લાંબી દાઢી અને વાળમાંથી ટ્રીમ દાઢી અને ટુંકા વાળ સુધીના વડાપ્રધાન મોદીના લૂક્સની ભારે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરુઆત કરી હતી. આ એવું પ્લેટફોર્મ છે જેના વડે રેલ્વે અને સડક સહિત 16 મંત્રાલયોને જોડતું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ યોજનાના લોંચ સમયે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું વડાપ્રધાન મોદીએ તેમના લુક્સને લઈને. આમ તો વડાપ્રધાન મોદી સમયાંતરે તેમના લુક્સમાં ફેરફાર કરતાં જ રહે છે પરંતુ આ વખતે તેમણે સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. કોરોના કાળ બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી ફરીથી ટુંકા વાળ અને ટુંકી દાઢીમાં જોવા મળ્યા હતા. કોરોના મહામારી દરમિયાન જ્યારે પીએમ મોદીએ દાઢી અને વાળ વધાર્યા હતા ત્યારે પણ લોકોમાં ભારે ચર્ચા થઈ હતી.

છેલ્લા 19 મહિનાના સમયમાં ફરી એકવાર તેમનો લૂક બદલી ગયો છે. ફરીથી પીએમ મોદી ટુંકા વાળ અને ટુંકી દાઢીમાં જોવા મળતા તેમના અગાઉના બદલાયેલા લૂક્સની ચર્ચાઓ પણ જોરશોરથી થવા લાગી છે. છેલ્લે વડાપ્રધાન મોદી ટુંકી દાઢીમાં જોવા મળ્યા હતા. 24 માર્ચ 2020ના રોજ જ્યારે તેમણે દેશને સંબોધિત કરતાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ જ્યારે જ્યારે તેઓ દેશને સંબોધન કરવા જનતા સામે આવ્યા ત્યારે ત્યારે તેમની વધેલી દાઢી જોવા મળી હતી.

લોકડાઉન બાદ જ્યારે તેમણે મે મહિનામાં આત્મનિર્ભર પેકેડની જાહેરાત કરી ત્યારે તેઓ પહેલીવાર લાંબી દાઢીમાં જોવા મળ્યા હતા. જો કે આ સમયે તેમના વાળ લાંબા ન હતા. ત્યારબાદ 21 જૂન 2020ના રોજ જ્યારે યોગ દિવસ પર પીએમ મોદી લોકો સામે રુબરુ થયા ત્યારે તેમની દાઢી સાથે મુંછ પણ વધેલી જોવા મળી હતી.

જૂન બાદ ઓગસ્ટ મહિનામાં તો પીએમ મોદીના દેખાવમાં આમૂલ પરિવર્તન આવી ગયું અને જ્યારે તેઓ 31 ઓક્ટોબર 2020ના રોજ કેવડિયા આવ્યા ત્યારે તો લાંબી દાઢી સાથે લાંબા વાળમાં પણ તેઓ જોવા મળ્યા હતા. ગત વર્ષે દિવાળી પર એટલે કે નવેમ્બર મહિનામાં તેમના વાળ લાંબા અને વાંકળિયા જોવા મળ્યા હતા.

જાન્યુઆરી માસમાં જ્યારે તેમણે ઓડિસ્સામાં એક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે તેઓ ભરાવદાર દાઢી અને લાંબા વાળમાં જોવા મળ્યા હતા. ફેબ્રુઆરીમાં તમિલનાડુના પ્રવાસ દરમિયાન તેમની લાંબી દાઢી અને લાંબા વાળે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ સમયે તેમના વાળ અને દાઢી અગાઉ કરતાં પણ વધારે લાંબા જોવા મળ્યા હતા. ગત 15 ઓગસ્ટ સુધી પીએમ મોદી લાંબા વાળ અને દાઢીમાં જોવા મળ્યા હતા.

જ્યારે સપ્ટેમ્બરમાં તેઓ અમેરિકા પ્રવાસે રવાના થયા ત્યારે તેમના લૂકમાં પહેલીવાર ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ ઓક્ટોબરમાં પહેલીવાર તેઓ ફરી એકવાર ટ્રીમ દાઢી અને ટુંકા વાળમાં જોવા મળતા ફરીથી તેમના લૂક્સ ચર્ચાનો વિષય બન્યા છે. જો કે આ સમય દરમિયાન પીએમ મોદીનો લૂક જેટલો પણ બદલાયો તે તેમના વ્યક્તિત્વને મેચ કરે તેવો રહ્યો હતો.