો તેમને નવું કામ મળી ગયું. એ સંસ્થા પોતાના સ્ટાફના 40-50 સભ્યોને નાસ્તો આપે અને 25-30 વ્યક્તિ માટે જમવાનું પણ ગોઠવે. એ બધી જવાબદારી આ બહેને સ્વીકારી લીધી. તેમનામાં નિષ્ઠા પારાવાર. જે કામ કરે તે ઓગળીને કરે. સરસ જ કરે.

image source

તેમના શરીર પર અનેક વખત સહકર્મીઓએ મારનાં નિશાન જોયેલાં. હકીકત એવી હતી કે એ બહેનના પતિ ઓટો રીક્ષા ચલાવે અને ખૂબ દારુ પીએ. દારુ પીએ એટલે ભાન ભૂલી જાય. પત્નીને મારઝૂડ કરે. આ બહેન પગભર થયાં પછી તેમનામાં થોડી હિંમત આવી. પછી તો પ્રતિકાર કરતાં પણ થયાં. મારઝૂડ બંધ થઈ.

તેમનાં એક સહકર્મી પોઝિટિવ મીડિયાને કહે છે કે તેઓ જોડાયેલાં ત્યારે શરૂઆતમાં આ બહેનના શરીર ઉપર ઈજાના ઘા હોય, પરંતુ ચહેરા પર તો કાયમ હાસ્ય જ હોય. તેમનો સ્વભાવ જ હસમુખો. હાસ્ય તેમને અત્યંત સહજ. તેમની બીજી વિશેષતા એ કે કોઈ દિવસ કોઈ કામની ના ન પાડે. તેમનો ઘરે જવાનો સમય થઈ ગયો હોય અને અચાનક મહેમાનો આવ્યા હોય તો તેઓ સામેથી પૂછે કે નાસ્તો બનાવવાનો હોય તો બનાવીને પછી જાઉં. આવી તેમની ભાવના. કામચોરી બિલકુલ નહીં. આળસ સહેજે ય નહીં. સામેથી કામ માગે અને શ્રેષ્ઠ રીતે કરે પણ ખરાં.

image source

તેમને બે દીકરીઓ છે. દીકરીઓનો શ્રેષ્ઠ ઉછેર એ તેમનાં જીવનનો મુખ્ય ધ્યેય છે. અમદાવાદના એક વિસ્તારમાં એક નાનકડી ખોલીમાં તેઓ ભાડે રહે છે. અગવડ પડે છે, પરંતુ તેઓ ક્યારેય અગવડને અગવડ માનતાં જ નથી. તેઓ કહે છે કે જીવનમાં સમસ્યા જેવું કંઈ હોતું જ નથી, જુદી જુદી સ્થિતિ હોય છે. તેમને પોતાને ઘરનું ઘર લેવાનું સ્વપ્ન છે. દીકરીઓને ભણાવી-ગણાવીને યોગ્ય રીતે ઠરીઠામ કરવાની મહેચ્છા છે. એ કરશે જ કારણ કે, તેમનામાં એ બધી શક્તિ પડેલી છે.

જે સ્ત્રી પગભર થતી હોય છે તે સ્ત્રી ઝડપથી હૃદયભર પણ થઈ જતી હોય છે. આર્થિક શક્તિ સ્ત્રીને મોટી હીંમત આપે છે. આ બહેન કમાતાં થયાં એટલે તેમનામાં નવો આત્મવિશ્વાસ, નવો મિજાજ અને અને નવો રૃઆબ આવ્યો છે. હા, આભિજાત્ય અને ખાનદાની બરકરાર છે. તેમણે પોતાના પતિને સુધારવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. થોડીક સફળતા મળી, ઘણી નિષ્ફળતા મળી. હજી તેમનાં પ્રયત્નો ચાલુ જ છે. તેઓ જીવનને રચનાત્મક રીતે જુએ છે. કહે છે કે પ્રયાસો કદી છોડવાના નહીં.

image source

કોઈ તેમના પર દયા કરે તે તેમને ગમતું નથી. તેઓ સહાનુભૂતિ ઝંખતાં નથી. તેઓ આપ મહેનતમાં માને છે. દરેક વ્યક્તિએ પોતાનો ઉત્કર્ષ જાતે જ કરવો જોઈએ તેવું તેઓ સમજે છે. એ માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યાં છે. લોકડાઉન વખતે તેમને સંસ્થાએ રાશન-કીટ આપી. તેમણે સ્વીકારી. જોકે પછી એવું થયું કે એક રાશન-કીટ તેમના મકાનમાલિકે પણ મોકલાવી. મકાનમાલિક વાળી રાશન-કીટ મળી એટલે તેમણે સંસ્થાની કીટ સંસ્થાના એક વધારે જરુરિયાતમંદ સહકાર્યકરને જાતે પહોંચાડી.

આવી છે તેમની ભાવના.

આપણી આજુબાજુ આવી અનેક સ્ત્રી શક્તિઓ જીવી રહી છે. એ રણમાં ઝરણ પ્રગટાવે છે. એ રણમાં નંદનવન ઊભું કરે છે. આપણે મોટાભાગે બહેનોને હંમેશાં અંડર એસ્ટિમેન્ટ કરીએ છીએ. આપણે બહેનોને હંમેશાં નીચી નજરે જોઈએ છીએ અને જો તે ઊંચે પહોંચે તો સાંખી શકતા નથી. આ મર્યાદા છે. જે સમાજમાં સ્ત્રીઓ અને બાળકો હેમખેમ છે એ સમાજ જ સ્વસ્થ સમાજ છે.

image source

બહેનોમાં અપાર શક્તિ હોય છે. તેમનામાં વિપરિત અને વિકટ સંજોગોનો સામનો કરવાની જે ભરપૂર તાકાત પડેલી હોય છે તેનો આપણે મહિમા કરતા નથી. સ્ત્રીઓ પર થતા અત્યાચારોની કહાનીઓની સાથે સાથે સ્ત્રીઓએ પડકારોને હરાવીને જિંદગીના આકાશમાં એકસાથે અનેક મેઘધનુષ્ય સર્જ્યાં હોય તેની વાતો આલેખાવી જોઈએ.

બીજી વાત એ પણ છે કે, આજે જે બહેનની વાત લખી એ જ સાચું ભારત છે. એ ભારતની સાચી શક્તિ છે. માત્ર ભારતની જ નહીં, વિશ્વની અને માનવતાની પણ. મીડિયા અને સોશિયલ મીડિયાને કારણે આપણે કેટલીક સ્ત્રીઓને સ્ત્રી શક્તિ માની બેસીએ છીએ. તેમને સેલિબ્રિટી બનાવીને આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ. ખરેખર તો અનેક મહેનતકસ માતાઓ આ ભારતની સાચી હિરોઈનો છે, નાયિકાઓ છે.

image source

કોઈ હિન્દી ફિલ્મની ચામડી રીતે રૂપાળી નાયિકા કરતાં હૃદયથી રૂપાળી આ બહેનને હું સાચી નાયિકા ગણું. પરદા પર રોલ કરવો અને જીવનના કઠણાઈને અતિક્રમીને સુંદર જીવનનું ચિત્ર સર્જવું એ બેમાં જમીન- આસમાનનો ફરક છે. જે દિવસે ભારતની કરોડો કિશોરીઓ અને યુવતિઓ ફિલ્મ કે અન્ય ક્ષેત્રોની બહેનોને બદલે આવી સાચી નાયિકોને સમજશે અને અનુસરશે તે દિવસે ખરેખર ભારતમાં સોનાનો સૂરજ ઉગશે. એ બહેનને જેટલાં વંદન કરીએ તેટલાં ઓછાં છે. ભગવાન તેમને ખૂબ શક્તિ અને સંવેદના આપે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત